તે વિવિધ પ્રકારના પદાર્થ નું સ્મરણ કરાવે છે.તેથી તેને “સ્મૃતિ” કહે છે.
તે શ્રવણ કરી,સ્પર્શ કરી,દર્શન કરી,ભોજન નું ગ્રહણ કરી,સુગંધ નું ગ્રહણ કરી અને વિચાર કરી,
જીવ ભાવે રહેલ સ્વામી કર્મેન્દ્રિયોને આનંદ પમાડે છે તેને “ઇન્દ્રિય” કહે છે.
પરમાત્મા અદૃશ્ય છતાં સર્વ દૃશ્ય સમૂહ (જગત) ના ઉપાદાનકારણ હોવાથી તેને “પ્રકૃતિ” કહે છે.
તે સત્ પદાર્થ માં અસત્-પણું અને અસત્ પદાર્થ માં સત્-પણું કરે છે,
એવી રીતે સત્તા અને અસત્તા ના વિકલ્પ ને લીધે –તેને “માયા” કહે છે.
દર્શન,શ્રવણ,સ્પર્શ,રસના,તથા ઘ્રાણ-વગેરે થી જે કર્મ કરવામાં આવે તેને “ક્રિયા” કહે છે.
ઉપર પ્રમાણે ચૈતન્ય ને અનુસરનાર ચૈતન્ય નું જેવું રૂપ સ્ફૂરે છે,તેવા તેનાં પર્યાયથી નામ પડે છે.
ચિત્ત-પણાને પ્રાપ્ત થઇ,સંસાર (જગત)માં જવાથી –પોતાના જ હજારો સંકલ્પો થી જ તે સંવિત ના
મન-બુદ્ધિ-વગેરે નામો રૂઢિમાં (માન્યતામાં) આવેલા છે.
તે ચિત્ત વિષય-વાસના કે દ્વૈત-વાસના ના કલંક થી જાણે પોતાના (વાસનાના) પૂર્ણ-સ્વરૂપ ને પામવા
આકુલ હોય –તેમ દેહ-વગેરેની જડતામાં પડે છે-
માટે તે એક ચિત્ત ની “મન-બુદ્ધિ” વગેરે વિભાગની કલ્પના પણ કરવામાં આવે છે.
એ જ ચિત્ત આ લોકમાં “જીવ” કહેવાય છે.અને “મન-બુદ્ધિ કે ચિત્ત” પણ કહેવાય છે.
અને આ રીતે પરમાત્મા ના પદમાંથી ભ્રષ્ટ થયેલા એ અજ્ઞાન-રૂપી કલંક વાળા “ચિત્ત” ના
જુદા જુદા નામો અનેક સંકલ્પ થી પડ્યાં છે એમ પંડિતો કહે છે.
રામ પૂછે છે કે-મન એ જડ છે કે ચેતન છે? મારા મનમાં એનો નિશ્ચય થતો નથી.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,મન જડ પણ નથી કે ચૈતન્યરૂપ (ચેતન) પણ નથી.
પ્રથમ,ચૈતન્ય-રૂપે રહેલી “અજડ-દૃષ્ટિ” (ચૈતન્યતા) સંસાર ની ઉપાધિ ને લીધે,જયારે મલિન(મેલી)
થાય છે,ત્યારે તેને “મન” કહે છે.
તે “મન” એ સત્-અસત્ થી વિલક્ષણ (જુદું) છે.અને પ્રત્યેક પ્રાણીમાં જુદુજુદું છે.
અને તે મન જગતના “કારણ-રૂપ” છે.અને “ચિત્ત” પણ તેને જ કહે છે.
નિશ્ચય-પણાથી પરમાત્મામાં નું શાશ્વત-એક-રૂપ છે,પણ તે (પરમાત્મા) ના વિના ચિત્ત ની “સ્થિતિ” નથી.
અને તે ચિત્ત થી જ જગત થયેલ છે.
જડ અને અજડ દ્રષ્ટિમાં હિંચકા ની પેઠે (હાલક-ડોલક થતું) સંકલ્પ-વિકલ્પ-વાળું જે
“ચૈતન્ય” નું રૂપ છે-તેને “મન” કહે છે.
હે,રામ સાક્ષી-પણાને લીધે,અંદરથી કલંક-રહિત અને બહારથી મલિન-એવું “ચૈતન્ય” નું
જે ઉપાધિ-વાળું ચલન છે તેં પણ “મન” કહેવામાં આવે છે.
તે જડ પણ નથી કે ચેતન પણ નથી.
એ જ મનમાં “અહંકાર,મન,બુદ્ધિ,જીવ” વગેરે નામ “કલ્પેલાં” છે.
જેવી રીતે નટ (નાટ્ય-કલાકાર) જુદાજુદા વેશ લે છે,તેવી રીતે મન પણ જુદાજુદા કર્મ કરે છે.
જેવી રીતે કોઈ મનુષ્ય રસોઈ કરતો હોય તો તે રાંધનાર,પાઠ કરતો હોય તો પાઠ-કરનાર,કથા કહેતો
હોય તો વકતા અને કથા સાંભળતો હોય તો શ્રોતા-એમ જુદા જુદા કાર્ય કરે ત્યારે તેના જુદા જુદા નામ
પડે છે,તેવી રીતે જ,મન જયારે જુદા જુદા કાર્ય કરે ત્યારે તેનાં જુદાંજુદા નામ (ચિત્ત-વગેરે) પડે છે.