Feb 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-74


વશિષ્ઠ બોલ્યા-
--વ્યવહાર કરવા છતાં અને આ જગત જેવું છે તેવું રહ્યા છતાં પણ -જેની દ્રષ્ટિમાં -
જગત (દૃશ્ય)  આકાશ ની જેમ શૂન્ય થઇ જાય છે તે-જીવન્મુક્ત કહેવાય છે.
--જે પોતે વ્યવહાર કરવા છતાં પણ (આત્મ) જ્ઞાન માં જ એક-નિષ્ઠ રહે છે,અને જાગ્રત અવસ્થામાં પણ,
સુષુપ્તિ અવસ્થામાં રહેતો હોય તેમ નિર્વિકાર-પણે રહેતો હોય-તે જીવન્મુક્ત કહેવાય છે.
--પોતાની જે સ્થિતિ હોય તે સ્થિતિમાં આનંદ થી રહેનારા જે પુરુષના મુખ ની કાંતિ -સુખમાં આનંદી જોવામાં આવતી નથી કે દુઃખમાં ઉદાસ જોવામાં આવતી નથી તે-જીવન્મુક્ત કહેવાય છે.

--જે પુરુષ સુષુપ્તિ-અવસ્થા-વાળા ની જેમ નિર્વિકાર પણે રહેછે,જેને વિષયોના સ્પર્શ-રૂપ જાગ્રત-અવસ્થા જ નથી,અને જેણે જાગ્રત-અવસ્થા ની વાસનાથી થતું સ્વપ્ન પણ આવતું નથી-તે જીવન્મુક્ત કહેવાય છે.
--જે પોતે રાગ,દ્વેષ,ભય-વગેરે ને અનુકૂળ આવે તેવી ક્રિયાઓ (કર્મો) કરવા છતાં,પણ,
આકાશની પેઠે મનમાં નિર્લેપ રહે છે-તે જીવન્મુક્ત કહેવાય છે.

--ક્રિયાઓ (કર્મો) કરતાં અથવા ક્રિયાઓ ના કરતાં -પણ જેનું મન અહંકાર-યુક્ત થતું નથી,
અને જેની બુદ્ધિ લેપાતી નથી,તે જીવન્મુક્ત કહેવાય છે.
--પોતાના "સ્વ-રૂપ"માં એક સ્થિતિથી રહેનારો જે પુરુષ-"આત્મા ના પ્રકાશ-માત્રથી જગત નો લય થાય છે અને
આત્મા ના આવરણ માત્ર-થી જગતની ઉત્પત્તિ થાય છે,એમ અનુભવ-પૂર્વક જાણે છે -તે જીવન્મુક્ત કહેવાય છે.
--જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી,અને જે લોકોથી ઉદ્વેગ પામતા નથી,અને જે પોતે,
હર્ષ,ક્રોધ,ભય થી રહિત છે -તે જીવન્મુક્ત કહેવાય છે.

--જે પુરુષ નો સંસાર -"સત્ય-બુદ્ધિ" થવાને લીધે ટળી ગયો છે, અને જેને લીધે (તેમ થવાથી)
તે ચિત્ત-વાળો  હોવાં છતાં,ચિત્ત-વિનાનો અને શરીર-વાળો હોવાં છતાં -શરીર-વિનાનો છે.તે જીવન્મુક્ત છે.
--જે પોતે સર્વ પદાર્થો થી વ્યવહાર કરવા છતાં પણ શાંત રહે છે,
અને જે સર્વ પદાર્થોમાં પણ પૂર્ણ-સ્વરૂપે રહે છે-તે જીવન્મુક્ત કહેવાય છે.

પણ એ જીવન્મુક્ત પુરુષ નું શરીર જયારે કાળ ને આધીન થાય છે,ત્યારે તે જીવન્મુક્તતા ની પદવી છોડે છે,
અને જેમ પવન નિશ્ચળ-પણા ને પામે છે,તેમ તે 'વિદેહ-મુક્ત" તા ની પદવીને પામે છે.

વિદેહ-મુક્ત પુરુષ,ઉદય કે અસ્ત પામતો નથી,દૂર કે મંદ પડતો નથી,પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ  રહેતો નથી.,
અહં-રૂપ કે અહં-રૂપ થી અલગ રહેતો નથી-પણ સૂર્ય થઈને પ્રકાશે છે.
વિષ્ણુ થઈને ત્રિલોક નું રક્ષણ-પાલન કરે છે,રુદ્ર થી સંહાર કરે છે ને બ્રહ્મા થઇ સૃષ્ટિઓ બનાવે છે.

તે,આકાશ થઈને પવન ને,ઋષિઓને,સુરો ને,તથા અસુરોને ધારણ કરે છે.અને મેરુ-પર્વત થઈને
લોક-પાલો ના સ્થાનક-રૂપ થાય છે.પૃથ્વી થઇ તે લોકો ની અખંડ મર્યાદાને સાચવે છે.
ખડ,ઝાડ,લતાઓ થઇ ને ફળોના સમૂહ આપે છે.
તે અગ્નિ થઇ પ્રજ્વલિત થાય છે,જળ થઇ ને દ્રવીભૂત થાય છે,ચંદ્ર થઈને અમુત ને ઝરે છે અને
હળાહળ (વિષ) થઇ ને તે મરણ પામે છે.
તે તેજ થઈને દિશાઓને પ્રગટ કરે છે,અને અંધકાર થઈને સર્વને અંધ કરે છે.

તે ચેતન થઈને જંગમ થાય છે અને જડ થઈને સ્થાવર થાય છે.
સમુદ્ર થઈને તે પૃથ્વી-રૂપી સ્ત્રીને કંકણ ની જેમ વીંટી લે છે અને આવરણરહિત  પરમાત્મા થઈને તે
પોતાના પ્રકાશથી વ્યાપેલાં બ્રહ્માંડો-રૂપી અનેક પરમાણુઓને ફેલાવવા છતાં, પણ,
નિર્વિકાર રૂપે જ રહે છે.

ત્રણે કાળ ના સંબંધ-વાળું જે કંઈ આ દૃશ્ય (જગત) પ્રકાશે છે,પ્રકાશી ગયું છે અને પ્રકાશશે-
તે સઘળું એ "વિદેહ-મુક્ત-રૂપ" જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE