Nov 15, 2014

પતંજલિના યોગસૂત્રો-33-Yogsutra of Patanjali-Gujarati

  • द्रष्टृदृश्ययोः संयोगो हेयहेतुः (૧૭)

ત્યાગ કરવાયોગ્ય છે (તે દુઃખ નું કારણ) દ્રષ્ટા અને દૃશ્ય નો સંયોગ. (૧૭)

દ્રષ્ટા કોણ ? મનુષ્ય નો આત્મા (પુરુષ)
દૃશ્ય એટલે શું? મન થી શરુ કરીને જડ દ્રવ્ય સુધીની સમસ્ત "પ્રકૃતિ"
સઘળા પ્રકારના સુખો અને દુઃખો આ પુરુષ (આત્મા) અને મન (પ્રકૃતિ) ના સંયોગ માંથી પેદા થાય છે.
અહીં એ યાદ કરવું જરૂરી બને છે કે-યોગ-દર્શન ની ફિલસુફી મુજબ-પુરુષ (આત્મા) શુદ્ધ છે,પણ
જયારે તે પ્રકૃતિ સાથે જોડાય છે ત્યારે સુખ-કે દુઃખ નું પ્રતિબિંબ તેના પર પડે છે,અને
તેથી તે (આત્મા) સુખી કે દુઃખી દેખાય છે.

  • प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गार्थं दृश्यम् (૧૮)

દૃશ્ય એટલે પંચ-મહાભૂત અને ઇન્દ્રિયોનું બનેલું જગત.પ્રકાશ-ક્રિયા-અને જડતા તેનું સ્વરૂપ છે.અને તે
દ્રષ્ટા (આત્મા) ને ભોગ અને મુક્તિ આપવા માટે છે. (૧૮)

દૃશ્ય એટલે "પ્રકૃતિ" અને તે- પ્રકૃતિ -આ સમસ્ત જગત જેનું બનેલું છે,તે -સ્થૂળ અને સૂક્ષ્મ પંચમહાભૂતો,
જ્ઞાનેન્દ્રિયો,મન-વગેરે ની બનેલી છે.અને-
પ્રકાશ (સત્વ) ક્રિયા (રજસ) અને જડતા (તમસ) -એવા ત્રણ ગુણ ના સ્વરૂપ ની છે.

આ સમસ્ત પ્રકૃતિ નો હેતુ શું? તો કહે છે કે- "પુરુષ (આત્મા) ને અનુભવ કરાવવાનો"
પુરુષ (આત્મા) પોતાનો મહિમા-દિવ્ય સ્વભાવ -જાણે કે- ભૂલી ગયો છે.
પુરુષ જયારે પ્રકૃતિ ની સાથે તદ્રુપ થઇ જાય છે ત્યારે તે પોતે "શુદ્ધ અને અનંત છે" એ ભૂલી જાય છે.

એ પુરુષ (આત્મા) પ્રેમ કરતો નથી કે પ્રેમ આપતો નથી કારણકે તે પોતે જ "પ્રેમ-સ્વરૂપ" છે.
તે અસ્તિત્વમાં આવે એમ નથી કારણકે તે પોતે જ "અસ્તિત્વ-સ્વરૂપ" છે.
તેને જ્ઞાન થવા પણું નથી કારણકે તે પોતે જ "જ્ઞાન-સ્વ-રૂપ" છે.

આ માયા (પ્રકૃતિ) ના રાજ્યમાં જ્યાં બધું જ દુઃખ-રૂપ છે,જ્યાં રુદન અને આંસુઓ ભર્યા છે,ત્યાં,
થોડા સુવર્ણ ના લખોટા ગબડાવવામાં આવે છે,અને દુનિયા આખી તેની પાછળ પડાપડી કરી રહે છે.
આ જગતમાં સર્વે ની આવી જ દશા છે.પ્રકૃતિ જોડે કશું "બાંધવા  જેવું" છે જ નહિ પણ બધા બંધાય છે.

યોગી કહે છે કે-પ્રકૃતિ સાથે સંયોગ કરીને એટલેકે-મનથી સંસાર સાથે,તન્મય થઈને પુરુષ પોતાને સુખી માને છે.પણ તે સાચું સુખ નથી.અને  તેમાંથી બહાર નીકળવાનો માર્ગ માત્ર-એ-તેનો  પોતાનો  "અનુભવ"  જ છે.
આ બધો અનુભવ લેવાનો પણ તેને જલ્દી પુરો કરી દેવાનો.
આ સંસાર-જાળ માં મનુષ્ય જાતે જ પેસે છે અને તેને જાતે જ તે જાળ માંથી બહાર નીકળવાનું છે.
તેથી મનુષ્ય ભલે પતિ,પત્ની,સંતાન,મિત્ર -વગેરે નો અનુભવ લે,પણ પોતાના સાચા સ્વરૂપ ને ભૂલે નહિ,
તો તે આ અનુભવોમાંથી સહેલાઈથી અને સહીસલામત નીકળી શકે છે.

એટલે અહીં એક વાત કદી ભુલવી નહિ જોઈએ- કે સંસાર એ એક ક્ષણિક અવસ્થા છે.અને આપણે તેમાંથી થઈને બહાર નીકળવાનું છે.અને આ દરમિયાન થતો સુખ-દુઃખ નો અનુભવ એ જ એકમાત્ર મોટો ગુરૂ છે.

વળી, આપણે કદી એક ક્ષણ પણ-આપણા મૂળ-સ્વ-રૂપ (આત્મા) ને ભૂલવાનું નથી.



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE