સાંખ્યો ની આ સ્પષ્ટતા થી હવે ઉપર ના સૂત્ર ને સમજવામાં આસાની થઇ જાય છે.
સૂત્રમાં કહ્યું છે કે -ગુણો ની અવસ્થા,સ્પષ્ટ,અસ્પષ્ટ,ચિહ્ન-માત્ર-રૂપ અને ચિહ્ન-રહિત છે.
અહીં "સ્પષ્ટ" એટલે "સ્થૂળ ભૂતો" કે જેમનો આપણે અનુભવ કરી શકીએ છીએ.
"અસ્પષ્ટ" એટલે "અતિ-સૂક્ષ્મ-ભૂતો" યાને "તન્માત્રાઓ" કે જેનો -
સામાન્ય માણસોને અનુભવ થઇ શકતો નથી.
તો પણ પતંજલિ કહે છે કે-જો તમે યોગનો અભ્યાસ કરો તો અમુક સમય પછી,"સંવેદન-શક્તિ"
એવી સૂક્ષ્મ બને છે કે-તન્માત્રાઓ ને ખરેખર જોઈ શકાય છે.
દાખલા તરીકે-દરેક મનુષ્ય ના (દરેક જીવતા પ્રાણીના) શરીરમાંથી એક પ્રકારનું તેજ નીકળ્યા કરે છે,
અને પતંજલિ કહે છે કે-એ તેજ માત્ર યોગીઓ જ જોઈ શકે છે.
આપણે બધા તે તેજ ને જોઈ શકતા નથી,તો પણ તે તન્માત્રાઓ બહાર કાઢીએ તો છીએ જ.
જેવી રીતે ફૂલમાંથી નિરંતર સૂક્ષ્મ-પરમાણુઓ બહાર નીકળ્યા કરે છે અને આપણ ને તેની સુગંધ આવે છે,
તેવી રીતે આપણી જિંદગીમાં,રોજે રોજ શુભ કે અશુભ તન્માત્રાઓના સમૂહ ને બહાર કાઢ્યે જઈએ છીએ.
અને આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં વાતાવરણ પણ વિવિધ (જુદા જુદા અસંખ્ય) મનુષ્યો ની તન્માત્રાઓ થી ભરેલું હોય છે.
અને આવા કારણસર જ-પણ- માનવ-મનમાં અજાણ-પણે-મંદિરો કે દેવળો બાંધવાનો વિચાર આવ્યો હશે.
નહિતર ઈશ્વર ની ઉપાસના કરવા માટે મનુષ્ય ને દેવળ કે મંદિર બાંધવાની શી જરૂર હતી?
ઈશ્વર ની ઉપાસના તો ગમે ત્યાં થઇ શકે.
મનુષ્ય ને આ કારણ ન જાણવા છતાં -કદાચ જણાયું હશે કે-કોઈ એક સ્થળે વધુ લોકો ઈશ્વરની ઉપાસના
કરે તે સ્થળ "શુભ-તન્માત્રાઓ" થી ભરેલું બને છે.દરરોજ ત્યાં લોકો જાય,અને જેમજેમ વધુ જાય તેમતેમ
તે સ્થળ વધુ ને વધુ પવિત્ર થતું જાય.
અને જો -જેનામાં સત્વ-ગુણ વધારે ના હોય તેવો મનુષ્ય -તેવા સ્થળે જાય તો તે સ્થાન નો પ્રભાવ તેના પર પડે છે અને તેની અંદરના સત્વગુણ ને (તે સ્થળ) જગાવી દેશે.
આ રીતે સઘળાં મંદિરો અને તીર્થ-સ્થાનો નું રહસ્ય અહિયાં -આ રીતે રહેલું છે.
પરંતુ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે-તે સ્થાનો ની પવિત્રતા નો આધાર,ત્યાં એકઠા થતા,
પવિત્ર લોકો પર રહેલો છે.પણ મનુષ્ય ની મુશ્કેલી એ છે કે-તેઓ મૂળ વાત ને ભૂલી જાય છે,
અને ગાડીને ઘોડા ની આગળ જોડે છે.
પહેલા-સહુ પ્રથમ તો-આવા સ્થાનો ને પવિત્ર બનાવનાર મનુષ્યો હતા,અને પછી,
કાર્ય-પોતે જ કારણ-રૂપ બન્યું,અને એ જ સ્થાનોએ મનુષ્ય ને પવિત્ર બનાવવા માંડ્યા.
પણ જો એ સ્થળે જો માત્ર દુષ્ટ લોકો જ જતા હોય તો તે સ્થળ,બીજા કોઈ અનાચારના સ્થળ જેવું જ ખરાબ થઇ જાય.આમ, મનુષ્ય જ મંદિર ને "મંદિર-પણું" આપે છે.એ વાત હંમેશાં ભૂલાઈ જાય છે.
આવા જ કારણોસર,ઋષિઓ-સંતો અને જેમનામાં સત્વ-ગુણ ઘણો વધારે હોય છે તેવા પવિત્ર પુરુષો
પોતાના માંહેનો સત્વ-ગુણ બહાર (તન્માત્રાઓ દ્વારા) ફેલાવી શકે છે.અને પોતાની આસપાસના
વાતાવરણ પર દીન-રાત જબરદસ્ત પ્રભાવ પાડી શકે છે.
મનુષ્ય એટલી હદે પવિત્ર થઇ શકે છે કે-તેની પવિત્રતા જાણે કે આપણને સ્પર્શ કરતી હોય એમ લાગે.
અને એવા પવિત્ર સાધુ-પુરુષના સમાગમમાં જે કોઈ પણ આવે તે પણ પવિત્ર બને છે.
આ રીતે સ્પષ્ટ અને અસ્પષ્ટ -ગુણો ની અવસ્થા વિષે જાણ્યા પછી,
લિંગ-માત્ર (ચિહ્ન-માત્ર) વિશેનો વિચાર કરીએ.
લિંગ-માત્ર નો અર્થ છે-"બુદ્ધિ-તત્વ" કે જે પ્રકૃતિ ની પ્રથમ "અભિવ્યક્તિ" છે.
તેમાંથી પછી બીજા બધા પદાર્થો બહાર આવે છે અને છેલ્લે છે-"અલિંગ-માત્ર" (ચિહ્ન-વિનાનો) દ્રષ્ટા....