તેથી તેને રાજાએ આપેલું દુઃખ જરા પણ દીઠું (અનુભવ્યું) નહિ.
માંડવ્ય-ઋષિ ને (ખોટો ચોરીનો આરોપ કરીને) શૂળીમાં પરોવ્યા હતા,
તો પણ,પોતાના મન ને રાગ-રહિત કરીને સર્વ કલેશ ને જીતી ગયા હતા.
ઇન્દુ નામના બ્રાહ્મણના દશ પુત્રોએ,પુરુષાર્થ થી ધ્યાન વડે બ્રહ્મા નું પદ સંપાદન કર્યું છે
તે પદ મારાથી (બ્રહ્માથી) પણ ખંડન થાય નહિ.
જેવી રીતે,શિલા (પથ્થર) પર કમળ નું પુષ્પ પછાડવાથી શિલા ખંડિત થતી નથી,તેવી રીતે,
જે મનુષ્ય નું ચિત્ત ધ્યાનમાં એકાગ્ર થયેલું હોય છે,તેને આધિ,વ્યાધિ.શાપ,રાક્ષસ કે પિશાચ વગેરે પણ
પરાભવ કરી શકતાં નથી. જે મનુષ્ય ધીરજથી મન વડે પુરુષાર્થ કરી શકતો નથી,તથા જે જ્ઞાનમાં
અસમર્થ છે-તેનો શાપથી તથા કામ-ક્રોધ થી પરાભવ થાય છે.
સાવધાન મનવાળા મનુષ્ય નો આ સંસારમાં જાગ્રત અવસ્થામાં કે સ્વપ્નાવસ્થા માં પણ દોષથી જરા પણ
પરાભવ થતો નથી.એટલા માટે દરેક મનુષ્યે પોતાના મન વડે પોતાના મન ને પવિત્ર માર્ગ માં જોડવું.
જેમ,બાળકને ભૂત પહેલાં તો થોડું સરખું જ દેખાય છે અને પછી તેં મહાન ભયકારી લાગે છે,
તે જ પ્રમાણે,મન ને “થોડો-જણાયેલો-પદાર્થ” વખત જતા પુષ્ટ થઈને મોટો થઇ જાય છે.અને
પછી તે સત્ય જ હોય તેવો અનુભવ થાય છે.
જેમ,કુંભારે માટીમાંથી ઘડો બનાવ્યો તો તે ઘડો પૂર્વ ની માટીની સ્થિતિ નો ત્યાગ કરે છે,
તેમ,મનુષ્ય કોઈ વાતનો પોતાના દૃઢ મનથી નિશ્ચય કરે,પછી તેની પ્રથમની સ્થિતિ નો ત્યાગ થાય છે.
હે,મુનિ,જેમ,પ્રથમ સ્પંદ-રૂપે રહેલું પાણી મોટા મોજાંરૂપે થાય છે,તેમ,પ્રથમ “પ્રતિભાસ-રૂપે-રહેલું-મન”
તેના “અર્થ-પણા” ને પામે છે.એટલે કે દિવસે-પણ જો "તે દિવસ –એ રાત્રિ છે"-
એવું પોતાના મન થી અનુસંધાન કરવાથી,દિવસે પણ રાત્રિ નો અનુભવ થાય છે.
મનુષ્ય પોતાના મનથી જેવું જુએ છે,તેવું તેને ફળીભૂત થાય છે.તેમ જ હર્ષ અને ખેદ સહિત તેવું ફળ ભોગવે છે.પ્રતિભા ને અનુસરનારુ ચિત્ત,જો,ચંદ્ર ના પ્રતિબિંબમાં અગ્નિ છે-એવો વિચાર કરે તો,
તેને તેમાં હજારો અગ્નિ ની શિખાઓ દેખાય અને તેના દાહથી તેને તાપ થાય છે.
ખારા પ્રવાહી માં પણ તે ચિત્તને,મધુર રસ ની ભાવના થવાથી તે ખારું પ્રવાહી મીઠું(મધુર) લાગે છે.
આ પ્રમાણે,મનુષ્ય પોતાના મનથી જેવી ઇન્દ્રજાલ ની કલ્પના કરે છે,તેવી તેને તત્ક્ષણ જોવામાં આવે છે.
પણ આ જગત –એ સત્ નથી કે અસત્ પણ નથી,એમ સમજીને વિવિધ પ્રકારની ભેદ-દૃષ્ટિ ને ત્યાગો.
(૯૩) વિશ્વોત્પત્તિ નો ક્રમ
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે બ્રહ્માએ મને જે પૂર્વે કહેલું હતું,તે મેં તમને કહ્યું.
--“પર-બ્રહ્મ” નું સ્વરૂપ “અનિર્વચનીય” (વર્ણન ના કરી શકાય તેવું) છે.
અને (પણ) તેનાથી અનિર્વચનીય પદાર્થ ની જ ઉત્પત્તિ થાય છે.
--તે (પર-બ્રહ્મ) પોતે જ ઘન-પણા ને પામીને “મન”રૂપે થાય છે.
--તે “મન-તન્માત્રા” એ “કલ્પના-પૂર્વક” (સ્વપ્ન ના શરીર ને પેઠે) વાસનામય "પુરુષ-આકાર" થાય છે.
--અને તેમાંથી જે “તૈજસ-પુરુષ” થાય છે તેને “બ્રહ્મા” કહે છે.
તેથી,હે,રામ,જે “બ્રહ્મા” છે તે જ “મન” છે તેમ તમે સમજો.
આ પ્રમાણે મન-તત્વ ના આકાર-વાળા-“બ્રહ્મા” કે જે સર્વ કાર્ય કરવાને સમર્થ છે તે-“સંકલ્પ-મય” છે.
તેથી તે જેવો સંકલ્પ કરે છે,તેવું જ તે જુએ છે.