સૂર્ય-દેવતા કહે છે કે-મન જ જગતનો કર્તા છે અને મન જ પરમ-પુરુષ છે.
આ લોકમાં મનથી જે કાર્ય કર્યું હોય,તે જ કર્યું ગણાય છે,પણ શરીરનું કરેલું કાર્ય એ કર્યું ગણાતું નથી.
ઇન્દુ-બ્રાહ્મણ ના દશ પુત્રો –સામાન્ય બ્રાહ્મણો હતા,પણ “મન ની ભાવનાથી” બ્રહ્માની પદવી ને પામ્યા!!
આ મનની શક્તિ અજબ છે,મનથી ભાવના પામેલા દેહ, એ દેહ-પણા ને પામે છે,પણ દેહ-પણાની ભાવના
સાથે,તે જોડાયેલ ના હોવાથી-જન્મ-મરણ વગેરે દેહના ધર્મ તેમને બાધ કરતા નથી.
બાહ્ય દૃષ્ટિ-વાળાને સુખ-દુઃખ વગેરે થાય છે,
પણ અંતર્મુખ વૃત્તિવાળા યોગીને સુખ-દુઃખ (પ્રિય-અપ્રિય) નથી.
માટે મન એ જ આ જગત-રૂપી વિવિધ “વિભ્રમ” નું કારણ છે.ઇન્દ્ર અને અહલ્યા નું વૃતાંત તેનું દૃષ્ટાંત છે.
બ્રહ્મા કહે છે કે-અહલ્યા અને ઇન્દ્ર નું વૃતાંત કહો,જેનું શ્રવણ કરવાથી પવિત્ર જ્ઞાન થાય.
સૂર્ય-દેવતા કહે છે કે-હે,દેવ,પૂર્વકાળમાં મગધ દેશમાં –ઈન્દ્રધુમ્ન-નામનો રાજા હતો,
તેને –અહલ્યા-નામની અતિ-સ્વરૂપવાન રાણી હતી.
તે રાજાના ગામમાં –ઇન્દ્ર-નામનો એક બુદ્ધિશાળી પણ વ્યભિચારી બ્રાહ્મણ રહેતો હતો.
એક વખતે રાજ-રાણી અહલ્યાએ કથામાં એવી વાત સાંભળી કે-
ગૌતમ-ઋષિને,અહલ્યા નામની સ્ત્રી હતી અને તેને ઇન્દ્ર સાથે પ્રેમ હતો.આ વાત સાંભળીને,
રાજરાણી અહલ્યાને પણ (ગામના) ઇન્દ્ર-બ્રાહ્મણ પર અનુરાગ (પ્રેમ) થયો અને તેણે વિચાર કર્યો કે-
“હું પણ અહલ્યા છું તો ઇન્દ્ર મારા તરફ આસક્ત થઈને કેમ ના આવે ?”
આવા વિચારથી અને ઇન્દ્ર પરના પ્રેમથી તે તરફડવા લાગી,અને
રાજાની સમગ્ર સંપત્તિમાં પણ તેને ખેદ થવા લાગ્યો.
આવા પરવશ-પણા થી તેણે લજ્જા નો પણ ત્યાગ કર્યો અને ઇન્દ્ર-ઇન્દ્ર એમ કહી પ્રલાપ કરવા લાગી.
આ પ્રમાણે તેનું દુઃખ જોઈ સ્નેહથી તેની સખીએ તેને કહ્યું કે-હું ઇન્દ્ર ને તારી પાસે લઇ આવીશ.
સખીનાં આવાં વચન સાંભળીને રાણીનાં નેત્રો પ્રફુલ્લિત થયા અને તે સખીના પગમાં પડી.
ત્યાર પછી રાત્રિ ના સમયે તે સખી ગામમાં રહેતા ઇન્દ્ર બ્રાહ્મણ ના ઘેર ગઈ અને
તેને યુક્તિથી સમજાવી રાજરાણી અહલ્યાના પાસે લઇ આવી.
તે પછી તો અહલ્યાએ પોતાના ગુપ્ત મહેલમાં ઇન્દ્ર સાથે રતિસુખ ભોગવવા માંડ્યું,
અને ઇન્દ્ર-બ્રાહ્મણે પણ તે રાજરાણી ને પોતાને વશ કરી લીધી.
પોતાનો પતિ (રાજા) સર્વ ગુણથી યુક્ત હોવા છતાં તે રાજરાણી તે રાજા નો તે અનાદર કરવા માંડી
અને ઇન્દ્રમાં અતિ આસક્ત થઇ ને તેને આખું જગત “ઇન્દ્ર-મય” દેખાવા માંડ્યું.
ઇન્દ્ર પણ રાજરાણી માં અતિ -આસક્ત થયો
અને ધીરે ધીરે તો બંને એકબીજાથી એક ક્ષણ પણ અલગ ના રહી શકે તેવી દશા પેદા થઇ ગઈ.
રાજા ને જયારે આ વાતની ખબર પડી ત્યારે તે બંને ને દંડ દઈને શિક્ષા કરી.
પ્રથમ તો બંને ને ઠંડી ના દિવસોમાં બરફ જેવા જળાશય માં નાખ્યા.પણ તેમ છતાં,
ત્યાં એ બંને ખેદ (દુઃખ) પામ્યા નહિ .પણ આનંદ માં હતા,
ત્યારે રાજાએ તેમને બહાર કાઢી પૂછ્યું કે-ઓ દુષ્ટ-બુદ્ધિવાળાં તમે હજુ ખેદ પામો છો કે નહિ?
ત્યારે તેમણે રાજાને જવાબ દીધો કે-અમારો બંને નો પરસ્પરનો ભાવ દૃઢ-રીતે બંધાયો છે,
એટલે એક બીજાના ચહેરા જોતાં અને એકબીજાનું સ્મરણ કરતાં,અમને દેહની ખબર રહેતી નથી,વળી.
તમે અમને બંનેને સાથે શિક્ષા કરી એટલે કોઈ પણ શંકા વગર અમને સાથે રહેવા મળ્યું,તેથી વધુ હર્ષ
થયો.હે રાજા,સ્નેહ ના લીધે અંગ ચિરાઈ જાય તો પણ અમને અંગ નો મોહ થાય તેમ નથી.