વશિષ્ઠ કહે છે કે-તે રાક્ષસીએ મેઘની ગર્જના જેવો ગંભીર નાદ કર્યો,અને તે રાજાને પૂછ્યું કે-
તમે કોણ છો?તમે પૂજ્ય બુદ્ધિવાળા (આત્મ-જ્ઞાની) છો કે દુર્બુદ્ધિ વાળા છે? તમે મારો કોળિયો થવા આવો છો,માટે તમે દુષ્ટ મરણ ને યોગ્ય જ લાગો છો.
રાજા કહે છે કે-અરે,ભૂત તું કોણ છે?તારો દેહ દેખાડ,ભ્રમરીના જેવા તારા શબ્દો થી કોણ બીએ છે?
કાર્ય-સાધક મનુષ્ય પોતાના કાર્યમાં સિંહ ની જેમ દોટ મૂકે છે,માટે બહુ બોલ્યા વિના તારું પરાક્રમ દેખાડ,
અમને ક્રોધના શબ્દ સંભળાવી બીવડાવવાનો કોઈ અર્થ નથી,તારે શું જોઈએ છે? તે હું તને આપીશ.
બાકી તો મને લાગે છે કે શું તને જ ભય છે? તું આકાર અને શબ્દ થી અમારા સન્મુખ થઈને ઉભો રહે.
રાક્ષસીએ વિચાર્યું કે-રાજાએ વચન તો મનોહર કહ્યાં છે.પછી તે રાજાની અધીરતા ટાળવા અને તેમની
આગળ પ્રત્યક્ષ થવા તેણે ફરી નાદ અને હાસ્ય કરી રાજાની સામે ઉપસ્થિત થઇ.
અત્યંત ભયંકર દેખાતી તે રાક્ષસીને જોઈને રાજા અને કારભારી ક્ષોભ પામ્યા વિના ઉભા રહ્યા,કારણકે,
સત્ય અને અસત્ય ના વિવેક થી શોભતા માણસને કોઈ પણ પદાર્થ થી ભય કે મોહ થતો નથી.
મંત્રી કહે છે કે-હે,રાક્ષસી,ઇચ્છિત વસ્તુ સિદ્ધ કરવા માટે તારે આટલો મોટો ક્રોધ કરવાનું કારણ શું છે?
હલકો મનુષ્ય થોડા કામમાં પણ ઘણો ક્રોધ કરે છે માટે તું ક્રોધ નો ત્યાગ કર,ક્રોધ તને શોભતો નથી,
બુદ્ધિમાન મનુષ્ય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં યુક્તિથી જ વર્તે છે.
હે,અબળા,જેવી રીતે પવન ખડ અને પાંદડાં ને ઉડાડી મૂકે છે તેવી રીતે તારા જેવાં હજારો મગતરાંને
અમે ધીરજ-રૂપી વાયુ થી ઉડાડી મુક્યા છે.તું કહે કે તારી શું ઈચ્છા છે? યાચના કરવા આવેલો કોઈ પણ
મનુષ્ય પોતાની કોઈ પણ ઈચ્છા પુરી કર્યા વિના અમારી પાસેથી પાછો ગયો નથી.
મંત્રીએ આ પ્રમાણે કહ્યું એટલે રાક્ષસીએ વિચાર કર્યો કે-અહો,આ પુરુષમાં સિંહ-સમાન એવા આ બંને નું
ધૈર્યઅને બુદ્ધિ-બળ કેવાં શુદ્ધ છે! આ બંને દુષ્ટ મનુષ્ય હોય તેમ હું માનતી નથી.આ બંને એ ઘણું કરીને
મારા મનનો અભિપ્રાય જાણ્યો છે,અને મેં પણ તેમનો અભિપ્રાય જાણ્યો.મને લાગે છે કે-આ બંને અવિનાશી,આત્મજ્ઞાની અને બુદ્ધિશાળી છે,તેથી તેઓ અભય-રૂપ છે.અને મારે તેમનો નાશ કરવો જોઈએ નહિ.પણ લાવ,ત્યારે મારા મનમાં જે કંઈ સંદેહ થયો છે તે એમને હું પુછું.
તેણે પૂછ્યું કે-તમે બંને કોણ છો? તે કહો,નિર્મળ મનુષ્ય ના દર્શન કરવાથી તેની સાથે મિત્રતા થાય છે.