તે વ્યાપેલા છે,અને ઇન્દ્રિયો,પ્રાણ-વગેરેને એ જ પોતાના ચૈતન્ય થી વ્યાપ્ત કરી દે છે.
ઝાંઝવાનાં જળ જેમ ક્ષણમાં ઉગે છે અને આથમે છે,તેમ અત્યંત વિસ્તરાયેલા એ પરમાત્મા માં ,
બ્રહ્માંડ રૂપી મોજાંઓ ક્ષણ માં ઉઠે છે અને લય પામે છે.
એ પરમાત્મા પ્રપંચ-રૂપે નાશવાન છે,પણ વાસ્તવિક રૂપે અવિનાશી છે.
તે સર્વ પદાર્થ ની અંદર રહેલા છે,અને પોતાના અત્યંત સૂક્ષ્મપણા ને લીધે "ગુપ્ત" છે,
પણ તે સર્વ પદાર્થ ના નાશથી તે નાશ પામતા નથી.
શુદ્ધ "ચૈતન્ય" માં ઉત્પન્ન થયેલી "પ્રકૃતિ-રૂપ" લતા (વેલ) -એનાજ રૂપાંતર-રૂપ ઈશ્વર-રૂપી વાયુ થી
નાચ્યા કરે છે. (આ પ્રકૃતિ-રૂપ લતા ના બ્રહ્માંડ-રૂપી ફળ,ચિત્ત-રૂપી મૂળ અને ઇન્દ્રિયો-રૂપી પાંદડાં છે)
પ્રત્યેક દેહ-રૂપી દાબડાઓમાં "ચૈતન્યા-રૂપ મણિ" રૂપે તે જ પ્રકાશે છે.
જેમ ચંદ્રમાં કિરણો સ્ફૂરે છે-તેમ એ પરમાત્મા-રૂપ માં જ જગતના સમુહો સ્ફૂરે છે.
એ પરમાત્મા-રૂપી શાંત મેઘ-જયારે -ચૈતન્ય-રૂપી જળ ને વરસાવતો જયારે પ્રકાશે છે ત્યારે-
તેમાં "જડ-પદાર્થો" એ ધારાઓ ના "જળ-રૂપ" છે,અને "ચેતન-પદાર્થો" એ "વીજળી-રૂપ" છે.
સઘળી વસ્તુઓ તેમના (પરમાત્મા) ના પ્રકાશ થી જ પરસ્પર મળીને -વિચિત્ર "કાર્યો" ઉત્પન્ન કરે છે.
આ જગતમાં સર્વ પદાર્થો મિથ્યા છે,છતાં પણ એમની (પરમાત્માની) સત્તાથી જ તે સત્તાવાન જણાય છે.
શાંત રીતે સ્વ-રૂપ માં જ રહેલા એ પરમાત્મા "અસંગ" છે,એ કશું ઇચ્છતા નથી.
તો પણ એમની સમીપમાં આ અત્યંત જડ શરીર ચાલ્યા કરે છે.
વાસ્તવિક સત્તા-વાળા -એ પરમાત્મા થીજ -નિયમ,દેશ,કાળ,ચલન,સ્પંદન અને ક્રિયા -
એ સર્વ ને સત્તા મળેલી છે.
એ પરમાત્મા શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ અને અધિષ્ઠાન-સ્વરૂપ છે,તેથી,આપણે તેમને આકાશ-રૂપ ધારીએ તો તે
આકાશ-રૂપ થાય છે,અને જો બીજા પદાર્થો-રૂપ ધારીએ તો એ બીજા પદાર્થો રૂપ થાય છે.
એ પરમાત્મા મોટા મોટા બ્રહ્માંડો ના અનંત સમૂહ ને ઉત્પન્ન કરે છે -તો પણ તે કોઈ ક્રિયાઓ કરતા નથી.
તે તો અખંડ-જ્ઞાન-મય અને નિર્વિકાર છે.અને ઉત્પત્તિ,સ્થિતિ -વગેરે થી રહિત -એવા-
પોતાના સ્વ-રૂપમાં તે એકલા જ રહેલા છે.
(૬) જ્ઞાન થી આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ તથા જ્ઞાન નાં સાધનો નો ક્રમ
વશિષ્ઠ બોલ્યા-સર્વોત્તમ અને ઇન્દ્રિયો ને પણ પ્રકાશ આપનારા -એ પરમાત્મા નો લાભ તેમના સ્વ-રૂપ ને જાણવાથી જ થાય છે.ક્રિયાઓ કરવાથી કે અનેક દુઃખ વેઠવા થી તેમની પ્રાપ્તિ થતી નથી.
જેમ, ઝાંઝવાં નાં પાણી-રૂપ ભ્રાંતિ ને ટાળવા માં કોઈ ક્રિયાઓ નો ઉપયોગ થતો નથી-
માત્ર તેના "અધિષ્ઠાન ને જાણવાનો" જ ઉપયોગ છે,
તેમ, આ જગત-રૂપી ભ્રાંતિ ને ટાળવામાં પણ કોઈ ક્રિયાઓ નો ઉપયોગ નથી.
માત્ર તેના અધિષ્ઠાન-રૂપી પરમાત્મા ને જ જાણવાનો ઉપયોગ છે.
સ્વ-રૂપ-આનંદ ના "પ્રકાશ-રૂપ" એ પરમાત્મા દૂર નથી,તેમ પાસે પણ નથી,
તે અલભ્ય સ્થળમાં નથી કે વિષમ સ્થળમાં પણ નથી. તેમની પ્રાપ્તિ આપણા દેહમાંથી જ થાય છે.
પરમાત્મા ને જાણવામાં તપ,દાન,વ્રત-વગેરે કોઈ પણ કામ આવે તેમ નથી.
કારણકે સ્વ-રૂપ-માત્ર માં વિશ્રાંતિ વિના તેને જાણવાનું બીજું કોઈ સાધન નથી.
એ સ્વ-રૂપ-માત્રમાં વિશ્રાંતિ ઉત્તમ શાસ્ત્રો માં તત્પર રહેવાથી અને સત્પુરુષોના સમાગમ માં રહેવાથી મળે છે.
મોહ-જાળ-રૂપ અજ્ઞાન ને દૂર કરવામાં કોઈ જ બીજી ક્રિયા નહિ પણ માત્ર જ્ઞાન જ કામ આવે છે,
માટે આ જ્ઞાનનું સંપાદન કરવું જોઈએ.
"એ પરમાત્મા-આ છે" એમ સારી રીતે જાણવા માત્ર થી જીવ ને દુઃખ રહેતું નથી.અને જીવન-મુક્તિ મળે છે.