Aug 29, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-24

આ ધારણા વિવિધ પ્રકારની હોય છે-કલ્પનાની જરાક રમત પણ સાથો સાથ કરી શકાય.
દાખલા તરીકે-મનને હૃદયની અંદર એક "બિંદુ" નો વિચાર કરવામાં લગાડવું એ કઠણ છે,પણ,
સહેલો રસ્તો છે કે-ત્યાં એક કમળની કલ્પના કરવી-કે જે કમળ પ્રકાશથી અને ઝળહળતી જ્યોતિથી
ભરપૂર છે.અગાઉ આવી ગયું-તેમ સુષુમ્ણાની અંદરના જુદા જુદા કેન્દ્રોને પણ-પ્રકાશમય કલ્પી શકાય.

યોગીએ સાધના હંમેશાં (સતત) કરવી જોઈએ.
જુદાજુદા સ્વભાવના મનુષ્યોના સહવાસથી મનમાં વિક્ષેપ આવે છે,તેથી તેણે એકલા રહેવાનો પ્રયાસ કરવો.સાધકે  બહુ બોલવું નહિ,કારણકે બોલવાથી પણ મનમાં વિક્ષેપ  થાય છે.
તેણે અતિશય -બહુ કામ કરવું નહિ,આખા દિવસના અતિશય પરિશ્રમ પછી મનને કાબૂમાં કરી શકાય નહી.
ઉપરના સાદા નિયમોનું શરૂઆતમાં પાલન કરીને જ યોગી થઇ શકાય.(યોગની સાધના કરી શકાય)
યોગમાં એવી શક્તિ છે કે-તેની સહેજસાજ સાધન પણ ઘણો ફાયદો કરે છે,ને કોઈ નુકશાન નથી.

યોગની સાધના-એ ઉત્તેજિત જ્ઞાનતંતુઓને શાંત કરશે,મનની સ્થિરતા લાવશે,
વસ્તુઓને વધુ સ્પષ્ટ રીતે જોવા-સમજવાની શક્તિ આપશે,સ્વભાવ સુધરશે અને તંદુરસ્તી સારી કરશે.
સંપૂર્ણ આરોગ્ય અને મધુર અવાજ-એ શરૂઆતમાં યોગમાં આગળ વધ્યાની એક નિશાની હશે.
જેમ જેમ આગળ વધવામાં આવે તેમ તેમ બીજાં ઘણાં ય ચિહનો જોવા મળે છે-જેમ કે-
ઘંટના નાદ,અદભૂત વસ્તુઓનાં દર્શન,અદભૂત પ્રકાશ -વગેરે.
આ બધાં ચિહ્નો જયારે જણાય,ત્યારે સમજવું કે -યોગમાં ઝડપભેર પ્રગતિ થઇ રહી છે.

યોગી થવા માટે શરૂઆતમાં આગળ બતાવ્યા પ્રમાણે નિયમિત પ્રકારનો "આહાર" આવશ્યક છે.
શરૂઆતના કેટલાક મહિનાઓ માત્ર દૂધ અને ફળાહાર -વધુ ફાયદાકારક છે.
યોગમાં આગળ જતાં,શરીર-રચના જેમ વધુ ને વધુ સૂક્ષ્મ થતી જાય,તેમ આહારની જરા સરખી યે
અનિયમિતતા એ સમતુલાને ખોરવી નાખે છે.
પણ જયારે શરીર પરનો સંપૂર્ણ કાબૂ આવી જાય પછી,યોગી જે ઠીક લાગે તે ખોરાક ખાઈ શકે છે.

નિરર્થક તર્ક-જાળ,દલીલ બાજી  અને વાતો છોડી સતત સત્સંગ -રાખી ખંત-પૂર્વક યોગનો અભ્યાસ
ચાલુ રાખવામાં આવે તો જ સફળતા મળે છે.
શરૂઆતમાં સતત સત્સંગ ના મળતો હોય તો-જે મહા-પુરુષો ને આત્મ-સાક્ષાત્કાર થયો છે-એવા
મહા-પુરુષોએ લખેલ પુસ્તકો નો કે ગીતા,ભાગવત,રામાયણ જેવા ગ્રંથોનો સત્સંગ પણ કરી શકાય.

કાલુ માછલીના જેવું બનવા નું છે. કાલુ માછલી ની વાત અહીં જાણવા જેવી છે.
કહે છે કે-સ્વાતિ નક્ષત્રમાં જો વરસાદ થાય અને એ વરસાદનું ટીપું -જો કાલુ માછલીની છીપમાં પડી જાય,
તો તે ટીપું મોતી બને છે.કાલુ માછલીને આ ખબર હોય છે,એટલે જયારે સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે
તે દરિયાના પાણીની સપાટી પર આવે છે,અને એ કિંમતી વર્ષાનું ટીપું ઝીલવાની રાહ જુએ છે.
જેવું એ ટીપું અંદર પડે કે તરત જ તે કાલુ માછલી પોતાની છીપ બંધ કરીને -ડૂબકી મારી,
દરિયાના તળિયે પહોંચી જાય છે અને ત્યાં ધીરજથી તે ટીંપાને મોતીમાં વિકસાવે છે.

આપણે આ કાલુ માછલીના જેવા થવાનું છે.
પ્રથમ સાંભળવાનું,પછી સમજવાનું અને ત્યાર બાદ બધા વિક્ષેપોને બાજુએ મૂકી બહારની અસરો સામે
મનને બંધ કરીને -અંદર રહેલા સત્યને વિકસાવવામાં (પામવામાં) લાગી જવાનું છે.

અહીં ભય એ છે કે-માત્ર નવીનતાને ખાતર એક વિચારને પકડી,પછી બીજો વધુ નવો વિચાર મળતાં,
પહેલાને છોડીને બીજાને  પકડવામાં -શક્તિ વેડફાઈ જાય છે.
માટે,એક બાબતને હાથમાં લીધી,એટલે તેને વળગી રહી,તેને છોડ્યા વિના- તેના છેક છેડા સુધી જવામાં
શાણપણ છે.જે માણસ એક જ વિચારની પાછળ ગાંડો બની શકે છે તે જ પ્રકાશને પામે છે.
જેઓ,ઘડીકમાં અહીં તો ઘડીકમાં તહીં નજર નાખતા ફરે છે તેમને કશું હાંસલ થતું નથી.
તેવાઓ તો-ક્ષણ માટે પોતાના જ્ઞાનતંતુઓને ક્ષણભરને માટે ઉત્તેજિત કરે છે એટલું જ.
એ લોકો પ્રકૃતિના ગુલામ જ રહે છે અને ઇન્દ્રિયોના ક્ષેત્રથી કદી આગળ જઈ શકતા નથી.

માટે જ જેમને યોગી થવું છે તેમણે,અહીં-તહીં મોં નાખવાની ટેવ હંમેશના માટે છોડી દઈને,
એક જ વિચારને પકડી ને તેને જ જીવન-સર્વસ્વ બનાવવો જોઈએ,
તે એક વિચાર નો જ વિચાર,તેનું જ સ્વપ્ન સેવવું,અને તેના પર જ જીવવું.
મગજ,સ્નાયુઓ,માંસપેશીઓ,જ્ઞાનતંતુઓ-અને શરીરનો એકેએક અવયવ એ વિચારથી ભરપૂર કરી,
એ સિવાયના કોઈ પણ વિચારને બાજુએ મુકવાથી જ સફળતાનો માર્ગ  મળે છે.
આ માર્ગ પર જ આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે,બીજાઓ તો,તે માટે વાતો કરનાર-અને યંત્ર જેવા છે.
જો આપણે ધન્ય થવું હોય અને બીજાઓને પણ ધન્ય બનાવવા હોય તો ઊંડા ઉતરવું જ જોઈએ.

આગળ બતાવ્યું તેમ-મનને વ્યગ્ર થવા ન દેવું.વિક્ષેપ પાડે એવા વિચારોવાળા માણસો સાથે હળવું-મળવું નહિ,અણગમતા માણસો કે અણગમતા સ્થળોથી દૂર રહેવાનું.
જેઓ સર્વોચ્ચ ધ્યેયે પહોંચવા ઈચ્છે છે-તેમણે તો સારી કે નરસી -સઘળી સોબતનો ત્યાગ કરવો જોઈએ,
અને સખ્ત સાધના કરવી જોઈએ.
જીવન-કે મરણ ની પરવા કર્યા વગર,અને પરિણામનો વિચાર કર્યા વગર જે ઝંપલાવી દે છે,અને
સાધનામાં લાગી જવાની જે હિંમત ધરાવે તે છ મહિનામાં જ યોગી થઇ શકે છે.

પણ જે -થોડું યોગનું અને થોડું બીજા-કશાનું-એમ જુદીજુદી વસ્તુઓ પકડે છે,તેમની કોઈ પ્રગતિ થતી નથી.
અને માત્ર યોગના અભ્યાસક્રમ ના પાઠ લેવાથી પણ કંઈ વળતું નથી.વળી,
જેઓ તમોગુણથી ભરેલા છે,અજ્ઞાની છે,જડ છે અને જેમનાં મન કોઈ પણ એક વિચાર પર કદી ચોંટાડી
શકતા નથી,અને જેઓ કંઈક મનોરંજનકારી વસ્તુ માટે જ તલસતા હોય છે,તેમણે માટે તો-
ધર્મ અને તત્વ-જ્ઞાન એ મનોરંજનના  વિષયો જ બની રહે છે.

ખંત વગરના લોકો આ પ્રકારના જ હોય છે.તેઓ એકાદ પ્રવચન સાંભળે અને માને કે બહુ સારું છે !!
પણ ઘેર જઈને એણે વિષે બધું ભૂલી જાય.રામાયણ-ભાગવતની કથાઓ એક થી વધુવાર સાંભળનાર
મનુષ્યોનો આ જગતમાં તોટો નથી,અને ઘેર જઈને બધું ભૂલી જનાર નો ય તોટો નથી!!!
પણ,સફળ થવા માટે તો,જબરદસ્ત ખંત અને ઇચ્છાશક્તિ હોવી જોઈએ.અને તે જ ધ્યેયે પહોંચે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE