તે "પ્રધાન" કહેવાય છે,અને તેનાં "પ્રકૃતિ-અવ્યક્ત-વ્યોમ-જડાજડ" એ નામો પણ કહેવાય છે.
આ "પ્રધાન" (પ્રકૃતિ) જ સૃષ્ટિ ના આદિ-રૂપ છે અને પ્રલય ના અંત-રૂપ છે.
આ "પ્રધાન" (પ્રકૃતિ) જયારે "સ્પષ્ટ થવાને તત્પર" થાય છે,ત્યારે તે "મહત્-તત્વ" કહેવાય છે,
અને જયારે તે "સ્પષ્ટ" (હું-અહમ) થાય છે ત્યારે તે (સ્થૂળ) "અહંકાર" કહેવાય છે.
એ અહંકારમાંથી તન્માત્રાઓ,દિશાઓ,કાળ,ક્રિયાઓ અને પંચમહાભૂત ઉદય પામે છે.
"સ્પષ્ટ" થયેલા "અહંકાર" ની જે "સૂક્ષ્મ" અવસ્થા છે તે પાંચ-ઇન્દ્રિયો કહેવાય છે.
અને તે જ લિંગ (આતિવાહિક) દેહ કહેવાય છે. (લિંગ-દેહ માં પંચમહાભૂતો હોતાં નથી)
તે લિંગ-દેહ સ્વપ્નમાં અને જાગ્રતમાં સ્પષ્ટ જણાય છે.
તે લિંગ-દેહ લાંબા કાળ (સમય) ની પ્રતીતિ ને લીધે-"કલ્પના-વડે" બાળક ની પેઠે પુષ્ટ થાય છે-અને-
"સ્થૂળ-દેહ-પણા"ની પ્રતીતિ આપે છે.
તે તે દેશના અને તે તે કાળના -જે પદાર્થો -વિશેષ કરીને સ્થૂળ-દેહ પર આધાર રાખે છે-
તેઓ સ્થૂળ-દેહ ની રીતે જ પ્રતીત થાય છે.
એટલે તે વાસ્તવિક રીતે ઉત્પન્ન થયા નથી પણ વાયુ ના વાવા ની પેઠે ઉદય પામ્યા છે.
આ સંસાર-રૂપી ભ્રમ મિથ્યા વૃદ્ધિ પામ્યો છે,અને
તે સ્વપ્નની સ્ત્રીના સંગ ની પેઠે,અનુભવવામાં આવ્યો,હોવા છતાં પણ મિથ્યા જ છે.
જીવ જ્યાં મરણ પામ્યો હોય, ત્યાં જ,તે તુરત જ જાણે "સ્થૂળ-પણા" થી જ રહેતો હોય,
તેમ આ વિસ્તારવાળા પ્રપંચ ને જુએ છે.
જીવ (આત્મા) ચિદાકાશ-રૂપ છે,પણ નવાં પ્રતીત થયેલાં દેહ-વગેરે ને લીધે તે જન્મેલા જેવો થાય છે.
અને સ્વચ્છ રૂપમાં રહેતો હોવા છતાં પણ,"આ હું છું અને આ જગત છે" એવા ભ્રમ ને અનુભવે છે.
તેને એ "જગત-રૂપી ભ્રમ"માં દેવતાઓથી,નગરોથી,પર્વતોથી,સૂર્યથી,અને તારાઓ વગેરેથી સુંદરતા
દેખાય છે.તો તે પર્વતો ના કેટલાંક કોતરો જરા-મરણ-વ્યાધિઓ થી ભરેલાં પણ દુઃખથી જુએ છે.
છતાં તે ઇષ્ટ પદાર્થો મેળવવામાં અને અનિષ્ટ પદાર્થો નું નિવારણ કરવાના આગ્રહ થી ઉદ્યોગ કર્યા કરે છે.
પર્વતો,સમુદ્રો,નદીઓ,દીવડો,રાત્રીઓ,કલ્પો,ક્ષણો,અને ક્ષયો-પણ એ "જગત-રૂપી-ભ્રમ"માં જ રહ્યા છે.
"હું અમુક પિતાથી જન્મ્યો છું" એવો નિશ્ચય પણ ભ્રમ જ છે.અને તેમાંથી જ "આ મારી મા છે,આ મારું ધન છે"
વગેરે વાસનાઓ ઉદય પામે છે."મેં આ પુણ્ય કર્યું કે આ પાપ કર્યું" એવી કલ્પના પણ એ ભ્રમમાં જ છે.
"હું પ્રથમ બાળક હતો અને હમણાં જ યુવાન થયો છું"એવી રીતે એ ભ્રમ હૃદયમાં સ્ફૂરે છે.
અને જયારે આ જીવ મરણ પામે છે ત્યારે ક્ષણ-માત્રમાં જ એ તેના મને બનાવેલા સઘળા બ્રહ્માંડને જુએ છે.
અને આ રીતે "પ્રાણી-દીઠ ઉદય પામેલા બ્રહ્માંડો" માં જુદા જુદા "લોકો" (જેમ કે પૃથ્વી-લોક) અને તેમના
દેવતાઓ (બ્રહ્મા-વિષ્ણુ-વગેરે) પણ પેદા થઈને નષ્ટ પામી ગયેલા છે.
બ્રહ્માના સ્વરૂપમાં દેખાઈ અને દેખાઈને નષ્ટ થતા આવા તો કરોડો "દેખાવો" (દ્રશ્યો) વીતી ગયા છે,
ભવિષ્યમાં વીતશે અને હાલમાં વીતી રહ્યા છે.કે જેની ગણત્રી કરવાને કોઈ સમર્થ નથી.