- विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि (૧૯)
સ્પષ્ટ,અસ્પષ્ટ,ચિહ્ન (લિંગ) માત્ર,અને ચિહ્ન(લિંગ) રહિત --એ ગુણો ની અવસ્થા છે. (૧૯)
યોગ-શાસ્ત્ર એ સાંખ્ય-દર્શન ના આધારે રચાયેલું છે.અને આ ગુણો વિશેના સૂત્ર ને સમજવા માટે,
સાંખ્ય-દર્શન પ્રમાણેની "જગત-રચના" વિષે અહીં ફરીથી વિવરણ કરતાં કહે છે કે-
સાંખ્ય-દર્શન પ્રમાણે "પ્રકૃતિ" એ જગત (રચના) નું ઉપાદાન અને નિમિત્ત-"કારણ" છે.
આ પ્રકૃતિ ના ત્રણ ગુણો છે-સત્વ-રજસ અને તમસ.
તમસ -એટલે જે કંઈ અંધકારમય,અજ્ઞાન-પૂર્ણ અને જડ છે તે બધું,
રજસ- એટલે જે કંઈ ક્રિયાશીલ અને ગતિ-રૂપ છે-તે,અને સત્વ-એટલે સ્થિરતા,પ્રકાશ.
સૃષ્ટિ (જગત) ની રચના થવાના પૂર્વે-પ્રકૃતિ ને અવ્યકત (અસ્પષ્ટ) અવિભિન્ન અને અવિભક્ત કહેવામાં આવે છે,એટલે કે જેનામાં નામ કે રૂપ નો કશો ભેદ હોતો નથી,એવી અવસ્થા.
આ અવસ્થા ની અંદર પ્રકૃતિના એ ત્રણે ગુણો (સત્વ-રજસ-તમસ) સમતુલામાં હોય છે.
પણ પછી એ સમતુલા નો ભંગ થાય છે.અને એ ત્રણે ગુણો વિવિધ પ્રકારે મિશ્રિત થવા લાગે છે.અને,
પરિણામે જગતની ઉત્પત્તિ થાય છે.
દરેક મનુષ્યમાં આ ત્રણે ગુણો રહેલા હોય છે,
જયારે સત્વ-ગુણ પ્રબળ થાય ત્યારે-જ્ઞાન નો ઉદય થાય,
રજોગુણ પ્રબળ થાય-ત્યારે ચંચળતા-ક્રિયાશીલતા વધે.અને
તમોગુણ પ્રબળ થાય ત્યારે અંધકાર,આળસ,જડતા અને અજ્ઞાન આવે.
સાંખ્ય-મત પ્રમાણે,ત્રણ-ગુણોવાળી "પ્રકૃતિ" ની સર્વોચ્ચ અભિવ્યક્તિને-"મહત્" કે "બુદ્ધિ-તત્વ" (સમષ્ટિ-બુદ્ધિ)
કહેવામાં આવે છે.દરેક માનવ ની બુદ્ધિ તેનો (મહત્ નો ) "અંશ" છે.
સાંખ્યો કહે છે કે-મન અને બુદ્ધિ ના કાર્ય માં સ્પષ્ટ તફાવત છે.
મન નું કાર્ય છે માત્ર "સંવેદનો" ને એકઠાં કરીને બુદ્ધિ (એટલે કે વ્યષ્ટિ-બુદ્ધિ-મહત્) પાસે લઇ જઈને
રજૂ કરવાનું,પછી બુદ્ધિ તેના પર નિર્ણય બાંધે.
"મહત્" તત્વ માંથી "અહં-તત્વ" ઉત્પન્ન થાય છે અને અહં-તત્વમાંથી સૂક્ષ્મ-તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે.
અને સૂક્ષ્મ તન્માત્રાઓનું "મિશ્રણ" થાય છે અને તેમાંથી "સ્થૂળ-ભૂતો" ઉત્પન્ન થાય છે.અને
"બાહ્ય-જગત" ઉત્પન્ન થાય છે.
સાંખ્ય દર્શન નો એવો દાવો છે કે-બુદ્ધિ થી માંડીને પથ્થરના ટુકડા સુધીના બધા જ પદાર્થો -
"એક જ" પદાર્થ માંથી બનેલા છે. અને તેઓમાં જે કોઈ તફાવત છે તે તેમના "અસ્તિત્વ"ની
"સૂક્ષ્મતા-કે-સ્થૂળતા" ના લીધે છે. સૂક્ષ્મ-અવસ્થા એ "કારણ" છે ને સ્થૂળ અવસ્થા એ "કાર્ય" છે.
સાંખ્યો કહે છે કે-સમસ્ત પ્રકૃતિ થી પર "પુરુષ" (આત્મા) રહેલો છે.તે બિલકુલ જડ કે ભૌતિક નથી.
આ "પુરુષ" એ બીજી કોઈ વસ્તુ-બુદ્ધિ,મન,તન્માત્રાઓ,કે સ્થૂળ ભૂતો ની સમાન નથી.કે
આમાંની કોઈ વસ્તુ સાથે તે મળતો પણ આવતો નથી.
પરંતુ તે સંપૂર્ણ રીતે અલગ અને તેના સ્વભાવમાં પણ સંપૂર્ણ રીતે જુદો પડે છે.અને
કારણકે તે (આત્મા) કોઈ સંમિશ્રણ ના પરિણામ રૂપે નથી,એટલે તે "મૃત્યુ-રહિત" છે.
અને એ પુરુષો કે આત્માઓની સંખ્યા અનંત છે.