લીલાદેવીનાં આવાં વચન સાંભળી,પદ્મરાજા સરસ્વતી દેવીના પગમાં પડ્યા અને તેમને પ્રાર્થના કરી કે-
હે,દેવી,હે વરદા,હું તમને દંડવત પ્રણામ કરું છું,મને બુદ્ધિ આપો,દીર્ઘ આયુષ્ય અને ધન આપો.
રાજાનાં આવાં વચન સાંભળીને,સરસ્વતી દેવીએ રાજાના મસ્તક પર હાથ મૂકી ને કહ્યું કે-
"હે,પુત્ર,તું આ લોકમાં સુખ આપનાર દીર્ઘાયુષ્ય થી ઇચ્છિત ધન પામ, તેમ જ બંને લોકમાં સુખ આપનાર,
પરમાર્થ બુદ્ધિ થી તું યુક્ત થા.તારી સર્વ આપત્તિઓ અને પાપ-બુદ્ધિ નો નાશ થાઓ,અને તને અનંત સુખની
પ્રાપ્તિ થાઓ.તારા દેશને વિષે મનુષ્યનો સર્વ સમૂહ નિરંતર આનંદ પામો અને લક્ષ્મી નો વિલાસ પામો.
(૫૯) પદ્મરાજાના પુનર્જીવન થી નગરમાં થયેલો ઉત્સવ અને જીવન-મુક્તિ
વશિષ્ઠ કહે છે કે-આ પ્રમાણે સરસ્વતી વરદાન આપી ને અંતર્ધાન થઇ ગયાં.અને પ્રાતઃકાળ માં કમળપ્રફુલ્લિત થયા,એટલે સર્વ માણસો જાગ્રત થયાં.પદ્મરાજા એ ઘણા આનંદથી લીલાદેવી ને આલિંગન કર્યું.
રાજાને પુનર્જીવિત જોઈને તેમનું મંદિર આનંદથી પરવશ થયેલાં માનવીઓથી શોભવા માંડ્યું.
વાજિંત્રો અને ગાયન ના શબ્દો સંભાળવા લાગ્યા તથા મંગલકારી પુણ્યાહવાચન શબ્દો ગાજી રહ્યા.
રાજાના દર્શન કરવાની ઇચ્છા-વાળા મનુષ્યો થી રાજમહેલ નું આંગણું ઉભરાઈ ગયું.
તે મંદિરમાં હાથીઓ પોતાની સૂંઢ ઉંચી કરીને ઉત્કંઠ અવાજ કરતા હતા,અને આંગણમાં ઉંચા તાલથી
નૃત્ય કરતી સ્ત્રીઓના સમુહો ના શબ્દો શોભતા હતા.
રાજાના કારભારી,યોદ્ધાઓ અને નગરના મુખ્ય માણસોએ ત્યાં પુષ્પ વગેરે પાથર્યા હતા તે જાણે રેશમી ચાદર પાથર્યા હોય તેવા દેખાતા હતા.
રાજમંદિર ની આવી શોભા થઇ રહી હતી, ત્યારે તે સમયે દેશ-દેશાંતર માંથી આવેલા માણસો,
"આ પ્રથમ ની લીલા દેવી એ બીજી લીલાદેવી અને રાજાને પરલોકમાં થી લઈ આવી છે" એવી વાત કરવા
લાગ્યા.વળી, "પોતાનું મૃત્યુ થયું અને પોતે પાછો સજીવન થયો" એ વિષે નો પદ્મરાજાએ સૂક્ષ્મમાં વૃતાંત સાંભળ્યો.પછી તેણે ચારે દિશાના સમુદ્રનું પાણી મંગાવી તે જળથી સ્નાન કર્યું.
કારભારીઓએ અને બ્રાહ્મણોએ તે રાજાનો અભિષેક કર્યો.
રાજા અને બંને લીલાદેવી-હવે જીવનમુક્ત થયા હતાં,અને તેમની બુદ્ધિ ઉદાર થઇ હતી.
આવી રીતે સરસ્વતી ના પ્રસાદ થી તથા પોતાના પુરુષાર્થ થી,તે પદ્મરાજા ત્રણે લોકમાં કલ્યાણ પામ્યા.
સરસ્વતી દેવીના ઉપદેશથી આત્મ-તત્વ ને જાણનાર તે રાજાએ બે લીલાદેવી સાથે એંશી હજાર વર્ષ સુધી
રાજ્ય કરીને અંતે સ્થિર બોધ પામેલું તે યુગલ જીવનમુક્તપણા ને પામી ગયું.
(૬૦) કાળ નું વિષમ-પણું
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે "દ્રશ્ય (જગત) દોષ" ની નિવૃત્તિ માટે મેં તમને -પવિત્ર લીલાદેવીનું
આખ્યાન કહી સંભળાવ્યું.માટે તમે "આ જગત સત્ય છે" તેવી "બુદ્ધિ" નો ત્યાગ કરો.
આ જગતની "દૃશ્ય-સત્તા" શાંત છે માટે તેનું શમન ઘટતું નથી,કારણકે-
સાચી વસ્તુ ને સ્વચ્છ કરવામાં કલેશ નથી અને ખોટી વસ્તુને નિવૃત્ત કરવામાં કલેશ ઓછો નથી !!!
માટે "દૃશ્ય-પદાર્થ અખંડ-એક-રસ-પણા ને પ્રાપ્ત થયેલ છે" એમ "આકાશ-રૂપી જ્ઞાન" વડે જાણીને,
"તત્વ ને જાણનાર પુરુષ" એ "આકાશ" ની પેઠે જ નિર્લેપ રહે છે.