(લીલાનો પતિ કે જે પદ્મરાજા હતો તેનો બીજો જન્મ હતો) તે પોતાના મનમાં કોઈ ખેદ પામ્યો હોય તેવો
જણાતો હતો,તેણે,પોતાના મંત્રીઓ સાથે બીજા દિવસની સવારના કૃત્ય નો વિચાર કરી લીધો,અને પછી,
તે પોતાના શયન-ગૃહમાં જઈ ને સૂતો.
ત્યારે લીલા અને સરસ્વતી -એ બંને સ્ત્રીઓએ-આકાશને છોડી દીધું અને
જેમ,વાયુ ની રેખાઓ કમળની અંદર પેસી જાય,તેમ,તેઓ સૂક્ષ્મ-છિદ્રોમાંથી વિદુરથ રાજાના ઘરમાં પેસી.
શ્રીરામ પૂછે છે કે-હે,પ્રભુ,એમના ચાર હાથ નું સ્થૂળ શરીર -તાંતણા જેવા ઝીણા છિદ્રમાંથી કેવી રીતે જઈ શક્યું?
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જેને-"હું આધિભૌતિક દેહ છું" એવી ભ્રાંતિ હોય તે ઝીણાં છિદ્રમાંથી જઈ શકે નહિ.
વળી,"મને કોઈએ રોકી રાખ્યો છે,અને હું અહીં સમાઈ શકું તેમ નથી"
એવી રીતનો લાંબા કાળનો અનુભવ કરતો આવ્યો હોય તે પણ -છિદ્રોમાંથી નહિ જઈ શકાય-એમ વિચારે છે.
પણ,જે "હું સ્થૂળ દેહ-રૂપ નથી અને તેથી સર્વ સ્થળમાં જઈ શકું છું" એવો જેણે લાંબા કાળથી અનુભવ
કર્યો હોય,તે "ચૈતન્ય" ની શક્તિ વાળો હોય છે,અને તે ગમે તેમાંથી પસાર થઈને જઈ શકે તેમ હોય છે.
અધિષ્ઠાન ચૈતન્ય ની "શક્તિ",પ્રથમ થી જેવી રીતે પ્રવર્તી હોય,તેવી ને તેવી જ રહે છે છે,
જેમકે,ચૈતન્ય ની જળ-રૂપ થયેલી શક્તિ ઉંચી આવતી નથી,તેમ અગ્નિ-રૂપ થયેલી શક્તિ નીચે જતી નથી.
જેમ,છાયામાં બેઠેલા ને ગરમી ઓ અનુભવ થતો નથી,
તેમ,"સંકલ્પમય" (શરીરવાળા) થયેલા ને -સ્થૂળ-દેહ સંબંધી જે "અટકાયત-વગેરે" ના જેવો અનુભવ થતો નથી.અધિષ્ઠાન ચૈતન્ય નો જે આકાર વિવર્ત થયો હોય છે તે આકારને જ ચિત્ત અનુસર્યા કરે છે અને
અધિષ્ઠાન ચૈતન્ય પણ તે જ આકારે રહે છે.
પણ જો,એ આકારમાં ફેરફાર કરીને બીજો આકાર આપવો હોય તો,યોગના ને જ્ઞાનના અભ્યાસ-આદિ નો
મોટો પ્રયત્ન કરવાની જરૂર પડે છે.
જેમ કે રજ્જુ નો સર્પના આકાર થયેલો વિવર્ત -એ બળાત્કારથી રજ્જુ ના તત્વ નો નિર્ણય કરવામાં આવે
ત્યારે જ બદલાય છે.અને નિર્ણય કરવામાં ના આવે તો તે જેવો ને તેવો (સર્પ જેવો) જ રહે છે.
જેમ ચિત્ત (મન) એ અધિષ્ઠાન ના વિવર્ત ને અનુસરે છે,તેમ "ક્રિયાઓ" ચિત્તને (મનને) અનુસરે છે.
એ વાત બાળકો પણ સમજી શકે તેવી છે અને આ વાતનો કોને અનુભવ થયો નથી.?
સ્વપ્ન નો અથવા સંકલ્પ નો જે પુરુષ -આકારવાળા જેવો દેખાય છે (વાસ્તવમાં તે નિરાકાર છે)
તે,પુરુષને શી રીતે રોકી શકાય? અને તેને કોનાથી રોકી શકાય?
વાસ્તવિક રીતે સર્વ સ્થળોમાં સર્વનાં શરીરો ચિત્ત-માત્ર જ છે,પણ કોઈ મનુષ્ય ને આ પ્રકારનું જ્ઞાન થાય
તો જ,તે અનુભવમાં આવી શકે છે.
સૃષ્ટિ ના આરંભ માં "અવિદ્યા" (અજ્ઞાન) થી ઉત્પન્ન થયેલા ચિત્તનો (મનનો) સ્વભાવ જ એવો છે કે-
જે રીતે અસ્ત કે ઉદય પામવા ધારે છે તે તે રૂપે થઇ શકે છે.અને પાછળથી લાંબા કાળનો (સમયનો)
"અનુભવ" કે પરિચય થતાં-તે (મન) એક પ્રકારના દૃઢ અધ્યાસને પકડી બેસે છે.