(૧૮) ગ્રંથ ના ગુણ
વશિષ્ઠ કહે છે કે-જેમ,સારું બીજ વાવવામાં આવ્યું
હોય તો તેમાંથી,સારું ફળ અવશ્ય ઉત્પન્ન થાય છે,
તેમ આ સંહિતા ને વાંચવાથી અવશ્ય જ્ઞાન ઉત્પન્ન
થાય છે.સારો વિવેક પ્રાપ્ત થાય છે,અને
પોતાની મેળે ધીરે ધીરે વિચાર કરતાં બુદ્ધિમાં
સંસ્કાર પ્રાપ્ત થાય છે.
જેમ સારાં નેત્રો વાળો પુરુષ હાથમાં દીવો રાખે તો,તે રાત્રિમાં,પદાર્થોના આગળ પાછલા ભાગોને જાણી શકે છે,તેમ બુદ્ધિમાન માણસ આ ગ્રંથનો અભ્યાસ કરે તો તે સર્વ વિષયોના પૂર્વા-પરના સંબંધોને
જાણી શકે છે.આ ગ્રંથનો વિચાર કરતાં બુદ્ધિના લોભ
તથા મોહ આદિ દોષો ધીરે ધીરે સારી પેઠે ઓછા થતા જાય છે.
હે,રામ,તમારે કેવળ બુદ્ધિમાં વિવેકને દૃઢ કરવાનો
અભ્યાસ રાખવો,કારણકે,
અભ્યાસ વિના કોઈ ક્રિયા,કોઈ પણ ફળ આપતી નથી.
આ ગ્રંથ ના અભ્યાસથી મન સ્વચ્છ થઇ ને સ્થિર થાય
છે.અને બુદ્ધિ દીવાની પેઠે અત્યંત પ્રકાશી રહે છે.
બાણો જેમ કવચ-વાળા મનુષ્યના મર્મ-સ્થળોને કાપી
શકતા નથી,તેમ દીનતા અને દારિદ્રય-વગેરે દોષોથી ભરેલા વિચારો -જગતનું મિથ્યા તત્વ
સમજનારા માણસોના ચિત્તો ને ભેદી શકતા નથી.
આ ગ્રંથના
અભ્યાસ થી,પુરુષાર્થ-દૈવ વગેરેના સંશયો ટળી જાય છે,મોહ શાંત થતાં,વિવેક નો ઉદય થાય
છે. વિચાર કરનારા માણસને મનમાં સમુદ્રના જેવી ગંભીરતા,મેરુ પર્વતના જેવી સ્થિરતા
સાંપડે છે.
આમ,જેની સઘળી કલ્પનાઓ શાંત થઇ છે,તે પુરુષનું
જીવન-મુક્ત-પણું ધીરે ધીરે પરિપાક પામે છે,
વાણીથી તેનું (તેવા પુરુષ નું) વર્ણન કરી શકાતું
નથી.
આ ગ્રંથના વિચારથી,જડ પદાર્થોની તૃષ્ણા વિનાનાં
સૌમ્ય પુરુષો શાંત થાય છે,શુદ્ધ થાય છે,
અને ઉંચા તથા અચળ બ્રહ્મત્વ માં સ્થિતિ કરે છે.
આ ગ્રંથને સંપૂર્ણ રીતે સમજી શકે-વાંચી તેના
પ્રત્યેક શ્લોકનું વિવેચન કરવામાં આવે તો,
અનુભવ થશે કે-આમાં જે કહ્યું છે તે,સઘળું યુક્તિ
સિદ્ધ છે.
વરદાન કે શાપના વચન ની જેમ કહી દીધું નથી.
આ શાસ્ત્ર-રૂપ કાવ્ય,શબ્દાલંકારો થી તરહ
અર્થાલંકારો થી શણગારેલું છે,રસમય છે,
સુંદર દૃષ્ટાંતો થી સિદ્ધ છે,અને સમજવું સહેલું
છે.
જેને પદો નું અને પદો ના અર્થોનું થોડું-ઘણું
જ્ઞાન હોય છે તે,પુરુષ
પોતાની મેળે જ આ ગ્રંથ ને સમજી શકે છે,
પણ આમાં જે “તત્વ” છે તે જાણવા પંડિતના મુખથી સાંભળવો
જોઈએ.
આમ આ ગ્રંથ ને સાંભળવામાં આવે,વિચારવામાં આવે અને
સમજવામાં આવે,તો
મનુષ્ય ને મોક્ષ ની પ્રાપ્તિમાં તપની,ધ્યાનની કે
જપ વગેરે કશાની યે અપેક્ષા રહેતી નથી.
આ ગ્રંથ ના દૃઢ અભ્યાસથી ચિત્ત સંસ્કારી થાય છે,
પાંડિત્ય પ્રાપ્ત થાય છે,અને “હું અને જગત”
એવા પ્રકારનો “દ્રષ્ટા તથા દૃશ્ય” રૂપી દ્વંદો નો
વિનાશ થઇ,અને શાંતિ પ્રાપ્ત થાય છે.
જેમ સર્પના ચિત્રને - ચિત્ર રૂપે જાણવાથી તે સર્પ
ભય આપનાર થતો નથી,
તેમ,જગત-રૂપી સર્પ ને (ચિત્ર-રૂપે-ખોટો) જાણ્યા
પછી,તે (સંસાર) સુખ-દુઃખ ને આપનાર થતો નથી.
ફુલ કે પાંદડાં ને મસળવા હાથ ચલાવવા પડે છે,
પણ સંસાર ને મસળવા માટે કેવળ બુદ્ધિનું જ કામ
છે.બીજા કોઈ અવયવનું નહીં.
સુખદાયી આસન પર બેસવું,જેવા મળી આવે તેવા ભોગો
ભોગવવા અને સદાચારથી વિરુદ્ધ હોય તેવા કાર્યો ન કરવાં,દેશકાળ ને અનુસરીને બનતા
સત્સંગ થી,સુખ-પૂર્વક શાસ્ત્રોનો સૂક્ષ્મ વિચાર કરવો,
આ પ્રમાણે, સંસારથી શાંતિ આપનારો પરમાત્મા નો
સાક્ષાત્કાર થાય છે
અને જેનાથી (સાક્ષાત્કાર થયા
પછી),ફરીવાર “યોનિ-રૂપી” યંત્રમાં દબાવું પડતું નથી.