May 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-173


--સર્વ વસ્તુની સત્તા અનુભવની સત્તા ને આધીન છે,માટે તે મુખ્ય સત્તાને (તે સત્તા) બીજાને આધીન છે,
એવું “બીજાને આધીન-પણું માનવાથી અનવસ્થા થાય,
માટે સ્વત-સિદ્ધ સત્તાના અનુભવથી જ સર્વ ભાવને સત્તા મળે છે (૧૬)
--પરમાત્મા આકારથી શૂન્ય છે,માટે તે આકાશ-રૂપ છે,પણ આકાશ જડ છે અને પરમાત્મા ચૈતન્ય-રૂપ છે,
માટે અનાકાશ પણ પરમાત્મા જ છે (૨)
--આત્મભાવ થાય ત્યારે કિંચિત પણ નકિંચિત થાય,એટલે બ્રહ્મ કે જે સર્વાત્મા છે,તથા પોતાની મેળે જ
જગતનો સાક્ષાત્કાર કરે છે,તે બ્રહ્મ જયારે જગતને પોતાનામાં લય કરે છે,ત્યારે પ્રથમ કિંચિત-રૂપે રહેલું
જગત નકિંચિત થાય છે.પરમાત્મા અતીન્દ્રિય (ઇન્દ્રિયો થી ના જણાય તેવા) છે,માટે,તે કોઈ નથી,
અને તે જ પરમાત્મા અનંત અણુ-રૂપ છે માટે કંઈક છે. (૩)
--પહેલા પ્રશ્નમાં એક અણુને અનેક સંખ્યા-પણું કહ્યું છે,પણ તે ચૈતન્ય-રૂપી અણુને અનેકતા દેખાવ-માત્ર છે.
વસ્તુતા (હકીકતમાં) તે અનેકતા નથી (૧) સુવર્ણમાંથી જેવી રીતે કુંડળ વગેરે જુદાંજુદાંઘરેણાં થાય છે,તેવી રીતે ચૈતન્ય-રૂપી અણુમાંથી દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-રૂપી વિચિત્ર જગતનો વિસ્તાર થયો છે, (૫૬)
--ઓગણીસમા પ્રશ્ન માં તથા બીજા પ્રશ્નમાં પણ વારંવાર”અણુ” શબ્દ છે,તેનો સારાંશ એવો છે કે-ચૈતન્ય-રૂપી અણુ પરમ-આકાશ-રૂપી છે તથા તે સૂક્ષ્મ છે,માટે તે જાણવામાં આવે તેમ નથી,અને તે સર્વાત્મક છે,તો પણ,
મન તથા ઇન્દ્રિયો તેને (જલ્દી) પહોંચી શકતા નથી. (૧૯)
--વીસમા પ્રશ્નમાં “છે અને નથી તેવો કયો અણુ છે?” એમ કહ્યું છે તેમાં “નથી” એમ બોલવું તે અયોગ્ય છે,
કારણકે ચૈતન્ય-રૂપી અણુ સર્વાત્મક છે,માટે તેને શૂન્ય-પણું ઘટતું (થતું) નથી.અને
“છે અને નથી” એવી રીતે બોલનાર તથા માનનાર જે પુરુષ છે તે “આત્મ-રૂપ” જ છે.
વળી,કોઈ પણ યુક્તિ થી સત્ પદાર્થ ને અસત્-પણું ઘટતું નથી. કદાપિ કોઈને શંકા થાય કે-
“જયારે તે (ચૈતન્ય) છે ત્યારે દૃશ્ય(જગત) કેમ નથી?”
તો કહેવાનું કે-કપૂર જેમ ગુપ્ત રાખ્યું હોય તો પણ પોતાની સુગંધીથી સર્વ ઠેકાણે જણાય છે,
તેમ,ચૈતન્ય-રૂપી અણુ સર્વાત્મક છે,તેથી સર્વ ઠેકાણે ગુપ્ત રહી,સર્વ સત્તાથી પોતે પ્રગટ થાય છે.(૨૦)
--ચૈતન્ય-રૂપી અણુ મન-ઇન્દ્રિયોની વૃત્તિ વડે અનેક પ્રકારે જણાય છે,તેથી તે સર્વ-રૂપ છે,અને મન-ઇન્દ્રિયો વડે તેનું "રૂપ" જણાતું નથી,માટે તે કંઈ નથી.અને તે જ ચૈતન્ય-રૂપી અણુ એક તથા અનેક છે.(૨૯)
નોંધ-પહેલા પ્રશ્નમાં “અનેક સંખ્યા વાળું એક કયું છે?” તેનો ઉત્તર અહીં પણ આવી જાય છે (૧)
--ચૈતન્ય-રૂપી અણુ ની અંદર જગત રહેલું છે (૬૩)
-- ચૈતન્ય-રૂપી અણુ જગત-રૂપી રત્ન ને ધારણ કરે છે. (૧૭)
--આ ત્રણ જગતનો સમૂહ ચૈતન્ય-રૂપી મોટા સમુદ્ર માં રહેલો છે,તે ચૈતન્ય-રૂપ જ છે
અને તેનાથી જુદો નથી,પણ જેમ જળમાં દ્રવ-પણાથી ઘુમરી પડે છે અને તે જુદી દેખાય છે,
તેમ,ચિત્તના વિકલ્પ-પણાથી જુદાપણું જણાય છે.(૫૭-૫૮)
-- ચૈતન્ય-રૂપી અણુ મન-ઇન્દ્રિયો થી અતીત છે,માટે તે શૂન્ય છે,અને તે પોતાના સંવેદન થી જણાય છે,
માટે તે આકાશ-રૂપી હોવા છતાં અશૂન્ય છે.(૨૯)
--અદ્વૈતપણાથી “ત્વં” પદમાં “અહં” પદનો તથા “અહં” પદમાં “ત્વં” પદનો સમાવેશ થાય છે,અને
આ પ્રમાણે થવું તે પણ વ્યવહારિક દૃષ્ટિ થી જ છે,પણ પરમાર્થ દૃષ્ટિ થી આત્માથી સર્વ ની એકતા છે,
તેથી તેમાં “ત્વં-પણું” કે “અહં-પણું” નથી (૪-૫)
-- ચૈતન્ય-રૂપી અણુ હજારો યોજન ચાલે છે.આકાશની પેઠે હજારો યોજનમાં વ્યાપી રહેલ છે,તો પણ
તે અણુ “ગમન નો કર્તા” નથી,કલ્પનાથી તે યોજન-સમૂહ એ અણુ ની અંદર જ રહેલો છે.(૬)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE