સરસ્વતી કહે છે કે-મૃત્યુ ના સમયે તેવા મૂર્ખ મનુષ્ય ને -
કોઈ સમયે વંટોળિયામાં પરોવાઈને જાણે આકાશમાં ઊંચકાઈ ને નીચે પટકાતો હોય તેમ તેને જણાય છે.
કોઈ સમયે હિમમાં પોતે પીગળી જતો હોય તેમ તેંને લાગે છે.
કોઈ સમયે પોતાના બંધુઓ પાસે સંસારના દુઃખ નું વર્ણન કરે છે.
શ્વાસોશ્વાસ ના ધ્વનિથી તેની સર્વ ઇન્દ્રિયો ના છિદ્ર પુરાઈ જાય છે.સૂર્યાસ્તના સમયે-જેમ સર્વ દિશાઓમાં
પ્રકાશ ઝાંખો પડી જાય છે,તેમ,મરણ સમયે તેની સર્વ ઇન્દ્રિયો મલિન થઇ જાય છે.(ઇન્દ્રિયો તેમના વિષયો
ગ્રહણ કરી શકતી નથી) અને સ્મૃતિઓ (યાદદાસ્ત) પર પણ અંધકાર છવાઈ છે.
મોહ થવાથી,તેનું મન "કલ્પના-શક્તિ" થી રહિત થઇ જાય છે,અને પછી તે "મહા-મોહ" માં ડૂબી જાય છે.
આમ,મહામોહ થાય છે,એટલે પ્રાણવાયુ ચાલવાને સમર્થ રહેતો નથી,અને તેને ગાઢ મૂર્છા આવે છે.
આ રીતે,મોહ,વેદના તથા ભ્રમ-એ ત્રણને એક બીજા થી પોષણ થવાથી તે પથ્થરની જેમ જડ થઇ જાય છે.
હે,લીલા,આ પ્રમાણે સૃષ્ટિમાં આરંભથી જ જન્મ-મરણ નો ક્રમ ચાલ્યો આવે છે.
જ્ઞાની લીલા પૂછે છે કે-હે,દેવી,દેહધારી મનુષ્ય ને મસ્તક,હાથ,પગ-વગેરે અંગો છે,છતાં તેને
વ્યથા,મોહ,મૂર્છા,ભ્રમ,વ્યાધિ અને અચેતના -થવાનું કારણ શું છે?
દેવી કહે છે કે-સૃષ્ટિ ઉત્પન્ન થઇ ત્યારથી જ "ક્રિયા-શક્તિ" જેમાં "પ્રધાન" છે,એવા "ઈશ્વરે" સંકલ્પ-વાળા
કર્મથી,એવું નિર્માણ કર્યું છે કે-અમુક અમુક જીવ ને બાળક,યુવાન કે વૃદ્ધાવસ્થા માં અમુક કાળ સુધી,
અમુક પ્રકારનું દુઃખ થશે.
આવું નિર્માણ કરવાના તેના "સંકલ્પ" ના સ્વભાવ ને લીધે,ચિત્તમાં (સંકલ્પ થી) ઉત્પન્ન થયેલા
દુઃખને તે (ઈશ્વર) પોતે,"જીવ-ભાવ થી" ઉપાધિ (માયા) માં પ્રવેશ કરીને-તે દુઃખ (જીવ પાસે)ભોગવાવે છે.
આ સિવાય જીવને દુઃખી થવાનું બીજું કોઈ કારણ નથી.
વ્યથા (દુઃખ) ને લીધે-શરીરની નાડીઓ સંકોચ પામે છે,અને
તેથી ખાધેલા અન્નના રસને તે વિષમ-પણાથી ગ્રહણ કરે છે.અને તે વખતે
શરીરમાં રહેલ "સમાન-વાયુ" તેની પોતાની "રસને સમાન કરવાની પોતાની સ્થિતિ"નો ત્યાગ કરે છે.
પછી નાડી દ્વારા શરીરમાં પ્રવેશ થયેલો વાયુ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી,અને બહાર નીકળેલો
વાયુ શરીરમાં પ્રવેશ કરી શકતો નથી.
અને આ પ્રમાણે નાડીનો વ્યાપાર વિરામ પામે છે.એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થિર થઇ જાય છે,
ને અંતઃકરણમાં "સ્મૃતિ-માત્ર" રહે છે.તથા "ઇન્દ્રિય-જ્ઞાન" નો નાશ થાય છે.
આમ જયારે બહારનો પવન (વાયુ) શરીરમાં આવતો નથી અને અંદરનો વાયુ બહાર નીકળતો નથી,
ત્યારે શરીરની નાડીઓ સ્થંભી (કામ કરતી બંધ થઇ) જાય છે,અને
મનુષ્ય-"મરી ગયો છે" (મૃત્યુ પામ્યો છે) એમ કહેવાય છે.
"અમુક કાળમાં (સમયમાં) મારું મરણ થવાનું છે" એવી પૂર્વ-કાળમાં સંકલ્પિત કરેલી "નિયતિ" મરણને
"પ્રેરણા" કરે છે.અને "મારે અમુક સ્થળે ઉત્પન્ન થવું છે" એવી સંવિત (ચૈતન્ય જ્ઞાન) ની બીજ-કળા નો
કોઈ દિવસ નાશ થતો નથી,તેથી જગતની વ્યવસ્થા નો ભંગ થતો નથી.
જેવી રીતે નદીનું જળ સામાન્ય રીતે નિર્મળ હોય છે પણ કોઈક જગ્યાએ ડહોળું પણ હોય છે,
તેમ,ચૈતન્ય નિર્મળ હોય છે,અને જીવના ધર્મથી રાગ-દ્વેષ ના લીધે,ડહોળું દેખાય છે.
જેવી રીતે મોટી, લતામાં (વેલમાં) વચ્ચે વચ્ચે ગાંઠ હોય છે,તેમ તે ચૈતન્ય-પુરુષ નો જન્મ થતો નથી કે-
મરણ થતું નથી.એ તો સ્વપ્ન માં ભ્રમથી જેમ શાંતિ થાય છે,તેમ,માત્ર જોવામાં આવે છે.
પણ,ચૈતન્ય પુરુષનો કોઈ દિવસ ક્યાંય નાશ નથી.