Jun 5, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-182


(૮૨) રાજા અને રાક્ષસી નો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ કર્કટી-રાક્ષસીએ રાજાનાં વચન સાંભળ્યાં,તેને બ્રહ્મ-જ્ઞાન થયું, અને પોતાની
રાક્ષસી જાતિની ચપળતાનો ત્યાગ કર્યો.
જેમ,ચંદ્રના પ્રકાશથી રાત્રિમાં વિકાસ પામતાં કમળને શીતળતા મળે,તેમ તાપ-રહિત વિશ્રાંતિ મળવાથી,
તે રાક્ષસીના અંતઃકરણમાં શીતળતા થઇ.અને તેને આનંદ થયો.
રાક્ષસી રાજાને કહે છે કે-જ્ઞાન-રૂપી સૂર્યથી પ્રકાશ પામતી,તમારી બંને ની બુદ્ધિ પવિત્ર અને શુદ્ધ જણાય છે.
તમારા હૃદયમાં થી નીકળેલી વિવેક-કણિકાઓ નું શ્રવણ કરીને,હું તમારા જેવા વિવેકી મનુષ્યોને,જગતને
પૂજવા લાયક માનું છું.તમારા સત્સંગથી હું વિકાસ પામી છું અને મને આનંદ થયો છે.
જેમ,હાથમાં દીવા-વાળા મનુષ્ય ને અંધકાર પરાભવ આપી શકતો નથી,તેમ,સત્પુરુષો ના સમાગમથી
દુઃખ ની બાધા રહેતી નથી.પૃથ્વી ઉપરના  સૂર્ય-રૂપી એવા તમે બંને જણા મને અહીં જંગલમાં પ્રાપ્ત થયા છો,તમે પૂજા કરવા યોગ્ય છે,આથી તમારી જે ઈચ્છા હોય તે તમે મને કહો.

રાજા કહે છે કે-હે,રાક્ષસી,આ દેશમાં સર્વ મનુષ્યોને હૃદયના શૂળ-રોગ ની ઘણી પીડા થાય છે અને સર્વ
પ્રજા વિશુચિકા થી તપી રહી છે. ઔષધ થી તેની શાંતિ થતી નથી.એટલા માટે હું રાત્રિચર્યા માટે નીકળ્યો છું,અને તમારા જેવા પાસેથી (તે રોગના) મંત્રનો ઉપદેશ લેવાની ઈચ્છા છે.
હે,શુભા.તમારે હવેથી કોઈ પ્રાણીની હિંસા નહિ કરવી,એવા મારા વચનો નો સ્વીકાર કરો.
રાક્ષસી કહે છે કે-હું તમારા વચનો નો સ્વીકાર કરું છું અને હવેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહિ.
રાજાને રાક્ષસીના વચન પ્રત્યે સંશય થયો,એટલે રાજા પૂછે છે કે-મને આપેલા  વચન પ્રમાણે
કોઈની હિંસા ના કરવાથી,હે,રાક્ષસી, તું હવેથી તારા શરીરની આજીવિકા કેમ કરીશ?
ત્યારે રાક્ષસી કહે છે કે-હે,રાજન,હિમાલય પર્વત પર છ માસ સુધી સમાધિ કર્યા પછી હું સમાધિમાંથી જાગી ત્યારે મને ભોજન ની ઈચ્છા થઇ,અને તેથી હું અહીં આવી હતી.પણ હવે હું પછી તે જ પર્વતના શિખર પર જઈ,ધ્યાન ના નિશ્ચળ-પણાથી,ઈચ્છા હશે ત્યાં સુધી સુખથી રહીશ,અને મરણના સમય સુધી હું શરીરને
ધારણા થી ધારણ કરી રાખીશ,અને કાળે કરીને મારા શરીરનો યચેચ્છ ત્યાગ કરીશ.આવી મારી ઈચ્છા છે.
હે,રાજન,હવે જ્યાં સુધી મારુ શરીર રહેશે ત્યાં સુધી હું કોઈ પ્રાણીની હિંસા કરીશ નહિ.
તે પર્વતના સોનેરી શિખર પરની ગુફામાં મારો નિવાસ છે ,ત્યાં હું સૂચી (સોય) સ્વરૂપે રહું છું.અને
મારું નામ કર્કટી છે.માણસ-માત્રનો સંહાર કરવની ઇચ્છાથી મેં બ્રહ્માની ઉપાસના કરીને –
“હું સૂચી-રૂપ આત્મા વાળી વિશુચિકા થાઉં” એવું વરદાન પામીને હું વિશુચિકા-પણું પામી હતી.
અને મેં ઘણાં જીવોની હિંસા કરી,પણ ત્યાર પછી મને અસંતોષ થવાથી ફરીવાર બ્રહ્માની ઉપાસના કરી,
ત્યારે બ્રહ્માએ મને કહ્યું કે-“તારે ગુણવાન મનુષ્યોની હિંસા કરવી નહિ” વળી તેમણે મને મર્યાદાના માટે,
મહા-મંત્રનો ઉપદેશ કર્યો.એ મંત્ર હું તમને આપું છું,તે તમે ગ્રહણ કરો.એથી લોકોની બાધા વિરામ પામશે.
અને શૂળ વગેરે રોગોથી શાંતિ થશે.
મેં પ્રથમ,હિંસામાં ઘણી પ્રવૃત્તિ કરી હતી,અને લોકોના હૃદયના લોહીને શોષી લીધું હતું,આથી લોકોની
નાડી રુધિર વિનાની થઇ રહેલી છે.પણ હું હવે તમારા પર પ્રસન્ન થઇ છું,તમે મારી સાથે નદી-કાંઠે ચાલો,
અને આચમન કરીને પવિત્ર-પણે બ્રહ્માનો મંત્ર ધારણ કરો,હું તમને મંત્રોપદેશ કરીશ.
ત્યાર પછી,તે કર્કટીએ રાજાને તથા તેના મંત્રીને મંત્રોપદેશ કર્યો,અને ત્યાંથી જવાનો વિચાર કર્યો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE