તેનો પુત્ર "બૃહદ્રથ",તેનો "સિંધુરથ",તેનો શૈલરથ",તેનો "કામરથ",તેનો "મહારથ" તેનો "વિષ્ણુરથ"
અંતે તેના પુત્ર "નભોરથ" ને ઘેર અમારા આ રાજા વિદુરથ નો જન્મ થયો છે.
સુમિત્રા નામના માતાજી ના ઉદરથી બીજા કાર્તિકેય સમાન અમારા આ રાજા નો જન્મ થયો છે.
વિદુરથ રાજા જયારે દશ વર્ષના થયા ત્યારે,એમને રાજ્ય આપીને રાજા વનમાં ગયા,ત્યારથી
વિદુરથ રાજા ધર્મની નીતિ પ્રમાણે ભૂમંડળ નું પાલન કરે છે.
હે,દેવી,લાંબા કાળ ના તપો અને સેંકડો દુઃખો વેઠવા છતાં પણ આપનાં દર્શન દુર્લભ હોય છે,
પણ આજે અમારું પુણ્ય-રૂપી વૃક્ષ સફળ થયું છે,અને આપના દર્શનથી અમે પરમ પવિત્ર થયા છીએ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે બોલીને મંત્રી ચૂપ થયો, ત્યારે પૃથ્વી પર બેઠેલા વિદુરથ ને
દેવી સરસ્વતીએ કહ્યું કે-હે,રાજા,તું વિવેકથી,પોતાની મેળે જ તારા પૂર્વ-જન્મ નું સ્મરણ કર.
આમ કહીને દેવીએ તે રાજાના માથા પર હાથ ફેરવ્યો કે તરત જ રાજાના જીવને આવરણ કરનાર
માયા-રૂપી અંધકાર દૂર થઇ ગયો અને પોતાના પૂર્વ-જન્મો નું સઘળું વૃતાંત જાણવામાં આવતાં,
તે વિદુરથ જાણે પોતે સમુદ્રમાં ગળકાં ખાતો હોય તેવો થઇ ગયો,અને કહેવા લાગ્યો કે-
"અહો,આ સંસારમાં મારા મનની અંદર માયા નો જે વિસ્તાર થયેલો છે,તે અહીં તમારી કૃપાથી મારા
જાણવામાં આવ્યો,હે,દેવી,આ તે શું? મારા મરણ થયાને હજુ એક જ દિવસ થયો છે ને અહીં તો મારી
અવસ્થા સિત્તેર વર્ષની થઇ છે,મને પૂર્વજન્મ અને સઘળા નું સ્મરણ થયું છે"
સરસ્વતી કહે છે કે-હે,રાજા ,તને પૂર્વ-જન્મમાં "મરણ" નામની મહામોહરૂપી મૂર્છા પ્રાપ્ત થઇ,એટલે તને
તે સર્ગ નું ભાન ટળી ગયું,પછી તે જ ઘડીએ ,તે જ ઘરમાં અને તે જ આકાશમાં -તને આ સર્ગની પ્રતીતિ
થઇ છે,ચિદાકાશ માં જે પહાડી ગામ છે તે ગામની અંદરના બ્રાહ્મણ ના ઘરની અંદર ના "મંડપ" માં જ
તારો પૂર્વ સર્ગ થયો હતો,અને તે પૂર્વસર્ગના ઘરના મંડપની અંદરના આકાશમાં જ તને આ સર્ગનો પ્રકાશ
પ્રાપ્ત થયો છે,એ પ્રત્યેક્ સર્ગમાં "જગત" ભિન્ન ભિન્ન થયા છે.
બ્રાહ્મણના ઘરની અંદર મારું ભજન કરનારો તારો જીવ રહ્યો છે.ત્યાં જ તારા જન્મ નું ભૂમંડળ છે. અને
તે ભૂમંડળ ની અંદર જ તારું આ સંસારનું મંડળ પણ છે.
એટલા માટે,પદ્મરાજા ના સર્ગ ના મંડપની અંદર જ તારું આ ઘણી સમૃદ્ધિઓ થી ભરપૂર ઘર છે.
આકાશની પેઠે નિર્મળતા વાળા તારા "એના એ" ચિત્તમાં આ વર્તમાન કાળના (વિદુરથ ના) વ્યવહાર-રૂપી
"વિસ્તીર્ણ ભ્રમ" થયો છે.અને "હું ઇક્ષ્વાકુ કુળમાં જન્મ્યો,સિત્તેર નો થયો,યુદ્ધ કરીને આવી સૂતો છું અને
બે દેવીઓ મારા ઘરમાં આવી છે,તેનું હું પૂજન કરું છું,હું કૃતાર્થ થયો છું,મને સુખ પ્રાપ્ત થયું છે"
એવા એવા પ્રકારની તને ભારે સંભ્રમ ભરેલી મોટી ભ્રાન્તિઓ પ્રાપ્ત થઇ છે.
અનેક આચારો,અનેક વિચારો અને અમારા જેવા દેવી-દેવતાઓનું દર્શન -એ સઘળું ભ્રાંતિથી પ્રતીત થયું છે.
પૂર્વ-જન્મ માં જે ક્ષણે તું મૃત્યુ પામ્યો,તે જ ક્ષણમાં તને,પોતાની મેળે જ,હૃદયમાં આ પ્રતીતિ ઉદય પામી છે.
જેમ, નદી નો પ્રવાહ એક ચકરી-રૂપ આકારને મૂકી ને તુરત જ બીજી ચકરી-રૂપ આકાર ગ્રહણ કરે છે,
તેમ, ચિત્ત નો પ્રવાહ પણ એક વલણ ને મુકીને તુરત જ બીજા પ્રકારનું વલણ ગ્રહણ કરે છે.
જેમ,કોઈ સમયે નદીના પ્રવાહની એક ચકરી એ બીજી ચકરી સાથે ભળીને પણ ચાલે છે,
તેમ જાગ્રત-અવસ્થામાં- એક ચકરી (જીવ) બીજી ચકરી-રૂપ બીજા જીવોથી "મિશ્રિત" થઇ ચાલે છે.
કોઈ સમયે સ્વપ્ન અવસ્થામાં -તે એકલી પણ પ્રવર્તે છે.