Nov 26, 2014

પતંજલિના યોગસૂત્રો-44-Yogsutra of Patanjali-Gujarati

  • तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः (૪૯)

તે પછી શ્વાસોશ્વાસ ની ગતિના નિયમન-રૂપ "પ્રાણાયામ" આવે છે. (૪૯)

જયારે આસન સિદ્ધ થાય પછી,"પ્રાણ ની ગતિ" ને કાબુમાં લઈને તેને કેળવવાની હોય છે.
એટલે કે હવે-"પ્રાણાયામ" યાને "શરીરનું  જીવન ધારક બળ" યાને "પ્રાણ ની ગતિ-શક્તિ" પરના
કાબૂ નો વિષય હવે શરુ થાય છે.

આગળ બતાવ્યું તેમ-"પ્રાણ" એટલે "શ્વાસ" નહિ, (સામાન્ય રીતે પ્રાણ નો અનુવાદ શ્વાસ કરવામાં આવે છે)
પણ "પ્રાણ" એટલે "વિશ્વની શક્તિનો એકંદર સરવાળો"
યાને "સમષ્ટિ-વિશ્વ- શક્તિ". અને આ જ પ્રાણ એ "વ્યક્તિ-શક્તિ" તરીકે દરેકેદરેક માં રહેલી "શક્તિ" છે.
અને તેનું સ્પષ્ટ માં સ્પષ્ટ કાર્ય કે જે દેખી શકાય છે તે-"ફેફસાં ની ઉંચી-નીચી-ગતિ"
આ ગતિ (ફેફસાં ની ગતિ)-એ પ્રાણ-શક્તિ શ્વાસ ને અંદર ખેંચે છે,તેથી ઉત્પન્ન થાય છે.

અને પ્રાણાયામ માં જેના પર કાબૂ મેળવવાનો છે તે -આ "ગતિ" (ફેફસાં ની ગતિ) છે .
પ્રાણ-શક્તિ (પ્રાણની ગતિ-શક્તિ) પર કાબૂ મેળવવાના સહેલામાં સહેલા ઉપાય તરીકે -
સામાન્ય-રીતે- શ્વાસ ને "નિયમિત" કરીને તેની શરૂઆત થાય છે.

  • बाह्याभ्यन्तरस्तम्भवृत्तिः देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः (૫૦)

પ્રાણાયામ ના પ્રકારો છે-બાહ્ય-આંતરિક અને ગતિ-રહિત,
વળી તે દેશ-કાળ અને સંખ્યા વડે નિયમિત હોય,અને લાંબા કે ટૂંકા હોય. (૫૦)

પ્રાણાયામ ની ત્રણ પ્રકારની ગતિઓ ને પાછળ થી નામ આપ્યું છે.-પૂરક-રેચક અને કુંભક.
કે જેમાં પૂરક માં શ્વાસ ને અંદર લેવામાં આવે છે,રેચક માં શ્વાસ ને બહાર કાઢવામાં આવે છે,અને
જેમાં શ્વાસ ને ફેફસાં ની અંદર રોકી રાખવો કે શ્વાસ ને બહાર રોકીને ફેફસામાં પ્રવેશ કરતો રોકી
રાખવામાં આવે તેને કુંભક કહે છે.(આ કુંભક માં શ્વાસ-ગતિ રહિત હોય છે)

આ ત્રણે ક્રિયાઓમાં દેશ અને કાળ પ્રમાણે ફેરફાર થાય છે.
"દેશ" નો અર્થ એ કે-પ્રાણને શરીર ના "કોઈ વિશિષ્ઠ ભાગમાં" રોકી રાખવામાં આવે.અને
"કાળ" નો અર્થ છે કે-પ્રાણ ને "અમુક-ભાગમાં-કેટલા સમય સુધી રાખવો"
પતંજલિ એ અહીં કોઈ વિશિષ્ઠ નિયમો બતાવ્યા નથી.(પાછળથી પ્રાણાયામની વિગતો ઉમેરાઈ છે)
(આ પ્રાણાયામ નું ફળ છે-ઉદઘાટ યાને કુંડલિની શક્તિ ની જાગૃતિ)

  • बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः (૫૧)
પ્રાણાયામ નો "ચોથો" પ્રકાર છે-બાહ્ય કે આંતર -વિષય ના ચિંતન દ્વારા પ્રાણ નું નિયમન (૫૧)

આગળ ના ત્રણ પ્રકારોમાં 'ચિંતન" હોતું નથી,અહીં બાહ્ય-કે આંતર-વિષયો નું ચિંતન હોય છે.
(કે જે લાંબા સમયના અભ્યાસ દ્વારા કુંભક થી સિદ્ધ કરવામાં આવે છે)

  • ततः क्षीयते प्रकाशावरणम्  (૫૨)

તેનાથી (પ્રાણાયામથી)  ચિત્ત ના પ્રકાશ પર નું આવરણ ક્ષીણ થાય છે. (૫૨)

ચિત્ત ની અંદર સ્વભાવથી જ સર્વ જ્ઞાન રહેલું હોય છે,તે બનેલું છે -"સત્વ તન્માત્રાઓ" થી -
પણ રજસ અને તમસ-તન્માત્રા ઓથી ઢંકાઈ ગયેલું હોય છે,પ્રાણાયામ થી આ આવરણ દૂર થાય છે.

   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE