વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તે કર્કટી રાક્ષસીને ઘણા કાળ સુધી માણસના લોહી-માંસ નો સ્વાદ લેતાં પણ
તૃપ્તિ થઇ નહિ,કારણકે સૂચી (સોય) રૂપ તેના નાના દેહમાં એક રૂધિરના બિંદુથી વધુ શું સમાઈ શકે?
આમ,રાક્ષસી ની તૃષ્ણા,સોય-રૂપ થવાથી પણ,શાંત થતી નથી.માટે- તે રાક્ષસી વિચારવા લાગી કે-
“હાય,મને આ સૂચી-રૂપ પ્રાપ્ત થવાથી હું કેવી સૂક્ષ્મ થઇ ગઈ છું!! ભક્ષણ કરવાની મારી શક્તિ હરાઈ ગઈ છે,અરે, મારા પેટમાં એક કોળિયો પણ સમાઈ શકતો નથી,મારા પ્રથમના મોટા મોટા અંગો ક્યાં ગયા?
હું કાદવની વચમાં ડૂબી જાઉં છું,પૃથ્વી પર પડી જાઉં છું અને માણસના પગના પ્રહારથી હણાઈ ગઈ છું,
મલિન થઇ ગઈ છું.અરે રે હું ધણી વિનાની મને કોઈ ધીરજ આપનાર નથી,મારું કોઈ સ્થળ નથી,
દુઃખથી પણ વધારે દુઃખમાં અને સંકટથી પણ વધારે સંકટમાં હું ડૂબી ગઈ છું.
મારે કોઈ સખી નથી,દાસી નથી,માતા નથી,પિતા નથી,ભાઈ નથી,પુત્ર નથી,દેહ નથી કે આશ્રય નથી.
ઠરીને બેસવાનું મારે કોઈ સ્થળ નથી,તેથી હું વનનાં પાંદડાં ની જેમ ચારે બાજુ ભમ્યા કરું છું.
હું અતિ આપત્તિ માં આવી પડી છું,હવે હું મોત માગું છું,પણ તે ય મને માગ્યે-મળતું નથી.
જેમ હાથમાં આવેલ ચિંતામણિ ને કોઈ કાચ નો ટૂકડો સમજીને ફેંકી દે,તેમ,મેં મૂઢ-બુદ્ધિ થી મારા
પ્રથમના દેહનો ત્યાગ કર્યો!! મારા દુઃખ ની પરંપરા નો કોઈ પાર નથી,બીજાને પીડનારી પણ બીજાના
સંચારથી ચાલનારી હું પરવશતા ને કારણે પરમ કૃપણતા પામેલી છું.મને ઉદર (પેટ) નહિ હોવાથી,
મારાથી સ્વાદ કે કોળિયો લઇ શકાતો નથી.હું હીન-ભાગ્ય-વાળી છું.
જેમ ભૂતની શાંતિ કરતાં તે શાંતિથી-વાળી પછી ભૂતની જ ઉત્પત્તિ થાય છે,તેમ તપ કરવાથી મારા જ
નાશ નો ઉદય થયો છે.હાય,મેં મંદ-બુદ્ધિથી,મારા પ્રથમના મોટા શરીર નો કેમ ત્યાગ કર્યો?
પણ એ તો જયારે નાશ થવાનો હોય ત્યારે જ અવળું મતિ સુઝે ને?!!
કીડી કરતાં પણ મારું શરીર સૂક્ષ્મ છે,માટે માર્ગ ના ધૂળના ઢગલામાં હું ડૂબી જઈશ તો મારો ઉદ્ધાર કોણ કરશે?હું અજ્ઞાન-રૂપી સમુદ્રમાં પડી છું,મારો અભ્યુદય થાય જ ક્યાંથી?
મારે ક્યાં સુધી આ ખાડામાં પડી રહેવું પડશે?તે હું જાણતી નથી!! મારો મોટો દેહ ક્યારે થશે?”
(૭૨) કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,સૂચી (સોય) રૂપે થયેલી તે રાક્ષસીએ તે પછી પોતાનો પ્રથમનો દેહ પાછો
મેળવવા “હું ફરી તપ કરું” એવો વિચાર કર્યો.અને વાણીને નિયમમાં રાખીને સ્થિર-પણા થી
તપ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. મનુષ્યો ને મારવાના જે વિચારો તેના મનમાં હતા તે વિચારોનો ત્યાગ
કરી ને તેને તપ કરવા સારું હિમાલય પર્વત તરફ પ્રયાણ કર્યું.