વશિષ્ઠ કહે છે કે-હે,રામ, આકાશમાંથી ઉતરીને,પૃથ્વી ના પહાડી ગામમાં જતી,એ બે સ્ત્રીઓએ કોઈ એક
ભૂતળ જોયું કે જે ભૂતળ સરસ્વતીએ લીલાને દેખાડવા ધાર્યું હતું.
એ મોટું ભૂતળ બ્રહ્માંડ-રૂપી પુરુષના હૃદય-કમળ-રૂપ હતું,તેમાં દિશાઓ-રૂપી આઠ પાંખડીઓ હતી.
તેમાં પર્વતો,નદીઓ,સાત સમુદ્રો,સાત દ્વીપો અને પાતાળોરૂપી છિદ્રો હતા.
(ખૂબ અલંકારિક ભાષામાં તેનું વિસ્તૃત વર્ણન કરેલું છે)
લોક્પાલો,દેવતાઓ,નગરો અને ભૂતળ થી વ્યાપ્ત થયેલું બ્રહમાંડ નું એ ઉદર જોઈને ,પછી,
લીલાએ તુરત પૃથ્વીમાં પોતાના પ્રથમ ઘરના આધાર-રૂપ એવું તે ઊંડું પહાડી ગામ દીઠું.
(૨૬) લીલા ને પોતાના ઘરમાં સ્વજનો નું દર્શન થયું.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે એ સ્ત્રીઓ "પદ્મરાજા ના વાસ-રૂપ (નિવાસ-રૂપ) બ્રહ્માંડ ના મંડળ" માંથી
નીકળીને "વશિષ્ઠ બ્રાહ્મણ ના વાસ-રૂપ (નિવાસ-રૂપ) બ્રહ્માંડ" માં આવી.
"બ્રહ્મ-વિદ્યા થી સિદ્ધ થયેલી" અને "લોકો માટે અદશ્ય" (લોકો ને ના દેખી શકાય તેવી) એ લીલાએ-
પોતાનું જ ઘર દીઠું અને તેમાં બ્રાહ્મણ ને રહેવાનો "મંડપ" દીઠો.
તેમાં સર્વ સ્ત્રી-પુરુષો ના મુખો -આંસુ ના પ્રવાહ થી ભીંજાઈ ગયા હતા.
નિર્મળ જ્ઞાન નો લાંબો અભ્યાસ કરવાથી,તે સુંદરી લીલાએ, દેવ ની પેઠે સત્ય સંકલ્પ અને કામના-વાળી
થઈને "સંકલ્પ" કર્યો કે-"આ મારા બંધુઓ મને અને સરસ્વતી ને સાધારણ સ્ત્રી-રૂપે દેખજો."
ત્યાં તો ઘરનાં સર્વ માણસોએ ઘણે ઝગમગ કરી મુક્તી અને જાણે લક્ષ્મી અને ગૌરી હોય તેવી બે
સ્ત્રીઓને દીઠી.જેમણે જોઈને લીલા ના પૂર્વ-જન્મ ના મોટા પુત્ર જયેષ્ઠ શર્મા એ તથા ઘરનાં બીજાંઓએ-
"વન ની દેવીઓ ને પ્રણામ" બોલીને તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી.
દેવીઓએ પ્રેમથી તેમને કહ્યું કે-જે દુઃખથી તમે સહુ પીડિત છો,તે દુઃખ વિષે અમને વાત કરો.
ત્યારે જયેષ્ઠ શર્મા કહે છે કે-હે દેવી,અહીં,પરસ્પર સ્નેહવાળાં,બ્રાહ્મણ જાતિનાં સ્ત્રી-પુરુષ કે-જે-
અમારાં મત-પિતા હતાં,તે અમને સર્વ ને છોડીને સ્વર્ગવાસી થયા છે.જેથી અમને આ ત્રૈલોક્ય
સુનું લાગે છે.તો આપ અમારા શોક નો નાશ કરો.
પુત્રે એ પ્રમાણે કહ્યું-એટલે લીલાએ પુત્રના માથા પર પોતાના હાથ થી સ્પર્શ કર્યો,કે જેનાથી,
જયેષ્ઠ શર્માના દુઃખ નો નાશ થયો અને ઘરનાં સઘળાં મનુષ્યો ,તે દેવીઓનાં દર્શન માત્ર થી
દુઃખ-રહિત અને શોભાવાળા થયાં.
શ્રીરામ પૂછે છે કે-એ લીલાએ પોતાના પુત્ર જયેષ્ઠ શર્માને દેવી-રૂપે દર્શન દીધું પણ શા માટે
માતા-રૂપે દર્શન ના દીધું? પ્રથમ મારા આ સંશય ને મટાડો.