Apr 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-140



રામ પૂછે છે કે-તે દેશમાં તે પ્રથમ ની લીલા (હાલની સરસ્વતી સાથે ની લીલાદેવી) પોતાનો દેહ ત્યાં રાખીને
ધ્યાન (નિર્વિકલ્પ સમાધિ) વડે સરસ્વતી ની સાથે ગઈ હતી,એમ પ્રથમ વર્ણન કરેલું છે,પણ પછી
તે લીલાના દેહનું શું થયું ?તેના વિષે  કંઈ કહ્યું નથી,તો તેના દેહ નું શું થયું?

વશિષ્ઠ કહે છે કે-તે લીલાનું શરીર છે જ ક્યાં?તેની સત્યતા જ ક્યાં છે? રણ પ્રદેશમાં જેમ જળની ભ્રાંતિ થાય છે,
તેમ તે શરીર પણ માત્ર ભ્રાંતિ જ હતી.આ આખું જગત આત્મા-રૂપ જ છે,માટે દેહાદિ ની કલ્પના કેમ ઘટે?
જે આ જોવામાં આવે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ સ્વરૂપ છે.
સૂર્ય ના તાપ થી જેમ હિમ ગળી જાય છે તેમ,લીલાનું તે શરીર પરમાત્માના બોધથી ક્રમે કરીને પરબ્રહ્મ માં
પરિણામ પામી ગયું.

આતિવાહિક દેહ વડે ભૂમિ પર જે જે દૃશ્ય પદાર્થ જોવામાં આવે છે,તેનું આધિભૌતિક "નામ" પડેલું છે.
પરંતુ ખરી રીતે જોતાં,પૃથ્વી વગેરે આધિભૌતિક પદાર્થ છે જ નહિ.માત્ર આત્મા એ જ સત્ય છે.

જેમ,કોઈ મનુષ્યને સ્વપ્નમાં પોતે હરણ છે એવી ભ્રાંતિ થઇ,પણ તે જાગે-ત્યારે તેનું હરણ-પણું મટી જાય છે,
અને ત્યારે તે -એ-હરણ ને શોધતો નથી.
તેમ,અસત્ય વસ્તુ ભ્રાંતિથી સત્ય લાગે,પણ ભ્રાંતિ મટ્યા પછી તેમ થવા સંભવ નથી.
સત્ય જ્ઞાનનો ઉદય થયાથી અસત્ય જ્ઞાન મટી જાય છે.
આ બ્રહ્માંડમાં રહેલી સ્થૂળ ભ્રાંતિ -અજ્ઞાની મનુષ્યોના સમુહમાં કારણ વગર (મિથ્યા) પ્રસિદ્ધિ પામી છે.
જેમ,બાળક ફૂદડી ફરે છે ત્યારે તેને આખી પૃથ્વી ફરતી હોય તેમ લાગે છે,તેમ,સ્વપ્ન ની પેઠે સૃષ્ટિ નો
અનુભવ કરતો દેહાત્મા ઘણીવાર જન્મ-મરણ પામે છે.

રામ કહે છે કે-જો યોગીને આધિભૌતિક દેહ-પણું ન હોય તો જીવિત અવસ્થામાં તથા મરણ પછી,
તેનો આતિવાહિક-પણા ને પામેલ દેહ કેવો દેખાય છે તે કહો.

વશિષ્ઠ કહે છે કે-સ્વપ્નમાં જે પ્રમાણે પૂર્વ નો દેહ શેષ રહ્યા વિના જ એ દેહનો ત્યાગ કરીને બીજા દેહની
પ્રાપ્તિ થાય છે-તે પ્રમાણે આતિવાહિક દેહમાં પણ એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થાય છે.તે અનિત્ય છે.
તડકામાં રહેલા હિમ ના કણો અને શરદઋતુ ના આકાશમાં રહેલો મેઘ-જેમ દૃશ્ય છતાં અદૃશ્ય છે,
તેમ,યોગી નો દેહ દૃશ્ય છતાં અદ્રશ્ય છે.

પોતાની વાસનાના ભ્રમથી જ કોઈ મનુષ્ય કોઈ સમયે યોગીના દેહને મરી ગયેલો દેખે છે,
પણ ભ્રાંતિનો નાશ થયા પછી,જેવી રીતે દોરીમાંથી સર્પ-બુદ્ધિ મટી જાય છે,
તેવી રીતે જ્ઞાનનો ઉદય થવાથી જીવિત દશામાં પણ તે-દેહાદિ ભ્રાંતિ-માત્ર છે તેમ તે જાણે છે.
ખરું જોતાં તો દેહ કોણ છે?કોની સત્તા છે?અને કોનો કેમ નાશ થાય છે?
પરમાર્થ-રૂપે (પરમ-અર્થ-રૂપે) જે છે-તે જ જ્ઞાન થયા પછી બાકી રહે છે.માત્ર અજ્ઞાન નો નાશ થાય છે.

રામ કહે છે કે-હે,પ્રભુ,યોગીનો આધિભૌતિક દેહ જ આતિવાહિક-પણા ને પામે છે કે-શું આ આતિવાહિક દેહ
નવો જ ઉત્પન્ન  થાય છે?મનમાં આવા પ્રશ્નો થી -આવા સંશય થી જાણે-હું નદીના પ્રવાહમાં તણાઈ જતો હોઉં તેમ લાગે છે અને  મારા મનને સ્થિરતા રહેતી નથી.

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,ઉત્તમ યોગીને આધિભૌતિક દેહ છે જ નહિ,માત્ર આતિવાહિક દેહ જ છે.
એ મેં તમને ઘણી વખત કહેલું છે-તો પણ તે તમે સ્મરણ માં કેમ રાખતા નથી? !!!!


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE