- ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् (૧૪)
પુણ્ય અને પાપ રૂપી "કારણો" નાં ફળ-રૂપે થયેલ કર્મો (કાર્યો) સુખ-દુઃખ આપે છે. (૧૪)
- परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच् च दुःखम् एव सर्वं विवेकिनः (૧૫)
દરેક વસ્તુ-કાં તો પરિણામ-રૂપે (દુઃખ આપે છે) અથવા,સુખ ના નાશ ની આશંકા-રૂપે (દુઃખ આપે છે),
અથવા તો સુખભોગ ના સંસ્કારમાંથી ઉપજતી લાલસા-રૂપે (દુઃખ આપે છે),અને
(સત્વ-રજસ-તમસ) ગુણો ની પરસ્પર વિરોધી ક્રિયા-રૂપે -પણ દુઃખ-દાયક નીવડે છે,કે જે વિષે-
વિવેકી-પુરુષ સર્વ કંઈ જાણે છે.(ઉપરનું સર્વ દુઃખ દેનાર છે) (૧૫)
યોગીઓ કહે છે કે-જે મનુષ્યમાં વિવેક-શક્તિ (સદ-બુદ્ધિ) હોય છે,તેવો મનુષ્ય જે જે બધાં સુખ કે દુઃખ-રૂપે
કહેવાય છે,તેનું રહસ્ય સમજી જાય છે,અને તે જાણે છે કે-તે બધાં (સુખ-દુઃખ) એક પછી એક આવ્યા કરે છે,
અને એક-બીજામાં ભળી જાય છે. તે જુએ છે કે-મનુષ્યો આખી જિંદગી ઝાંઝવા ના જળ ની પાછળ ભટકતા રહે છે,પણ તેમની વાસનાઓની કદી તૃપ્તિ થતી નથી.
મહારાજા યુધિષ્ઠિરે એકવાર કહેલું કે-જીવનમાં નવાઈ-ભરી વસ્તુ એ છે કે-આપણી આજુબાજુ હર ક્ષણે
મનુષ્યોને મૃત્યુ પામતા જોઈએ છીએ અને તે છતાં પણ આપણ ને લાગે છે કે આપણે કદી મરવાના નથી.
ચારે બાજુ મૂર્ખાઓ હોવાં છતાં માનવી માને છે કે-પોતે એક જ અપવાદ-રૂપ અને જ્ઞાની છે.
ચારે બાજુ અસ્થિરતા ના અનુભવો નજરે ચડવા છતાં,માનવી માને છે કે-પોતે અને પોતાનો પ્રેમ -
એક માત્ર શાશ્વત અને સ્થિર છે. આમ બની શકે નહિ.પ્રેમ-સુધ્ધાં સ્વાર્થ-પૂર્ણ છે.
એટલે યોગી-પુરુષ કહે છે કે-મિત્રોનો,સંતાનોનો,પતિ-પત્ની નો પ્રેમ સુધ્ધાં ધીરે ધીરે ઓસરતો જાય છે.
આ જીવનમાં દરેક વસ્તુ નો ક્ષય થાય છે,
માટે, જયારે બધી વસ્તુઓ-કે પ્રેમ સુધ્ધાં નિષ્ફળ જતો લાગે ત્યારે ચમકારા ની પેઠે માનવી ને લાગે છે કે આ સંસાર કેવો વ્યર્થ છે.ત્યારે તેને વૈરાગ્ય ની ઝાંખી થાય છે.સંસાર ની પેલે પારનું કંઈક દર્શન થાય છે.
સંસાર ને વળગી રહેવાથી નહિ પણ આ સંસાર નો ત્યાગ કરવાથી જ અલૌકિક વસ્તુ મળે છે.
આજ સુધી એવો એકે મહાન પુરુષ થયો નથી કે જેને પોતાના મહાન પદની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોનાં સુખો
અને ભોગો છોડવા પડ્યાં ના હોય.
દુઃખ નું કારણ પ્રકૃતિનાં જુદાંજુદાં બળોના સંઘર્ષમાં જ રહેલું છે. એક એક બાજુ તાણે અને બીજું બીજી બાજુ.
આ ખેંચ-તાણ ને લીધે જ શાશ્વત સુખ અશકય બને છે.
- हेयं दुःखम् अनागतम् (૧૬)
જે દુઃખ હજુ આવ્યું નથી (પણ આવવાનો સંભવ છે) તેને અટકાવવું જોઈએ. (૧૬)
કેટલાંક કર્મો આપણે ભોગવી લીધાં છે,કેટલાંક અત્યારે વર્તમાનમાં ભોગવી રહ્યા છીએ અને
કેટલાંક ભવિષ્યમાં ફળ દેવાની રાહ જોઈને ઉભા છે.
જે કર્મો આપણે ભોગવી લીધાં તેનો તો જાણે હિસાબ પતી ગયો,અને જે ભોગવી રહ્યા છીએ,તે ભોગ ચાલુ છે,
એટલે માત્ર જે કર્મો ભવિષ્યમાં ફળ આપવાની રાહ જોઈને બેઠા છે તેમને આપણે કાબૂમાં લાવી શકીએ.
અને એ ધ્યેય માટે જ આપણી બધી શક્તિ કામે લગાડવી જોઈએ.
આગળ પતંજલીએ જે કહ્યું (૨-૧૦) તે મુજબ-
સંસ્કારો ને તેમની કારણ-અવસ્થા પર પહોંચાડીને તેમના પર કાબુ મેળવવાનો છે.