વશિષ્ઠ કહે છે કે-હે,રામ,કર્મ અને કર્તા -એ બંનેનું રૂપ અભિન્ન છે.(બંને એક જ છે)
જેમ,વૃક્ષમાંથી પુષ્પ અને સુગંધ એ બંને એક જ સમયે ઉત્પન્ન થાય છે,
તેમ,સૃષ્ટિના આદિમાં કર્મ અને કર્તા -એ બંને પોતાના સ્વભાવથી એક સમયે પરમાત્માના પદ માંથી
પ્રગટ થયેલ છે.આકાશમાંથી જેવી રીતે નીલિમા(કાળાશ) સ્ફુરે છે,તેવી રીતે,
સર્વ સંકલ્પથી મુક્ત તથા નિર્મળ એવા પર-બ્રહ્મ માંથી જીવ સ્ફુરે છે.
હે,રામ,અજ્ઞાનીઓને સમજાવવા માટે "બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે” એમ કહેવામાં આવે છે,પણ,
જ્ઞાનવાન માટે “બ્રહ્મમાંથી આ થયું છે અને નથી થયું”એમ કહેવાનું શોભતું નથી.
જ્યાં સુધી બીજી કોઈ કોઈ કલ્પના પ્રથામાં આવી નથી,ત્યાં સુધી આ લોકમાં આપવામાં આવતો ઉપદેશ
(ઉપદેશ્ય) અને ઉપદેશ (લેનારની) યોગ્યતા,શોભતી નથી.એટલા માટે જ્યાં સુધી,વ્યવહાર છે,
ત્યાં સુધી ભેદ દૃષ્ટિ થી “દ્વૈત-કલ્પના” નો અંગીકાર કરીને “આ બ્રહ્મ અને આ જીવ” એમ કહેવામાં આવે છે.
પણ તે વાણીનો એક ક્રમ છે.પર-બ્રહ્મ તો અસંગ અને અદ્વિતીય જ છે.ભલે તેમાંથી જગત ઉત્પન્ન થાય છે,
તેમ કહેવામાં આવે –છતાં તે –તે (બ્રહ્મ)- રૂપ જ છે.
જેમ વસંત-ઋતુમાં નવા અંકુર ઉત્પન્ન થાય છે,તેમ પરમાત્મા થી જીવ સમૂહ ઉત્પન્ન થાય છે,અને,
જેમ,ગ્રીષ્મ-ઋતુમાં વસંત ના રસો પાછા વિલય પામે છે,તેમ પરમાત્મા માં જ જીવો લય પામે છે.
હે,રામ, પુષ્પ અને સુગંધ –એ જેમ અભિન્ન છે,તેમ પુરુષ અને કર્મ એ અભિન્ન છે.
એ બંને પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય પામે છે.
દેવતાઓ,મનુષ્યો,દૈત્યો –વગેરે વસ્તુતઃ ઉત્પન્ન થયા નથી,
તો પણ વાસના-મય-ઉપાધિ-ભાવ થી ઉત્પન્ન થાય છે અને તત્કાળ સ્ફુરણા પામે છે.
આવી રીતે ઉત્પન્ન થવામાં તથા વિહાર (ભોગો) કરવામાં –“આત્મા નું વિસ્મરણ” જ મુખ્ય કારણ છે.
તે વિના જન્માંતરનું ફળ આપનાર બીજું કોઈ કારણ નથી.
રામ કહે છે કે-પ્રમાણિક દૃષ્ટિ-વાળા તથા રાગ-રહિત એવા મનુ-વગેરેએ “ધર્મ તથા અધર્મ-રૂપી અર્થ”માં
“અવિરુદ્ધ-પણાથી” સ્મૃતિ-પુરાણ-વગેરેમાં જે જે નિર્ણય કરેલા છે-તેને “શાસ્ત્ર” કહેવામાં આવે છે.
જેઓ અત્યંત શુદ્ધ છે,સત્વ-ગુણ થી યુક્ત છે,ધીરજવાન તથા સમ-દૃષ્ટિ-વાળા છે,અને,અનિર્વચનીય
બ્રહ્મ નો સાક્ષાત્કાર કરવાની કળાથી યુક્ત છે-તે સાધુ-પુરુષ (સત્પુરુષ) કહેવાય છે.
સત્પુરુષના આચાર અને શાસ્ત્ર (કે જે મનુષ્ય ના બે નેત્ર કહેવાય છે) તેને અનુસરીને જે મનુષ્ય વર્તે છે,
તેને તત્વજ્ઞાન ના હોય તો પણ સર્વ કાર્ય ની સિદ્ધિ થાય છે.અને જે તેમને અનુસરીને ચાલતો (વર્તતો)
નથી તેનો સર્વ કોઈ ત્યાગ કરે છે અને તે દુઃખમાં ડૂબી જાય છે.
હે,પ્રભુ,આ લોકમાં તથા વેદમાં એવી શ્રુતિ છે કે-કર્મ અને કર્તા (કર્મ નો કરનાર) એ બંને ક્રમે કરીને સાથે
રહેનાર છે,એટલે કે કર્મે કરીને કર્તા થાય છે,અને કર્તા કર્મને ઉત્પન્ન કરે છે,
જેમ,અંકુરમાંથી પાછું બીજ થાય છે,તેમ જીવમાંથી પાછાં કર્મ ઉત્પન્ન થાય છે.
જે વાસનાને લીધે પ્રાણીઓ (જીવો) જન્મે છે,તે વાસનાને અનુસરીને તેને ફળનો અનુભવ થાય છે.