જે અશૂન્ય છતાં પણ શૂન્ય જેવું પ્રતીત થાય,જેમાં,"વાંઝણી ના પુત્ર" જેવું (મિથ્યા) આ જગત રહ્યું છે, અને,
જે પોતાનામાં અનંત બ્રહ્માંડો હોવાં છતાં પણ તેમનાથી રહિત છે- તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જે મહા-જ્ઞાનમય છતાં પણ મોટા પાષાણ (પથ્થર) ની શિલા ની પેઠે રહેલું છે,અને
જેમાં જડ અને ચેતન રૂપ સઘળા જગતનો સમાવેશ થાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
બહારના અને અંદરના સર્વ વિષયો સહિત આ જગત જેની સત્તાથી સત્તા પામ્યું છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જેમ,દેખાવ એ પ્રકાશ થી જુદો પડતો નથી,અને આકાશ થી શૂન્ય-પણું જુદું પડતું નથી-
તેમ, આ જગત કલ્પિત હોવાને લીધે, જેના સ્વ-રૂપ થી જુદું પડતું નથી તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
રામ બોલ્યા-જે પરમાત્મા જોવામાં આવતા નથી,તે જ એક સત્ય છે એમ કેમ જાણી શકાય? ને-
આવડું બધું પ્રત્યક્ષ (નજર સામે) દેખાતું જગત સઘળું મિથ્યા (ખોટું) છે-એ શી રીતે મન માં ઉતરે? (૩-૭)
વશિષ્ઠ બોલ્યા-આ જગત-રૂપી "ભ્રમ" -જેમ આકાશમાં લીલા-કાળા રંગ (ભ્રમને લીધે) જોવામાં આવે છે-
તેમ-ઉત્પન્ન થયો છે.જો તેના અત્યંત "અભાવ" નું જ્ઞાન -દૃઢ રીતે થાય -તો જ -તેનું-
અધિષ્ઠાન (આધાર) "બ્રહ્મ" સ્પષ્ટ જાણવામાં આવે છે-બીજી કોઈ ક્રિયાથી તે જાણવામાં આવતું નથી.
દૃશ્ય (જગત) ના અત્યંત "અભાવ" ને દૃઢ કર્યા વિના બ્રહ્મ ને જાણવાનો બીજો કોઈ સારો ઉપાય નથી.
જેવી સ્થિતિ છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગત નો અત્યંત અભાવ સમજાય તો -
તેના અધિષ્ઠાન-રૂપ (આધાર-રૂપ) પરમાત્મા બાકી રહે છે,
જે આ વસ્તુ "જ્ઞાનથી" સમજે છે તે-પોતે જ "પરમાત્મા-રૂપ" થાય છે.
જ્યાં સુધી દર્પણ ની આજુબાજુ કોઈ પદાર્થ હોય -ત્યાં સુધી દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી,
તે જ પ્રમાણે,જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે,ત્યાં સુધી બુદ્ધિમાં તે જગતનું પ્રતિબિંબ પડ્યા
વિના રહેતું જ નથી.
આથી જગતનો અત્યંત અભાવ કરવાથી,બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી, અને આમ થાય છે ત્યારે જ,
બુદ્ધિમાં (જગત-દૃશ્ય ને બદલે) બ્રહ્મ (દ્રષ્ટા) નું (સાચું) પ્રતિબિંબ પડે છે.
આમ,આ "જગત" નામનો "દૃશ્ય" પદાર્થ "મિથ્યા" જ છે-
એમ નિશ્ચય કર્યા વિના કોઈ પણ મનુષ્ય "પરમ-તત્વ" (પરમાત્મા-દ્રષ્ટા) ને સમજી શકે નહિ.
રામ બોલ્યા-હે,મુનિ.આટલું બધું મોટું બ્રહ્માંડ-રૂપ જે "દૃશ્ય" છે -તેમાં પોતાની સત્તા નથી પણ બ્રહ્મ ની જ
સત્તા છે -એમ આપે કહ્યું,પણ તે મનમાં શી રીતે ઉતરે? જેમ સરસવ ના પેટમાં મેરુ-પર્વત નો સમાવેશ -એ-
અસંભવિત છે,તેમ અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મમાં આવડા મોટા બ્રહ્માંડ નો સમાવેશ થાય એ અસંભવિત લાગે છે.
વશિષ્ઠ બોલ્યા-હે,રામ,જો તમે મનમાં અકળાયા વિના,મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર
રહીને થોડાક દિવસ સાંભળ્યા કરશો તો જેમ ખરું જ્ઞાન થતા,ઝાંઝવાનું પાણી દેખાતું બંધ પડે છે, તેમ
તમારી બુદ્ધિમાંથી -હું ક્ષણ-માત્ર માં દૃશ્ય (જગત) ને ઉડાડી દઈશ.(ભૂંસી નાખીશ)
દૃશ્ય-રૂપ આ જગત,દૃષ્ટિમાંથી નાશ પામે છે -ત્યારે દ્રષ્ટા-પણું પણ શાંત પડે છે.અને કેવળ જ્ઞાન બાકી રહે છે.
જો દૃશ્ય (જગત) છે તો જ દ્રષ્ટા (પરમાત્મા) છે,અને જો દ્રષ્ટા (પરમાત્મા) છે તો જ દૃશ્ય (જગત) છે.
તેજ રીતે જો -એક હોય તો તે બંને છે અને જો બંને હોય તો પણ તે એક જ છે.
આમાંથી જો એક નો અભાવ થાય તો બંને ની સિદ્ધિ થતી નથી (બંને અસિદ્ધ થાય છે)