હે,રામ,હવે હું,અત્યંત બુદ્ધિ-વાળાઓ ના પ્રાણ-રૂપ
અને જ્ઞાન નો વિસ્તાર કરનારું આ “શાસ્ત્ર” કહું છું
તે તમે સાંભળો.પ્રથમ તો એ શાસ્ત્ર ને કઈ રીતે
સાંભળવું અને કઈ રીતે તથા કઈ પરિભાષા થી તેને વિચારવું તે હું કહું છું.તે સાંભળો.
“જોવામાં આવેલા પદાર્થથી” –“અનુભવમાં નહિ આવેલા પદાર્થ” ને જે સમજાવવામાં આવે છે તેને વિદ્વાનો “દૃષ્ટાંત” કહે છે.તે દૃષ્ટાંતો થી બોધ સમજવામાં કેટલીક સુગમતા રહે છે.
હે,રામ જેમ,રાતે,દીવા વિના ઘરમાં રાચ-રચીલા ની
ખબર પડતી નથી,તેમ,દૃષ્ટાંતો વિના અપૂર્વ વિષય નો યથાર્થ બોધ
થતો નથી.
હું તમને અહીં જે જે દૃષ્ટાંતો થી તમને સમજાવીશ તે તે દૃષ્ટાંતો ને
તમારે ઉત્પન્ન થયેલાં અને
જેથી (તે ઉત્પન્ન થયેલા હોવાથી) તેને ખોટાં
સમજવા.
માત્ર એ દૃષ્ટાંતો થી તમારે જે જ્ઞેય (બ્રહ્મ) સમજવાનું
છે તેને જ નિત્ય-સત્ય અને સાચું સમજવું.
બ્રહ્મ ના ઉપદેશમાં તમને જે દૃષ્ટાંતો કહેવામાં
આવે તેમાંથી એક-અંશ ની સરસાઈ લેવી,
પણ સઘળાં અંશો ની સરસાઈ મેળવવાનો આગ્રહ રાખવો
નહિ.
માટે અહીં બ્રહ્મને સમજવવા માટે જે દૃષ્ટાંત
આપવામાં આવે તે દૃષ્ટાંત ને તમારે
“જગતની અંદરનું અને સ્વપ્ન-સંબંધી પદાર્થ “ ના
જેવું જ સમજવું.
અને આ પ્રમાણે પરિભાષા જાણી રાખવાથી “નિરાકાર
બ્રહ્મમાં સાકાર દૃષ્ટાંત કેમ લાગુ પડે?”
એવી મૂર્ખ લોકોની “તાર્કિક-શંકાઓ” નો અવકાશ જ રહેશે
નહિ.
જેમ જાગ્રત અવસ્થા ની “કલ્પનાઓ” એ સ્વપ્ન
અવસ્થામાં કેટલુંક (કોઈ સમયે) કામ કરે છે,
તેમ,ધ્યાન-વરદાન-શાપ-ઔષધ –વગેરે સ્વપ્ન ની
“કલ્પનાઓ”
જાગ્રત અવસ્થા માં કોઈ સમયે ફળ દેતી જોવામાં આવે
છે.
જગત ની સ્થિતિ જ એવી છે કે તેને જાગ્રત અને
સ્વપ્ન ના દૃષ્ટાંતો અપાય છે,અને તે યથાર્થ જ છે,
માટે તાર્કિક લોકો જે કહે છે કે “જાગ્રત અને
સ્વપ્ન ને સરખાં કેમ ગણાય?” તેવા પ્રશ્નો ના કરતાં,
તેની પરિભાષા (મૂળ મુદ્દો) જ સમજી ને દૃષ્ટાંતો
ને છોડી દેવાં જોઈએ.
“મોક્ષના ઉપાય રૂપ” ગ્રંથો ના રચયિતાઓ એ જે જે
ગ્રંથો રચ્યા છે,તે તે ગ્રંથોમાં,
“સાધ્ય” એવા “બ્રહ્મ” સ્વરૂપ ને સમજાવવા જે જે
દ્રષ્ટાંતો આપ્યાં છે તેમાં પણ તેવી જ
(સ્વપ્ન અને જાગ્રત અવસ્થાના દૃષ્ટાંતો ના જેવી જ)
વ્યવસ્થા રાખવામાં આવી છે.
વેદમાં અને શાસ્ત્રોમાં જગતનું
“સ્વપ્ન-સમાન-પણું” સમજાવવામાં આવે છે,
પણ આ વાત સમજીને આ જ વાત બીજાના ગળે ઉતારવી તરત જ
શક્ય બની શકે તેમ નથી.
કારણ કે પોતે સમજવા કરતાં ( ભલે તે કોઈ પણ રીતે
સમજી જાય પણ)
બીજા ને સમજાવવામાં વાણી નો ક્રમ (અથવા તો લખવાનો
ક્રમ) બરોબર ગોઠવવો પડે છે.
જગત “સ્વપ્ન ની કલ્પના જેવું” અને “માનસિક પૂજા માં કલ્પેલા પદાર્થો” વગેરે
જેવું જ છે.
માટે જગતના વિષયમાં આ જ દૃષ્ટાંતો લાગુ પડે છે
બીજાં નહિ.
જેમ,માટી,એ ઘડા-વગેરેનું “કારણ’ છે,
તેમ,”બ્રહ્મ” એ સત્યમાં કોઈનું (કશાનું) પણ
“કારણ” ના હોવા છતાં-
બોધ ની અનુકૂળતા માટે “બ્રહ્મ” ને માટી-વગેરેની
ઉપમા (દૃષ્ટાંત તરીકે) આપવામાં આવે છે.
(એટલે જે સમજવાનું છે તે-સમજી ને આ દૃષ્ટાંત ને
પકડી રાખવું જોઈએ નહિ)
આવી “ઉપમાઓ” માં ઘણા પરિશ્રમો કરવા છતાં પણ,બધા જ
“અંશો” ની
સમાનતા-વાલી મળી શકતી નથી.
માટે બુદ્ધિમાન પુરુષે,બોધ ની અનુકૂળતા
સારું,આપેલા આવા દૃષ્ટાંતો પ્રત્યે નિર્વિવાદ થઇને,
“ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તે)માં એક અંશ
થી,
“ઉપમાન” (જેની ઉપમા
આપવામાં આવી છે તે) ના સાદૃશ્ય (સરખા-પણા) નો સ્વીકાર કરવો.