રામ બોલ્યા-એ પરમાત્માના સ્વરૂપ ને કેવળ જાણવામાં આવે તો જીવને મરણ-આદિ દોષો કદી પણ બાધ કરતાં નથી,એમ આપ કહી ગયા,પણ એ દેવાધિદેવ તો દૂર છે તેમની પ્રાપ્તિ કેવી રીતે થાય?
કોઈ તપ કરવાથી અથવા કોઈ કષ્ટ ભોગવવાથી તેમની પ્રાપ્તિ થતી હોય તો તે મને કહો.
વશિષ્ઠ બોલ્યા- હે,રામ,પોતાના પુરુષ-પ્રયત્ન થી પ્રફુલ્લિત થયેલા "વિવેક" વડે જ એ દેવાધિદેવ જાણવામાં
આવે છે.તપથી કે તીર્થ સ્થાનથી-કે એવાકોઈ બીજા કર્મો થી તે જાણવામાં આવતા નથી.
રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-મદ અને મત્સર છોડ્યા વિના જે તપ કે દાન કરવામાં આવે છે,તે એક જાતનો કલેશ જ છે.એનાથી કંઈવળે તેમ નથી. કોઈને ઠગી લઈને મેળવવામાં આવેલા ધન નું દાન કરવામાં આવે તો-
તે ધન જેનું હોય તેને એ દાન નું ફળ મળે છે.
ચિત્ત રાગ-દ્વેષ -વગેરે થી બગડેલું હોય અને ત્યારે જે વ્રત-તપ વગેરે કરવામાં આવે તે એક જાતનો ઢોંગ જ છે,એમાંથી લેશમાત્ર પણ ફળ મળતું નથી.
માટે ઉત્તમ શાસ્ત્રો નો અને મહાત્માઓનો -સંગ -એ બે જ મુખ્ય ઔષધ છે,તેમનું સંપાદન કરવું .
એ ઔષધો થી સંસાર-રૂપ રોગ નો નાશ થાય છે.
સઘળાં દુઃખો નો ક્ષય કરીને પરમપદ ની પ્રાપ્તિ મેળવવામાં એક-પુરુષાર્થ-સિવાય બીજો કોઈ ઉપાય નથી.
હવે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ ઉપયોગી થાય છે તે સાંભળો.
લોકથી અને શાસ્ત્ર થી વિરુદ્ધ હોય નહિ એવી શક્ય આજીવિકા થી મનમાં સંતોષ રાખવો, અને
ભોગો ભોગવવાની વૃત્તિ નો ત્યાગ કરવો.શક્તિ પ્રમાણે યોગ્ય રીતે આજીવિકા માટે ઉદ્યોગ કરવો.
"કેમ થશે?" એવી કંઈ પણ ચિંતા રાખવી નહી -અને મહાત્માઓ તથા ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર રહેવું.
આવો પુરુષ મુક્તિ ને પામે છે.
જેણે વિચારથી આત્મ-તત્વ ને જાણ્યું છે-તે મહા-બુદ્ધિ-વાળા પુરુષ ને -
આ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઇન્દ્ર-વગેરે સર્વ કંગાળ લાગે છે.
દેશમાં પણ ખરા સજ્જન જેને "સાધુ" કહેતા હોય તેને જ "સાધુ" સમજી ને એવા સાધુ નો આશ્રય કરવો.
"બ્રહ્મ-વિદ્યા" એ સઘળી વિદ્યામાં મુખ્ય છે અને તેનું વર્ણન જે શાસ્ત્ર માં આવતું હોય તે ઉત્તમ શાસ્ત્ર કહેવાય.
એવા,શાસ્ત્ર નો વિચાર કરવાથી મુક્તિ મળે છે.
જેમ "નિર્મળી" (એક જાત ની વનસ્પતિ) ના રજ ના સંબંધ થી જળ ની મલિનતા મટે છે, અને
જેમ,યોગ ના અભ્યાસ થી યોગીઓ ની બુદ્ધિ બહાર ભટકતી અટકે છે,
તેમ,શાસ્ત્રના અને સાધુઓના સંગથી વિવેક પ્રાપ્ત થાય છે અને એ વિવેકના બળથી અવિદ્યા નાશ પામે છે.
(૭) જગતના મૂળ-રૂપ પરમાત્મા નું નિરુપાધિક તત્વ
રામ બોલ્યા-હે,બ્રહ્મન,તમે કહી ગયા કે "એ દેવના જ્ઞાનથી મુક્તિ થાય છે"
તો એ દેવ ક્યાં રહે છે? અને મને તે દેવ ની પ્રાપ્તિ કેવી રીતે થાય? તે મને કહો.
વશિષ્ઠ બોલ્યા-મેં જે દેવ વિષે કહ્યું તે દેવ દૂર રહેતા નથી પણ સર્વદા શરીરમાં જ રહે છે.
"તે ચૈતન્ય -માત્ર છે." એમ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.
સઘળું જગત એ દેવ-મય છે પણ એ દેવ સઘળા જગતમય નથી. એ દેવ સર્વમાં વ્યાપક છે,અને એક જ છે.
એમનામાં જગતનો લેશ પણ નથી.બ્રહ્મા,વિષ્ણુ,મહેશ અને સૂર્ય[-એ સર્વ પણ ચૈતન્ય માત્ર છે.
રામ બોલ્યા-બાળકો પણ કહે છે કે-સર્વ ચૈતન્ય-માત્ર છે,અને તમે પણ તેમ જ કહો છો ,
ત્યારે આ વાતમાં ઉપદેશ-પણું શું આવ્યું?