આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.આ સાધનાનો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.સાધનામાં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધકને જણાય છે કે-મનનો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીરનો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.
જો શરીર માંદુ પડે કે તંદુરસ્ત બને -તો મન પણ માંદુ કે તંદુરસ્ત થઇ જાય છે,જેમ કે-
મનુષ્ય જયારે ક્રોધમાં આવી જાય,તો મન વ્યગ્ર કે ક્ષુબ્ધ થઇ જાય તો શરીર પણ અસ્વસ્થ થઇ જાય છે.
માનવજાતિના મોટા ભાગના મન ઘણે અંશે શરીરની હકુમત માં હોય છે.કારણકે તેમના મન નો વિકાસ ઘણો ઓછો હોય છે.માનવજાતિનો અતિ-વિશાળ સમુદાય પશુત્વથી બહુ આગળ વધેલો હોતો નથી.અને
એટલું જ નહિ પણ અનેક કિસ્સાઓમાં તો તેમની સંયમ-શક્તિ -નીચલી કોટીના જાનવરો થી સહેજ સાજ જ
ઉંચી હોય છે.આમ,આપણો પણ આપણા મન પર કાબુ ઘણો જ ઓછો હોય છે.
તેથી,એ મન પર કાબૂ લાવવા માટે,શરૂઆતમાં આપણે કેટલીક શારીરિક મદદ લેવી પડે છે.
એટલે સૌ પ્રથમ તો તે શરીર પર કાબૂ મેળવવો પડે છે,અને જયારે તે બરોબર કાબૂમાં આવી જાય ત્યારે,
મનને આપણી ઇચ્છાનુસાર ચલાવી શકાશે,અને તેમ કરવાથી આપણે તે મન પર કાબૂ મેળવી શકીશું.
પછી,આપણને ગમે તે રીતે -તે મન પાસે કામ કરવી શકીશું.અને આપણી ઈચ્છા પ્રમાણે-
મનને તેની શક્તિઓને એકાગ્ર કરવાની ફરજ પાડી શકીશું.
રાજયોગીના મત પ્રમાણે -બાહ્ય જગત એ આંતર (સૂક્ષ્મ) જગતનું સ્થૂળ રૂપ છે.
સૂક્ષ્મ એ હંમેશાં "કારણ-રૂપ" હોય છે,અને સ્થૂળ એ "કાર્ય-રૂપ" .એટલે બાહ્ય-જગત એ "કાર્ય-રૂપ" છે,
અને આંતર જગત એ "કારણ-રૂપ"
અને તેવી જ રીતે બહારનાં બળો (શક્તિ) એ કેવળ સ્થૂળ ભાગો છે અને અંદરનાં બળો તેમના સૂક્ષ્મ ભાગો છે.જે મનુષ્ય પોતાના અંદરનાં પરિ-બળો (શક્તિ) ને શોધી કાઢીને તેને ચલાવતાં શીખ્યો હોય છે,
તેના કાબૂમાં આખી પ્રકૃતિ આવી જાય છે.
યોગી આ સમસ્ત જગત પર સત્તા મેળવવાનું-એટલે કે-સમગ્ર પ્રકૃતિ પર કાબુ ધરાવવાનું મહાન કામ,
પોતાના હાથ પર લેવા માગે છે અને તે એક એવા કેન્દ્રે પહોંચવા ઈચ્છે છે કે-
જેને આપણે "કુદરતના કાયદા" કહીએ છીએ,તેમનો તેના પર જરાય પ્રભાવ નહિ રહે,
જ્યાં તે બધાથી પર થઇ શકશે.એ અંદરની કે બહારની એમ સમસ્ત પ્રકૃતિનો માલિક બનશે.
માનવજાતિની પ્રગતિ (અને સંસ્કૃતિ) નો અર્થ માત્ર એટલો જ છે કે-આ "પ્રકૃતિ" પર "કાબૂ" ધરાવવો.
ભિન્ન ભિન્ન પ્રજાઓ અને સમાજો,પ્રકૃતિ પર કાબૂ મેળવવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ અજમાવે છે.
કેટલાક બાહ્ય પ્રકૃતિ પર કાબૂ મેળવીને કહે છે કે-બાહ્ય પ્રકૃતિ પર કાબૂ મેળવવાથી દરેક વસ્તુ પર કાબૂ
મેળવી શકાય છે.તો કેટલાક આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવીને કહે છે કે-
આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવવાથી બધી વસ્તુ પર કાબૂ મેળવી શકાય છે.
જો કે આ બંને વિચારો ને છેક છેડા સુધી લઇ જવામાં આવે તો બંને સાચા ઠરે છે,કારણકે-
પ્રકૃતિમાં -આંતર કે બાહ્ય -એવા વિભાગ જેવું છે જ નહિ.
આ તો ખોટી કાલ્પનિક મર્યાદાઓ ઉભી કરી છે,તેમનું અસ્તિત્વ કદી હતું જ નહિ.
જેવી રીતે "ભૌતિક વિજ્ઞાની" તેના જ્ઞાનને આગળ લઇ જતાં જતાં- જયારે છેક છેડે લઇ જાય છે,ત્યારે જુએ છે કે-તેનું ભૌતિક જ્ઞાન,ઓગળતું ઓગળતું,"તત્વજ્ઞાન" માં પરિણામ પામવા લાગે છે,
તેવી જ રીતે "તત્વ-જ્ઞાની" ને પણ જણાય છે કે-જેને તે મન અને જડ -દ્રવ્ય-એમ બે જુદા પદાર્થો કહે છે-
તે ભેદ માત્ર દેખાવ પુરતો જ છે,પણ તેમનું ખરું તત્વ તો "એક" જ છે.
સઘળાં વિજ્ઞાનનું "ધ્યેય અને હેતુ" એ "એકતાને" શોધવાનો છે.જેમાંથી એ "બહુત્વ" પેદા થાય છે
તે "એકત્વ" ને ખોળી કાઢવાનો છે.જે "એક" રૂપે વિલસી રહ્યું છે તેને (બ્રહ્મ-પરમાત્માને) પકડવાનો છે.
રાજયોગ -એ આંતર-જગતથી શરુ કરવા માગે છે અને આંતર-પ્રકૃતિ નો અભ્યાસ કરવા માગે છે.
અને તેના દ્વારા આંતર અને બાહ્ય-સમસ્ત પ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે.
આ પ્રયત્ન અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ભારત તેનો ખાસ ગઢ ગણાયું છે.પણ પશ્ચિમ ના બીજા
દેશો માં અને બીજી પ્રજાઓએ પણ તેનો પ્રયત્ન કરી જોયો છે.અને જે લોકો તેની સાધના કરવા જતા,
તેમને જાદુગરો કે ડાકણો -તરીકે ખપાવીને -કાં તો તેમને મારી કે બાળી નાખવામાં આવતા.
ભારત માં પણ વિવિધ કારણો ને લીધે તે વિદ્યા એવા લોકોના હાથમાં પડી કે-જેઓએ તે વિદ્યાનો -
દુરુપયોગ કરી ને નેવું ટકા વિદ્યાનો નાશ કર્યો,અને બચેલીને ગુપ્ત રાખી.
અત્યારના સમયમાં પશ્ચિમના દેશોમાં "રાજયોગ" ના "કહેવાતા-ગુરુઓ" કેટલાય હાલી નીકળ્યા છે,
પણ તે તો પેલા ભારતીય ગુરુઓ કરતાં વધુ ખરાબ છે-કારણકે-
ભારતીય ગુરુઓ તો કંઈક પણ જાણતા હતા,પણ આધુનિક-ગુરુઓ તો તે બાબતમાં સાવ મીંડું છે.