- द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः (૨૦)
દ્રષ્ટા (આત્મા) ચૈતન્ય-માત્ર છે અને શુદ્ધ હોવાં છતાં બુદ્ધિ દ્વારા જુએ છે. (૨૦)
આગળ આપણે જોઈ ગયા કે-નીચામાં નીચા જડ પદાર્થ થી લઈને બુદ્ધિ સુધીનું-સર્વ કંઈ પ્રકૃતિ-રૂપ છે.
પ્રકૃતિ થી પર પુરુષ (આત્મા) છે.અને તે નિર્ગુણ (કોઈ પણ ગુણ વિનાનો) છે.તેને કોઈ સુખ-દુઃખ નથી.
પણ જેવી રીતે સ્વચ્છ સ્ફટિક ની પાસે જો લાલ રંગનું ફુલ મુકવામાં આવે તો તે સ્ફટિક લાલ દેખાય છે,
તેવી રીતે આત્મા નાં જે સુખ-દુઃખ દેખાય છે તે -કેવળ સુખ-દુઃખ નાં પ્રતિબિંબો જ છે.
આત્મા નો કોઈ રંગ નથી,અને તે પ્રકૃતિ થી અલગ છે.પ્રકૃતિ એક વસ્તુ છે તો આત્મા બીજી વસ્તુ છે.
સાંખ્યો કહે છે કે-બુદ્ધિ એ મિશ્રણ છે,એ વધે છે અને ઘટે છે.જેમ શરીરમાં ફેરફાર થાય છે તેમ બુદ્ધિમાં પણ ફેરફાર થાય છે.એટલે તે બુદ્ધિ નો સ્વભાવ એ શરીરના જેવો જ છે.
જેમ નખ-એ "શરીર"નો બહારનો અંશ છે,અને એજ શરીર એ "બુદ્ધિ" નો બહારનો અંશ છે.
એ શરીરનો અંશ ખરો,પણ તેને સેંકડો વાર કાપી શકાય છે-અને તેમ છતાં શરીર ટકી રહે છે.
એ જ પ્રમાણે બુદ્ધિ વર્ષો સુધી ટકી રહે,ભલે આ શરીર ને અળગું કરી દેવામાં આવે તો પણ....
પણ આમ છતાં એ બુદ્ધિ અજર-અમર નથી કારણકે તેમાં પરિવર્તન થાય છે (વધે છે-ઘટે છે)
અને જે વસ્તુમાં પરિવર્તન થાયતે નાશ વગર ની હોઈ શકે નહિ.
એટલે બુદ્ધિ એ અવશ્ય ઉત્પન્ન થયેલો પદાર્થ છે.અને તેથી એ બતાવે છે કે-તેનાથી ચડિયાતું કંઈક હોવું જ જોઈએ.બુદ્ધિ એ સ્વતંત્ર હોઈ શકે જ નહિ.કારણકે જડ દ્રવ્ય સાથે સંબંધિત સર્વ કંઈ એ-પ્રકૃતિ ની અંદર છે.
અને તેથી તે બુદ્ધિ સદાને માટે પરતંત્ર છે.
તો પછી "મુક્ત" કોણ છે? જે "મુક્ત" હોય તે કારણ અને કાર્ય થી પર હોય.
જો કોઈ એમ કહે કે "મુક્તિ" નો ખયાલ એ "ભ્રમ" છે-તો યોગી કહે છે કે-"બંધન" નો ખયાલ પણ "ભ્રમ" છે.
મુક્તિ-અને-બંધન- એ બંને હકીકતો નું આપણ ને ભાન થાય છે,એટલે તે બંને ટકી રહે કે ના ટકી રહે,
પણ તે બંને એક-બીજા ની સાથે છે જ.
જો આપણે એક દિવાલ ની સાંસરું જવું હોય,અને જો આપણું માથું ભટકાય,તો આપણ ને લાગે છે કે-
આપણે "મર્યાદિત" છીએ.(એમ કરી શકીએ તેમ નથી)-પણ સાથોસાથ -
આપણી અંદર એક "ઈચ્છા-શક્તિ" રહેલી પણ જણાય છે-અને તેથી આપણને લાગે છે કે-
આપણે આપણી ઈચ્છા મુજબ બધે જઈ શકીએ છીએ.
પગલે અને પગલે આવા પરસ્પર વિરોધી વિચારો આપણા મનમાં ઉઠે છે.
આપણને એમ માન્યા વિના ચાલતું નથી કે -અને કહીએ છીએ કે "આપણે સ્વતંત્ર" છીએ" પણ તેમ છતાં,
હર-ક્ષણે આપણ ને અનુભવ થાય છે કે આપણે-સ્વતંત્ર નથી ( "પર-તંત્ર" છીએ.)
એટલે અહીં જો એક વિચાર-એ ભ્રમ હોય તો બીજો વિચાર પણ ભ્રમ જ છે.અને જો
એક વિચાર સાચો હોય તો બીજો વિચાર પણ સાચો છે. કારણ કે બંને નો આધાર છે-"જ્ઞાન"