આથી,તમને ભોજન કરાવવાનું અમે નિમંત્રણ આપીએ છીએ.તમે સુંદર નાનું સ્વરૂપ અંગીકાર કરીને
અમારા મહેલે ચાલો,અને ત્યાં તમે સુખે થી રહેજો.
રાક્ષસી કહે છે કે-જેનું મુગ્ધ સ્ત્રી-રૂપ હોય તેને તો તમે ભોજન કરાવવા સમર્થ છો,પણ હું રાક્ષસી જાતિની છું,
તો તમે મને કેવાં અન્નથી તૃપ્ત કરશો?રાક્ષસો ને માંસ-રુધિર વાળા અન્નથી તૃપ્તિ થાય છે.પણ સામાન્ય
મનુષ્યના આહારથી તૃપ્તિ થતી નથી.અને મારો આ રાક્ષસી સ્વભાવ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી
નિવૃત્ત થશે નહિ.
રાજા કહે છે કે-હે,કર્કટી,સુવર્ણ ની માળથી યુક્ત એવી મનોહર સ્ત્રી નું રૂપ ધારણ કરીને તેમે કેટલાક દિવસ સુધી મારે ઘેર આવો.મારા રાજ્યમાંથી દુષ્ટ આચરણ-વાળા (ચોરો-વગેરે) હજારો લોકો ને હું લાવી તમને
ભોજન માટે આપીશ.અને ત્યારે તમે રાક્ષસી સ્વરૂપ લઈને તે દુષ્ટ-પુરુષોને હિમાલયના શિખર પર લઇ જઈને એકાંતમાં તેમનું ભોજન કરજો.અને તૃપ્ત થી ને નિંદ્રા લઇ પછી સમાધિ કરજો.
સમાધિમાંથી ઉઠયા બાદ તમે ફરી અહીં આવજો ત્યારે ફરીથી હું તમને એવા દુષ્ટ માણસો આપીશ.
એવા દુષ્ટ મનુષ્યો ની હિંસા કરવી તે હિંસા ગણાતી નથી,વળી સ્વ-ધર્મથી કરવામાં આવતી હિંસા પણ
દયાની બરોબર છે.
રાક્ષસી કહે છે કે-હે,રાજન,તમે યોગ્ય કહ્યું,અને સ્નેહથી કહેનારનું વચન કોણ માન્ય કરતુંનથી?
હું તમે જેમ કહો છો તેમ જ કરીશ.
વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે કહી તે રાક્ષસીએ મનોહર સ્ત્રીનો દેહ ધારણ કર્યો.તે દેહને સુવર્ણ ના ઘરેણાંથી શણગારીને તેણે રાજાને કહ્યું કે-“ચાલો આપણે જઈએ” ત્યારે રાજા અને મંત્રી આગળ ચાલ્યા અને રાક્ષસીએ તેમની પાછળ જવા માંડ્યું.રાજાએ મહેલમાં આવ્યા પછી,તેને અંતઃપુરમાં સુંદર ખંડ આપી પરસ્પર
આદર-પૂર્વક વાતો-ચીતો કરીને રાત્રિ પસાર કરી.
ત્યાર પછી છ દિવસમાં તે રાજાએ પોતાના દેશમાંથી તથા બીજા દેશમાંથી –ત્રણ હજાર વધ કરવાને યોગ્ય,
દુષ્ટ ચોરોને ભેગા કરીને તે રાક્ષસીને આપ્યા.
સાયંકાળે તે રાક્ષસીએ પોતાનો રાક્ષસી દેહ ધારણ કર્યો અને તે સર્વ વધ કરવા યોગ્ય,મનુષ્યોને પોતાના
હાથમાં સમાવી,રાજાની આજ્ઞા લઈને હિમાલય પર્વતના શિખર પર ગઈ,અને ત્યાં જઈ તેણે સુખેથી ભોજન કર્યું.તૃપ્તિ મેળવી,અને ત્રણ દિવસ નિંદ્રા કરી ને સમાધિમાં પરાયણ થઇ.
સમાધિમાંથી જાગી તે રાજાના સ્નેહને લીધે તેના રાજ્યમાં પાછી ગઈ,ત્યાં કેટલાક સમય સુધી વિશ્વાસ-પૂર્વક
કથા-વાર્તા કરતી અને પાછું વધ કરવા યોગ્ય લોકો નું ભોજન લઈને પર્વત પર ગઈ.
એ પ્રમાણે વારંવાર તે રાક્ષસીએ કરવા માંડ્યું.
કેટલાક કાળ પછી તે ભીલ દેશના રાજાની વિદેહ-મુક્તિ થઇ અને તે દેશમાં જે બીજો રાજા થયો,
તેણે પણ તે રાક્ષસી સાથે તેવા જ પ્રકાર નો સ્નેહ-સંબંધ રાખ્યો.
(૮૩) કંદરા દેવી ની સ્થાપના
વશિષ્ઠ કહે છે કે-હે,રામ ત્યાર પછી તે દેશમાં જે જે રાજા થયા તે બધા રાજાની સાથે તે કર્કટી ની ઉત્તમ
મિત્રતા થવા માંડી.તેથી યોગથી સિદ્ધ થયેલી તે કર્કટીએ તે દેશમાં મોટા મોટા ઉત્પાતો,રોગોનું અને પિશાચ
વગેરેના ભયનું નિવારણ કરવા માંડ્યું. ઘણાં વર્ષે જયારે તે સમાધિમાંથી વિરામ પામતી ત્યારે તે પછી ભીલના પ્રદેશમાં પાછી આવતી અને તેણે માટે ભેગા કરેલા દુષ્ટ લોકોને પોતાના આહાર માટે લઇ જતી.
આજ સુધી તે ભીલના દેશમાં વધ કરવા યોગ્ય-દુષ્ટોને તે રાક્ષસીના આહાર માટે લઇ જવામાં આવે છે.