તેથી અમે તે શુદ્ધ બ્રહ્મ ને જોઈ શકીએ છીએ.
જેમ,સંકલ્પ ના નગરનું સ્વરૂપ બ્રહ્મમય છે,તેમ,મારું સ્વરૂપ પણ બ્રહ્મમય છે.
તેથી હું આ દેહ થી જ એ પરમપદને મારા અંતરમાં જોઉં છું અને આ જ રીતે -ચિત્તની શુદ્ધિ ને લીધે
યોગ્ય થયેલ-બ્રહ્મા-આદિ-પણ - પોતાના અંતરમાં પરમપદને જુએ છે.
હે,સુંદરી,વાસ્તવિક સત્તાથી બ્રહ્મ-રૂપ આ જગત-આદિ-સઘળું બ્રહ્મ ના "એક-દેશ" માં રહેલું છે.
અભ્યાસ નહિ થયેલો હોવાને લીધે,તારો આકાર બ્રહ્મ-રૂપ થયો નથી,પણ અંતઃકરણ માં તે,
ચિદાભાસ-રૂપ રહેલ છે,તેથી તું બ્રહ્મને કે પૂર્વ-સૃષ્ટિને જોતી નથી.
જો,આ સ્થૂળ દેહથી પોતાના સંકલ્પ ના નગરમાં પણ પહોંચાતું નથી,તો પછી
બીજાના સંકલ્પના નગર-રૂપ એવી તમારી પૂર્વ-સૃષ્ટિ માં તો કેમ પહોંચાય?
એટલે આ દેહનું વિસ્મરણ કરીને અને "લિંગ-દેહ-રૂપ" થઈને તું તારી પૂર્વ-સૃષ્ટિ ને જોઈ શકીશ.
સંકલ્પ ના નગરમાં તો જે સંકલ્પ-રૂપ થાય તે જ પહોંચી શકે છે,બીજા જોઈ જીવતા કે મરણ પામેલાથી,
ત્યાં પહોંચી શકાય નહિ.જ્યારથી બ્રહ્મ ની સૃષ્ટિ થઇ છે અને જગત-રૂપ ભ્રાંતિ ઉઠી છે ત્યારથી-
એવો જ દૃઢ નિયમ બંધાયો છે કે-સંકલ્પ-રૂપ થયા વિના સંકલ્પિત સ્થાન માં પહોંચાય જ નહિ.
લીલા કહે છે કે- હે,દેવી,તમે તો કહ્યું કે-"એ બ્રાહ્મણ-બ્રાહ્મણી ના જગતમાં આપણે સાથે જઈશું."
તો આપણે બંને ત્યાં સાથે કેવી રીતે જઈ શકીશું?
હું આ દેહને અહીં રાખીને સત્વ-ગુણ ને અનુસરનારા ચિત્ત વડે એ પરલોકમાં જઈ શકીશ પણ-
તમે તમારા પોતાના દેહથી ત્યાં શી રીતે આવી શકશો?
દેવી કહે છે કે-તારા "સંકલ્પ-રૂપ આકાશનું વૃક્ષ" વિદ્યમાન (હાજર)-છતાં-આકાશ-રૂપ છે.
એ વૃક્ષ સાકાર નથી,તેથી એ કોઈ ભીંતથી રોકાય તેમ નથી.
તેમ તે પોતે (વૃક્ષ) પણ કોઈ ભીંત ને તોડી શકે તેમ નથી.તે જ પ્રમાણે મારું શરીર છે.
મારો દેહ સત્વ-ગુણ ની રચના-રૂપ છે,અને બ્રહ્મના પ્રતિભાસ-સ્વરૂપ છે.બ્રહ્મથી જરાક જ જુદો પડે છે.
એટલા માટે હું આ દેહને છોડીને નહિ આવું,પણ વાયુ જેમ ગંધમાં પ્રવેશ કરે તેમ-
હું આ દેહથી જ તે પ્રદેશમાં પહોંચીશ.
જેમ જળ ની જોડે જળ મળી જાય છે એમ,આ મારો મનોમય દેહ એ બીજા મનોમય દેહોની અને
તેમની મનોમય વસ્તુઓની સાથે મળી જાય તેમ છે.
તારો દેહ પૃથ્વીના વિકાર-રૂપ સર્જાયેલો છે,અને મારો દેહ ચૈતન્ય-રૂપ સર્જાયેલો છે.
એથી તારો દેહ મારા દેહની સાથે એક અથવા સંયુક્ત થઈને ત્યાં જઈ શકે તેમ નથી. કેમકે-
કલ્પના ના પર્વતને અને સાચા પર્વતને એકરૂપ થવું સંભવે નહિ,અને પરસ્પર ભટકાવું પણ સંભવે નહિ.
જો કે,આમ તો આ તારો સ્થૂળ દેહ પણ વાસ્તવિક રીતે મનોમય જ છે,તો પણ,
લાંબા કાળની ભાવના થી તું એને પૃથ્વી આદિ -ભૂતોના વિકાર-રૂપ અને સ્થૂળ સમજી બેઠી છે.
જેમ સ્વપ્ન માં લાંબા કાળના ધ્યાનમાં,ભ્રમમાં,સંકલ્પમાં,અને ગંધર્વનગરમાં -મનોમય
પદાર્થો ને પણ સ્થૂળ સમજી લેવામાં આવે છે,તેમ તારો આ દેહ મનોમય છતાં,સ્થૂળ સમજાયો છે.
જયારે સમાધિથી તારી આ વાસનાઓ ક્ષીણ થઇ જશે -
ત્યારે તારા સ્થૂળ દેહમાં પાછું મનોમય-પણું પ્રાપ્ત થશે.