પણ કોઈ એક સમયે,મનુષ્ય 'સત્ય' ને જાણવા કે પામવા-કે તેનો અનુભવ લેવા ઈચ્છે છે,અને જયારે એ કોઈ પ્રયત્ન કરીને સત્યને સમજશે,અને તેનો અનુભવ કરશે,ત્યારે તે "સત્ય" નાં ઊંડાં-ઊંડાણ ને પામશે,અને ત્યારે -કેવળ-ત્યારે જ-વેદો જે બૂમો મારી ને કહે છે-તેમ-"સર્વ સંશયો છેદાઈ જાય છે,સઘળો અંધકાર ઉડી જાય છે,સઘળી વક્રતા સીધી થઇ જાય છે." અને કહેશે-કે-"હે અમૃતત્વના પુત્રો,હે,દિવ્ય ધામના વાસીઓ,સાંભળો,મને અંધકારમાંથી નીકળવાનો માર્ગ મળી ગયો છે"
રાજયોગનું વિજ્ઞાન-એ માનવ જાતિ સમક્ષ "સત્યે" પહોંચવા માટેની
વ્યવહારુ અને વિજ્ઞાનની રીતે જ સિદ્ધ થયેલી પદ્ધતિ રજૂ કરે છે.
સૌ પ્રથમ તો-ખગોળ વિજ્ઞાન શીખીને ખગોળવેતા થવું હોય તો-બેઠા-બેઠા-"ખગોળ-વિદ્યા-ખગોળ-વિદ્યા"
એમ બૂમો મારવાથી તે ખગોળ વિદ્યા આવડે નહિ,પણ,વેધ-શાળામાં જવું પડે અને દુરબીન લઈને
તારાઓ અને ગ્રહોનો અભ્યાસ કરવો પડે.-અને ત્યારે ખગોળવેતા થવાય.
કોઈ કથાકાર હજારો ધાર્મિક કથાઓ કહે,પણ જ્યાં સુધી મનુષ્ય -તેને સૂચવેલી પદ્ધતિ મુજબ સાધના ન કરે-
તો તે કથાઓથી જ-માત્ર મનુષ્ય ધાર્મિક થઇ જતો નથી.
જે,પવિત્ર,નિસ્વાર્થ અને જ્ઞાની -મહાપુરુષો થઇ ગયા,કે જેમનો જગતનું ભલું કરવા સિવાય કોઈ બીજો હેતૂ
નહોતો,તેઓ ઘોષણા કરે છે કે-"ઇન્દ્રિયો આપી શકે,તેના કરતાં વધુ ઉચ્ચ કોઈ સત્ય અમને લાધ્યું છે"
અને તેની પરીક્ષા કરી જોવા માટે તેઓ આમંત્રણ આપે છે.
અને તેઓ આપણને તેમણે દર્શાવેલી પદ્ધતિને અપનાવીને પ્રમાણિકપણે સાધના કરવાનું કહે છે.
અને એ પ્રમાણે સાધના કર્યા પછી,જો આપણને તે ઉચ્ચ સત્ય સોંપડે નહિ-તો જ -
"તેઓના દાવામાં કશું વજુદ નથી" એમ કહેવાનો આપણને અધિકાર છે,
પણ અનુભવ કર્યા પહેલાં જ તેઓના કથનના "સત્ય" ને કાઢી નાખવું તે ન્યાય-સંગત નથી.
માટે,આપણે તેમણે દર્શાવેલી પદ્ધતિ મુજબ સાધના જો શ્રદ્ધા-પૂર્વક કરીએ તો પ્રકાશ(જ્ઞાન-સત્ય) આવશે જ.
જ્ઞાન-મેળવાની ક્રિયામાં આપણે જે,સર્વ-સામાન્ય (કોમન) નિયમનો ઉપયોગ કરીએ છીએ,
તેનો આધાર છે-"નિરીક્ષણ" (જોવું-નિહાળવું).
આપણે સૌ પ્રથમ નિરીક્ષણ કરીએ છીએ અને પછી,તે નિરીક્ષણ પરથી એક સામાન્ય (કોમન) નિયમ
તારવીએ છીએ,અને તેના બાદ,"નિર્ણય" કે "સિદ્ધાંત" બાંધીએ છીએ.
બાહ્ય જગત (બાહ્ય-પ્રકૃતિ)ની ઘટનાઓનું નિરીક્ષણ કરવું પ્રમાણમાં સહેલું છે,વળી તેના માટે ઘણાં સાધનો
પણ ખોળાયાં છે,પણ,આંતર-પ્રકૃતિ (આંતર-જગત) નું નિરીક્ષણ કરવા માટે કોઇજ સાધન આપણી પાસે નથી.
મન -વિચાર-અને આંતર-પ્રકૃતિ ના સંબંધનું જ્ઞાન -સૌ પ્રથમ આપણે જ્યાં સુધી મનની અંદર ચાલી રહેલી હકીકતોનું નિરીક્ષણ કરવાની શક્તિ ન મેળવીએ ત્યાં સુધી કદી મળી શકે નહિ.
ખરેખરું વિજ્ઞાન પ્રાપ્ત કરવા "નિરીક્ષણ" અને તેનું યોગ્ય "પૃથક્કરણ" એ મહત્વનું છે.
નહિ તો તે વિજ્ઞાન નકામું છે અને તે -માત્ર સિદ્ધાંત-નિરૂપણ તરીકે જ રહે છે.
અને આ જ કારણસર થોડાક ગણ્યાગાંઠ્યા મનોવિજ્ઞાનીઓએ આ નિરીક્ષણના સાધનો શોધી કાઢ્યાં,
પણ તે સિવાયના બધા જ અનાદિ કાળથી આપસમાં ઝગડા કરતા આવ્યા છે.
રાજયોગ વિજ્ઞાન,સૌથી પહેલું-તો આપણી અંદરની અવસ્થાઓનું નિરીક્ષણ કરવાનું
"સાધન" આપવા માંગે છે, અને એ "સાધન" છે "મન" પોતે જ.
"ધ્યાન" દેવાની શક્તિને જયારે "યોગ્ય-દોરવણી" આપીને અંદરની દુનિયા તરફ વાળવામાં આવે છે,
ત્યારે તે મનનું પૃથક્કરણ કરી બતાવે છે,હકીકતોને પ્રકાશમાં લાવે છે.
"મન" ની શક્તિઓ તે "વિખરાઈ ગયેલા કિરણો" જેવી છે,
જયારે તેમને એકાગ્ર કરવામાં આવે છે ત્યારે તે,અત્યંત "પ્રકાશ" (જ્ઞાન) આપે છે.
જ્ઞાન-મેળવવાનું આપણી પાસે આ એકમાત્ર સાધન છે.અને
સૌ કોઈ તેનો બાહ્ય કે આંતર જગત -બંને માટે તેનો ઉપયોગ કરે છે.
પણ જે બારીક-નિરીક્ષણ -ભૌતિક વિજ્ઞાની-બાહ્ય-જગતમાં કરે છે,તેટલું જ-
મનોવિજ્ઞાનીએ આંતર-જગતમાં કરવાનું છે.અને એના માટે ઘણી જ સાધનાની જરૂર પડે છે.