વશિષ્ઠ કહે છે કે-તે પહાડી ગામમાં બંને દેવીઓ એ (લીલા અને સરસ્વતીએ) વિચરણ કર્યું.
અને એટલા કાળ ના અભ્યાસ રહેવાને લીધે લીલા નો દેહ શુદ્ધ જ્ઞાનમય થઇ ગયો હતો.અને તેને લીધે,
તે ગામમાં તેને ત્રણે-કાળ નું નિર્મળ સ્મરણ થયું. અને સ્મરણ પ્રાપ્ત થવાથી,એને, પ્રયત્ન વિના જ,
પૂર્વના જન્મ-મરણ વગેરે સંસારની સર્વ ગતિઓનું ભાન થયું.
લીલા.સરસ્વતી ને કહે છે કે-હે,દેવી તમારી કૃપાથી,આ દેશનું દર્શન થતા,મને પૂર્વ-જન્મ ની સઘળી ક્રિયાઓનું સંપૂર્ણ સ્મરણ થયું છે.પૂર્વ જન્મ માં અહીં હું બ્રાહ્મણી (અરુંધતી) હતી.
આમ કહીને તે લીલા -પોતાના પૂર્વજન્મો ના સંસ્મરણો સરસ્વતી ને કહી સંભળાવે છે.અને
વિસ્મય પામીને જુદાજુદા સ્થળો અને માણસો વગેરે ને બતાવી તેમને વિષે વર્ણન કરવા લાગી.
ત્યાર પછી તે બંને દેવીઓએ ફરીથી આકાશમાં ગમન કર્યું અને આકાશમાં ઘણે ઘણે દૂર નીકળી ગઈ.
બહુ દૂર જઈને લીલા જયારે પોતાના "અપરિચ્છીન્ન સ્વ-રૂપ" ને કંઈક ભૂલી ગઈ,અને તે
પાછુ વાળીને જુએ છે તો-તેને સૂર્ય-ચંદ્ર-તારાઓ વગેરે કશું જોવામાં આવ્યું નહિ,પણ માત્ર અંધારું જોયું.
ત્યારે લીલા,સરસ્વતી ને પૂછે છે કે-આ સૂર્ય વગેરે નું તેજ ક્યાં ગયું?આ અંધારું ક્યાંથી આવી ગયું?
દેવી કહે છે કે-હે,પુત્રી,તું આ આકાશના દૂરદૂર ના પ્રદેશમાં આવી છે,એટલે અહીં સૂર્ય -વગેરેના તેજ
દેખાય જ નહિ.જેમ બહુ ઊંડી અંધારી ખાડમાં રહેલું પતંગિયું (અતિ નાની વસ્તુ) જોવામાં આવી શકે નહિ,
તેમ,નીચે રહેલો તે સૂર્ય આપણા જોવામાં આવતો નથી.
લીલા કહે છે કે-અહોહો,આપણે દુરથી યે દૂર એવા પ્રદેશમાં આવ્યાં છીએ,એટલે નીચે રહેલો તે સૂર્ય,
પરમાણુ(અતિ નાની વસ્તુ) ની પેઠે દેખાતો નથી,તો હે,મા,હવે પછી નો મારગ કેવો છે?કેટલો છે?
અને ત્યાં કેવી રીતે પહોંચશે? તે મને કહો.
દેવી કહે છે કે-આ પ્રદેશ પછી આગળ જતાં,બ્રહ્માંડ નું ઉપલું પડ તારા જોવામાં આવશે,કે જે પડની
રજની કણીઓમાંથી સૂર્ય-ચંદ્ર વગેરે ઉત્પન્ન થયા છે.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આવી રીતે પરસ્પર વાતો કરતી તે બે સ્ત્રીઓ બ્રહ્માંડના ઉપલા પડ ને પ્રાપ્ત થઇ.
જેમ,પોલાણમાંથી અનાયાસે નીકળી જવાય છે તેમ,તે બ્રહ્માંડ ના પડમાંથી પણ તે સ્ત્રીઓ અનાયાસે
બહાર નીકળી ગઈ.હવે આવરણ-રહિત વિજ્ઞાનને પામેલી લીલાએ તે પછી,બ્રહ્માંડ ના પારમાં,
અત્યંત પ્રકાશતાં,અને ચારે બાજુ ફરતાં -વ્યાપેલાં,જળ-વગેરે આવરણો પણ દીઠાં.
ત્યાં,બ્રહ્માંડ થી દશ ગણું પાણી,દશગણું અગ્નિ,દશગણું વાયુનું અને દશગણું-આકાશ નું આવરણ -
તે લીલાએ જોયું.ને એ આકાશ પછી તો "શુદ્ધ ચિદાકાશ" જ હતું,
એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ "ચિદાકાશ" માં આદિ-મધ્ય-અંત ની કલ્પનાઓ -વાંઝણી ના પુત્ર ની પેઠે-
ઉદય પામતી જ નથી.એ ચિદાકાશ-રૂપ-પદ એ કેવળ (એક),વ્યાપક,શાંત,અનાદિ,અને ભ્રમ થી રહિત છે.
હે,રામ,એ નિર્મળ આકાશ એવું અપરિચ્છિન્ન છે કે-
તેમાં જો કદાચ ઉપરથી એક શિલા ગબડાવવામાં આવે-તો તે મોટા વેગ થી કલ્પ સુધી નીચે પડ્યા જ કરે,
અથવા તો જો નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઉંચે ચડ્યા જ કરે તો તેને પામી ના શકે.
વળી,"માપવા"માં "સમર્થ-પણાનું અભિમાન" ધરાવી ને-પવન જો બંને બાજુ સરખા વેગથી ચાલ્યા કરે,
તો પણ તે "ચિદાકાશ" ના છેડાને તે અથવા બીજું કોઈ પણ પામી શકે તેમ નથી.