કારણકે તેમની સત્તા અધિષ્ઠાન (પરમાત્મા) ની સત્તા થી જુદી નથી.
"ચિત્તાકાશ,ચિદાકાશ અને આકાશ" એ ત્રણે એક-રૂપ જ છે,
કેમ કે અધિષ્ઠાન વગર તેમનું અસ્તિત્વ સંભવતું જ નથી.
એ ચિત્ત-રૂપી શરીર વાસનાઓને અનુસરીને -જ્યાં જવા ની કે જે આકારે થવાની ઈચ્છા કરે છે,
ત્યાં તે જઈ શકે છે અને તેવા આકારે પણ થઇ શકે છે.
એ ચિત્ત ત્રસરેણુ ની અંદર રહી શકે છે અને આકાશના ગર્ભમાં વસી શકે છે.એ ચિત્ત જ આકાશ-રૂપ થાય છે.
અને પોતાનામાં પોતાનાથી અભિન્ન એવાં કરોડો બ્રહ્માંડોને ધારણ કરે છે.
ને બ્રહ્માંડ-રૂપ થઇ ને પૂર્વ-કર્મ ને અનુસરતી પ્રવૃત્તિઓ પણ કરે છે,
જેમ,ઝાંઝવાંનું જળ મિથ્યા હોવા છતાં પણ ચિત્ત થી ઉદય પામે છે,એવો ચિત્ત થી મિથ્યા-ભ્રમ ઉદય થાય છે,
અને આ પ્રમાણે - આ સઘળું મિથ્યા બ્રહ્માંડ પણ ચિત્ત થી ઉદય પામ્યું છે.
શ્રીરામ પૂછે છે કે-ચિત્ત જ જગત-રૂપ છે કે નથી? જો ચિત્ત જગત રૂપ હોય તો -
અને પ્રત્યેક પ્રાણીઓનાં ચિત્ત ભિન્નભિન્ન હોય -તો જગત પણ ભિન્નભિન્ન હોવાં જોઈએ.
વળી જો ચિત્ત -જગત થી ભિન્ન હોય તો ચિત્ત નો નાશ થયા પછી પણ જગત રહેવું જોઈએ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રત્યેક પ્રાણી નું ચિત્ત -એ જગતને ઉત્પન્ન કરવાની શક્તિ-વાળું છે,અને,
જેટલાં ચિત્તો છે-તેટલી જ "જગત-રૂપી ભ્રાંતિઓ" છે.
જગતના અનંત સમૂહો-કોઈને નિમેષમાત્રમાં ઉદય અને અસ્ત પામે છે-તો-
કોઈને એક એક કલ્પે -ઉદય કે અસ્ત પામે છે. હે,રામ,એ વિષે હું ક્રમ કહું છું તે તમે સાંભળો.
મરણ-રૂપ,મૂર્છા પ્રત્યેક પ્રાણીના અનુભવમાં આવે છે.તેને તમે પ્રત્યેક મહા-પ્રલય-રૂપ રાત્રિ સમજો.
અને એ મહા-પ્રલય-રૂપ રાત્રિ પૂરી થયા પછી,સર્વ પ્રાણીઓ જુદીજુદી સૃષ્ટિઓ પેદા કરે છે.
અને તેઓ "સંભ્રમ થી પ્રતીત થતા પર્વત ના નૃત્ય ની પેઠે" સ્વાભાવિક રીતે જ
પોતાની ત્રણ મિથ્યા અવસ્થાઓને દેખે છે.
જેમ,પરમાત્મા ના "સમષ્ટિ-મન-રૂપ-હિરણ્યગર્ભ" એ મહાપ્રલય-રૂપ રાત્રિના અંતમાં આ જગતને સર્જે છે,
તેમ,પ્રત્યેક પ્રાણી પણ પોતાના મરણના અંતમાં જુદાજુદા જગતને સર્જે છે.
શ્રીરામ કહે છે કે-જેમ મરણ પામ્યા પછી પ્રાણીઓએ કરેલો સર્ગ પૂર્વ-જન્મ ની વાસનાથી થતો માનવામાં
આવે છે,તેમ હિરણ્યગર્ભે કરેલો -લાંબા કાળા સુધીરહેનારો સર્ગ પણ પૂર્વ-જન્મ ની વાસના થી થતો
માનવો જોઈએ,અને જો તેમ હોય તો,હિરણ્ય-ગર્ભ સત્ય-સંકલ્પ હોવાને લીધે,તેની પૂર્વ-વાસના પણ,
સત્ય હોય અને તેણે કરેલા પ્રપંચ ને સાચો માનવો જોઈએ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ, મહા-પ્રલય માં બ્રહ્મા,વિષ્ણુ અને શિવ -આદિ સર્વ વિદેહ-મુક્તપણું પામે છે.
એટલે તમારી આ કલ્પના-મુજબ બ્રહ્મા-વગેરે ને પૂર્વજન્મ ની વાસના રહેવાનો સંભવ જ ક્યાં છે?
આપણે "વ્યષ્ટિ-જીવો" છીએ અને જો આપણે પણ જ્ઞાન થવાથી મુક્તિ પામીએ છીએ તો -
પૂર્વ-કલ્પ-ના બ્રહ્મા-વગેરે તો વિદેહ-મુક્ત થયા વિના કેમ જ રહે?
પૂર્વ કલ્પ-માં જે બીજા જીવો હતા,તેમણે મોક્ષ નહિ મળવાથી,તેમની મિથ્યા વાસના
આ સર્ગોમાં "કારણ-રૂપ" થાય છે.
જેમ,હિરણ્યગર્ભ ની સૃષ્ટિ,"પ્રધાન" માંથી "મહત્-તત્વ" અને "મહત્-તત્વ" માંથી અહંકાર -વગેરે
ક્રમે ઉત્પન્ન થાય છે-તેમ,જીવો ની પ્રત્યેક સૃષ્ટિ પણ તે જ અનુક્રમે થાય છે.