May 3, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-149



તે,બ્રહ્મ નું સ્વરૂપ શુદ્ધ છે,તે નિત્ય અને સ્વયં-પ્રકાશ છે.
ને -તેમાં જે ઉત્પત્તિ-સ્થિતિ અને લય રહેલા છે તે અનામય છે.વળી, તે ઉદય અને અસ્ત થી રહિત છે.

તે બ્રહ્મનું સ્વરૂપ જો જાણ્યું હોય તો તે -સૃષ્ટિ સહિત -છે,તો પણ પરમાર્થ (પરમ અર્થ) થી -તે-
વિષમપણા થી રહિત છે.
અને જો તે બ્રહ્મ ના સ્વરૂપ ને ના જાણ્યું હોય તો તે,સૃષ્ટિ રહિત છે તો પણ સૃષ્ટિ-રૂપ  જ છે
એટલે કે-
જ્ઞાનવાન મનુષ્ય જગતને આકાશ-રૂપ જાણે છે અને અજ્ઞાની જગત (કે જે ખોટું છે) ને સાચું જાણે છે.

બ્રહ્મ એ સર્વ-શક્તિમાન છે,તેથી તે જેવાજેવા આકારની ઈચ્છા કરે છે તેવાતેવા આકાર તે માયાથી ધારણ કરે છે. જે આ જગત જોવામાં આવે છે તે "ચૈતન્ય" (બ્રહ્મ) નો વિલાસ છે.
તે નો નિત્ય અનુભવ થાય છે એટલે તે સત્ય અને બ્રહ્મ-રૂપ છે.અને તે બ્રહ્મ પણ સૃષ્ટિમાં ભિન્નભિન્ન નામપણા ને પામેલ છે,તેથી તે જગત રૂપ છે.કારણકે તે પાંચ જ્ઞાનેન્દ્રિય અને છઠ્ઠા મન-ના "વિષય-રૂપ" છે.

જેવી રીતે વાયુ વિષે સરણ (હલવું કે વહેવું) રહેલું છે-તેવી રીતે પરબ્રહ્મ વિષે સૃષ્ટિ રહેલી છે.
જેવી રીતે પ્રકાશ ને તેજ થી જુદો ગણીએ તો તે અસત્ય છે અને જુદો ના ગણીએ તો સત્ય છે,
તેવી રીતે,જગતને બ્રહ્મ થી જુદું ગણીએ તો અસત્ય છે અને તેમ ના ગણીએ તો સત્ય છે.

જેવી રીતે લાકડામાં કોતર્યા વિનાની પૂતળી રહેલી છે,ને શાહી માં અક્ષરો રહેલા છે-
તેવી રીતે પરબ્રહ્મ વિષે સૃષ્ટિ રહેલી છે.
જેવી રીતે મરુદેશ (રણ) માં ઝાંઝવાનાં જળ સાચાં જણાય છે,
તેવી રીતે આત્માના વિષે આ જગત સત્ય જણાય છે.
જેવી રીતે,ઝાડ એ બીજ થી યુક્ત છે,તેવી રીતે આ જગત પરબ્રહ્મ-રૂપી ચૈતન્ય થી યુક્ત છે.
જેવી રીતે દૂધમાં મધુરતા,મરીમાં તીખાશ,પાણીમાં દ્રવ-પણું,અને પવનમાં સ્પંદ-પણું છે,
તેવી રીતે જગત બ્રહ્મ ના વિષે રહેલું છે -વળી તે (જગત) પરબ્રહ્મ-રૂપ જ છે.

આ જગત-એ- બ્રહ્મ-રૂપી રત્ન નો પ્રકાશ છે,અને તે પ્રકાશ તે બ્રહ્મથી જુદો નથી.વળી તેમ થવાનું કોઈ કારણ
પણ નથી,એટલે કે તે પ્રકાશ ની સત્તા તે (બ્રહ્મ) ની સત્તા થી જુદી નથી.
આ પ્રમાણે જગત તે આત્મા-રૂપ જ છે પણ તે ઉત્પન્ન થયું નથી.પણ તે
વાસના,ચિત્ત અને જીવના "સંવેદનની સ્ફુરણા" થી ઉત્પન્ન થયું હોય તમ લાગે છે.અને તેનો,
જ્ઞાન-યોગ ના દૃઢ અભ્યાસ-રૂપી પુરુષાર્થ થી નાશ થાય છે.

આમ કોઈ દિવસ કોઈનો પણ અસ્ત કે ઉદય નથી,પણ સર્વ શાંત અને અજ અને ચિદ-ઘન-રૂપ જ છે.
જ્યાં સુધી ચિત્ત નો (મનનો) લય થયો નથી,ત્યાં સુધી એક પરમાણુંમાં પણ હજારો જગત જણાય છે.
છતાં ખરું જોતાં તે પરમાણુમાં જગત રહેવું સંભવિત નથી માટે તે જગત મિથ્યા છે.

જેવી રીતે જળમાં જુદાજુદા તરંગ થાય છે તે કોઈ જગ્યાએ ગુપ્ત તથા પ્રગટ પણ છે,
તેવી રીતે,જીવને વિષે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા ગુપ્ત તથા પ્રગટ પણે રહેલી છે.
માટે આ સંસારમાં અનેક પ્રકારનાં સુખ ભોગવવામાં થી જયારે ચિત્ત-વૃત્તિ વિરામ પામે છે -

ત્યારે-પરમ-પદને પમાય છે-એવો શાસ્ત્ર નો નિશ્ચય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE