જેમ,બીજ પોતાની અંદર વૃક્ષને ધારણ કરીને રહે છે, તેમ,પરમાત્મા પોતાની અંદર આ જગતને ધારણ કરીને રહ્યા છે.દ્વૈત-પણું જે જોવામાં આવે છે તે અજ્ઞાનથી છે.
જે,આકાશથી શૂન્ય-પણું જુદું નથી,તેમ ઈશ્વરથી દ્વૈત-પણું –એ જુદું નથી.
દ્વૈત-પણું અને અદ્વૈત-પણું એ પ્રવૃત્તિ ની સિદ્ધિ માટે કરેલું છે,તેથી જ દુઃખ છે, નિવૃત્તિ માટે તેમ નથી (૬૧)
પ્રમાણ,પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા,દૃશ્ય અને દર્શન-પણે રહેલું જગત,”ચિત્ત-અણુમાં” જ રહેલું છે.
જેવી રીતે પવનમાંથી સ્પંદ થઇ ને તે સ્પંદ પાછો,પવનમાં જ લય પામે છે,
તેવી રીતે,જગત-રૂપી અણુ પરમાત્મા થી ઉત્પન્ન થઈને પરમાત્મા માં જ લય પામે છે.
પરમાત્મા ની આ માયા અતિ મોહ-મયી છે.
માયા થી એક પરમાત્મામાં ત્રૈલોક્ય ની પરંપરાનો ભ્રમ થાય છે,
પણ ખરું જોતાં,ચિદમાત્ર-પરમાણુ-પણાથી જ જગતની સ્થિતિ રહેલી છે.(૬૨)
જેમ,બીજમાં વૃક્ષ રહે છે તેમ,પરમાત્માની અંદર જગત-જાળ ની સ્થિતિ છે.અને ચિત્ત-અણુના ઉદરમાં રહેલું આ વિકાસ પામતું રહેલું જગત યોગીની દ્રષ્ટિથી દેખાય છે.(૬૩)
દ્વૈત અને અદ્વૈત-રૂપે રહેલું જગત ચૈતન્ય-રૂપી પરમાણુ માં રહેલું છે,એમ જે જુએ છે તે જ સાચું જુએ છે.
ખરું જોતાં,તો દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી,સ્થૂળ નથી કે સૂક્ષ્મ નથી,ઉત્પન્ન નથી થયું અને નથી થયું
તેમ પણ નથી.અસ્તિ-પણું નથી કે નાસ્તિ-પણું નથી,સૌમ્ય નથી કે ક્ષોભવાળું પણ નથી.
ચૈતન્ય રૂપી અણુમાં રહેલું જગત આકાશ નથી,વાયુ નથી,તે જગત નથી કે અજગત પણ નથી.
માત્ર ચૈતન્યથી જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે અને તે સત્તા સર્વાત્મ્ક હોવાથી,જે સ્થળે જેવો તેને ઉદય થયો છે,
તે ઠેકાણે તેવી તેની સત્તા છે.પરમાત્મા-રૂપી અણુ-એ સમગ્રના આત્માથી ઉદય નથી પામેલ-તો પણ
ઉદય પામેલ છે.જેમ બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષ એ પોતાના વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના,
બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે,તેવી રીતે પરમાત્મા જગત-રૂપે ઉત્પન્ન થાય છે,તથા જન્મ-મરણ ની કલ્પના પામે છે.વૃક્ષ બીજ-પણે ઉત્પન્ન થાય છે તેમ વૃક્ષ-પણાથી પણ ઉત્પન્ન થાય છે-એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે-જયારે ચિત્ત-અણુ-એ નિરંતર નિર્વિકાર છે.(૬૪)
પરમ-પરમાણુ ને લીધે,કમળ-તંતુ પણ મેરુ જેવો દૃઢ છે,કારણકે પરમાણુ થી કમળ-તંતુ સ્થૂળ છે.(૬૫)
આ પ્રમાણે અંતરાત્મા-રૂપી પરમાણુ –કે જેને લીધે કમળ-તંતુ પણ મેરુ-રૂપ છે,તેની અંદર,
કરોડો મેરુ-વગેરે પર્વતો રહેલા છે. (૬૬)
એક ચૈતન્ય-રૂપી પરમાણુ થી જ આ જગત વ્યાપી રહેલ છે,અને તેનાથી જ વિસ્તાર પામેલું છે,
તેણે જ દેવતા-મનુષ્ય વગેરેના ભેદ થી જગત પેદા કરેલું છે.અને
તેણે જ દેવતા-મનુષ્ય-વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે.
પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો આ પ્રપંચ (માયા) પણ પરબ્રહ્મ-રૂપ જ છે.(૬૭)
ઉપર પ્રમાણે આખું વિશ્વ એ પરબ્રહ્મ-રૂપ છે,આપણે પણ વિશ્વમાં હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ.વધ કરવા યોગ્ય નો વધ કરીએ છીએ અને જગતનું પાલન પણ કરીએ છીએ. (૬૮-૭૦)
જગતને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ના કરનારું,અને ઉત્પત્તિ-સ્થિતિ અને લય-રહિત એવું તત્વ જયારે જાણવામાં આવે છે,ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન હોય તેમ ભાસે છે.
એટલે કે-જગતના દર્શનથી જો કે આપણો અભાવ જણાયછે,તો પણ
બ્રહ્મ-દર્શનથી આપણો સદ-ભાવ જ છે.(૭૧-૭૨)