Aug 9, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-08

રાજયોગ તો આસન વિષે કહે છે કે-સ્થિર અને ટટ્ટાર થઈને આસન પર તમને અનુકૂળ આવે તેમ બેસો.એકવાર આસન પર બેસતાં આવડ્યું એટલે કેટલાકના મત પ્રમાણે નાડી-શુદ્ધિ નામની ક્રિયા કરવી પડે છે.જો કે આ ભાગ એ રાજયોગનું અંગ નથી.પણ ભાષ્યકાર શંકરાચાર્ય જેવી મહાન પ્રમાણભૂત વ્યક્તિ તે કરવાની સલાહ આપે છે,એટલે તેનો ઉલ્લેખ કરવો ઉચિત છે.

શ્વેતાશ્વતર ઉપનિષદ પરના ભાષ્યમાં શંકરાચાર્યજી કહે છે કે-
"જેમનામાંથી પ્રાણાયામ દ્વારા મેલ નીકળી ગયો છે,તે બ્રહ્મમાં સ્થિર થાય છે.
સૌ પ્રથમ નાડીઓને શુદ્ધ કરવી જોઈએ કે જેથી પ્રાણાયામનો અભ્યાસ કરવાની શક્તિ આવે છે.
જમણા નસકોરાને અંગુઠાથી દબાવીને ડાબા નસકોરા વાટે-પોતાની શક્તિ પ્રમાણે અંદર ખેંચો.
ત્યાર બાદ જરાયે વખત જવા દીધા વિના ડાબુ નસકોરું બંધ કરીને તે હવાને જમણા નસકોરા વાટે બહાર
કાઢી નાખો.વળી પાછું ડાબું નસકોરું બંધ રાખીને જમણા નસકોરા વાટે હવા અંદર ખેંચો અને તાબડતોબ
જમણું નસકોરું બંધ કરી ને તે હવાને ડાબા નસકોરા વાટે બહાર કાઢો.
આ પ્રમાણે દરરોજ -ત્રણ પ્રાણાયામ--સૂર્યોદય પહેલાં-બપોરે -સાંજે અને મધરાતે-એમ ચાર વખત
અભ્યાસ કરવાથી પંદર દિવસમાં કે મહિનામાં નાડી શુદ્ધિ થશે.ત્યાર પછી પ્રાણાયામ શરુ કરવો"
(નોંધ-અત્યાર ના કાળ (સમય) મુજબ-શરૂઆત-એક વખત સવારે-ત્રણ પ્રાણાયામ -કરીને કરી શકાય)

યોગશાસ્ત્રમાં અભ્યાસ  એ - અત્યંત આવશ્યક વસ્તુ છે.
ભલે કોઈ કલાકો સુધી વ્યાખ્યાનો કે કથાઓ સાંભળે,કે-અધ્યાત્મિકતાના અસંખ્ય થોથાં ઉલટાવી જાય,
પણ જો તે યોગનો અભ્યાસ ન કરે તો -યોગમાં એક ડગલું પણ આગળ વધી શકે નહિ.
યોગશાસ્ત્રોમાં જે લખેલું છે તેનો જાતે જ અનુભવ ના થાય ત્યાં સુધી તે વસ્તુ સમજાઈ શકે નહિ.

સાધના કરવામાં કેટલાંક વિઘ્નો આવી શકે છે.
પહેલું વિઘ્ન છે- તે-રોગી શરીર.જો શરીર યોગ્ય સ્થિતિમાં નહિ હોય તો સાધનામાં વિઘ્ન આવે છે,
તેથી તે શરીરની થોડી સંભાળ રાખી ને તેને  તંદુરસ્ત રાખવાનું છે-માત્ર તેટલું જ.
શરીર ની સંભાળમાં બહુ તેની પાછળ પડી જવાનું કહેતા નથી.પણ તે એટલું જ કહેવા માગે છે કે-
શરીરનું આરોગ્ય એ ધ્યેયે પહોંચવાનું એ "સાધન" માત્ર છે."શરીરનું આરોગ્ય" એ "ધ્યેય" નથી.
જો તંદુરસ્તી (આરોગ્ય) એ જ ધ્યેય હોય તો આપણે જાનવર જેવા બની જઈએ,
કારણ કે જાનવરો ભાગ્યેજ માંદા પડતા હોય છે.

બીજું વિઘ્ન છે સંશય-જેને આપણે જોઈ શકતા નથી,તેવી બાબતોમાં આપણે હમેશાં શંકાશીલ રહીએ છીએ.
કોઈ ગમે તેટલું બોલે કહે કે લખે,પણ મનુષ્ય તે શબ્દો મુજબ  જીવી શકે નહિ, તેને તે બાબતોમાં -
"કશું સત્ય છે કે નહિ?" તે વિષે સંશય ઉઠવાનો જ.
એ જ રીતે સાધના શરુ કરતાં પહેલાં કે સાધના દરમિયાન સંશય એ સ્વભાવિક છે.
પણ અનુભવી યોગી કહે છે કે-સાધનાના અભ્યાસ કરતાં કરતાં થોડા દિવસો માં જ સહેજ-સાજ ઝાંખી થશે,
ને તે પ્રોત્સાહન અને આશા આપવા માટે પૂરતી થઇ પડશે.કારણકે જયારે એક સાબિતી મળે,પછી તે ભલે
ગમે તેટલી નાની હોય પણ તે યોગના સમગ્ર ઉપદેશમાં શ્રદ્ધા બેસાડશે.

દાખલા તરીકે સાધનાનાના પહેલા થોડા મહિના પછી યોગીને જણાય છે કે -તે બીજાના વિચારોને વાંચી શકે છે,કે ઘણે લાંબે  અંતરે બનતી કોઈ ઘટના તે સાંભળી શકે છે,કે નાક આગળ અત્યંત સુંદર સુગંધ આવે છે-
કે વળી કોઈ પણ ભૌતિક પદાર્થના સંબંધ સિવાય પણ તેના સ્પર્શનો  અનુભવ થાય છે-વગેરે-........
આવા માનસિક અનુભવો અને ઝાંખીઓ પ્રથમ ટુકડે ટુકડે આવે છે ને -તેથી સંશય જતો રહે છે અને
તે શ્રદ્ધા,બળ અને આશા માટે તે પૂરતા  થઇ પડે છે.આ સામાન્ય સિદ્ધિઓ છે-એટલે-
અહીં ચેતવણી આપે છે કે-આ સાધનોનો અને સાધનાનો હેતુ અને અંતિમ ધ્યેય -એ આત્માની મુક્તિ છે.
પ્રકૃતિ પર નો સંપૂર્ણ કાબુ,અને એથી જરાયે ઓછું નહિ તે ધ્યેય હોવો જોઈએ.સિદ્ધિઓમાં ફસાવું નહિ,
આપણે પ્રકૃતિના માલિક થવાનું  છે -નહિ કે પ્રકૃતિના ગુલામ.
મન કે શરીર એ આપણા માલિક થઇ ને બેસી ના જાય તેનો સતત ખ્યાલ રાખવાનો છે.

ઉચ્ચ "તત્વ" ને સમજવાની શક્તિ બહુ થોડા લોકોમાં હોય છે,તેમાંયે એ "તત્વે" પહોંચવાની ધીરજ તો
એથી યે થોડામાં હોય છે.તત્વને સમજનારા જાણે છે કે-શરીરને ભલે હજાર વર્ષ સુધી જીવતું રાખી શકાય,
પણ અંતે તો એ મરવાનું જ છે.શરીરને ટકાવી રાખનારાં "બળો" જયારે છૂટાં પડી જાય,એટલે તે શરીર
મરે જ છે.આજ સુધી એવો કોઈ મનુષ્ય જન્મ્યો નથી કે પોતાના શરીરને પરિવર્તન પામતું -
ક્ષણભર ને માટે પણ અટકાવી શક્યો હોય.પરિવર્તનોની પરંપરા નું નામ જ શરીર છે.
જેવી રીતે નદીમાં વહેતા જળનો સમૂહ ક્ષણે-ક્ષણે આપણી સમક્ષ -આપણી નજર સામે જ ચાલ્યો જાય છે,
અને બીજો નવો સમૂહ આવ્યા કરે છે,છતાં તેનું સ્વરૂપ એક સમાન જ રહે છે,તેવું શરીરનું છે.

આમ છતાંયે,આ શરીરથી જ યોગ-સાધના કરી શકાય છે અને એ એક જ સાધન છે,એટલે તે શરીરને
મજબૂત અને તંદુરસ્ત રાખવું જ જોઈએ.કારણકે જગતનાં સઘળાં શરીરોમાં મનુષ્ય શરીર ઉચ્ચ છે.
મનુષ્ય જન્મ એ સૌથી શ્રેષ્ઠ જન્મ છે.
નીચલી કોટિનાં જીવો એટલે કે પશુઓ જડ-બુદ્ધિ છે,અને મોટે ભાગે તમોગુણમાંથી ઘડાયા છે.
તેમનામાં ઉચ્ચ વિચારો ઉઠી શકતા નથી.
તેવી જ રીતે દેવો (દેવતાઓ) પણ મનુષ્ય-જન્મ લીધા વિના સીધે સીધા  મુક્તિ મેળવી શકતા નથી.
એટલે મનુષ્ય-જન્મ કે- મનુષ્ય-શરીરથી જ મુક્તિનું સાધન થતું હોવાથી,તેની જાળવણી જરૂરી છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE