Oct 4, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪૯

(૧૫) સંતોષ નું વર્ણન.

વશિષ્ઠ કહે છે કે-હે,શત્રુનાશન રામ,  ”સંતોષ”  પરમ કલ્યાણ-રૂપ છે.
અને સંતોષ જ “સુખ” કહેવાય છે.સંતુષ્ટ પુરુષ પરમ વિશ્રામ પામે છે.

“સંતોષ-રૂપી ઐશ્વર્ય” થી સુખિયા (સુખવાળા) થયેલા અને લાંબા કાળથી વિશ્રાંતિ પામેલા ચિત્ત વાળા,
પુરુષો ને ચક્રવર્તી રાજ્ય પણ તણખલા જેવું લાગે છે.
“સંતોષ થી શોભતી” અને સંસારની વિષમ વૃત્તિઓ આવી પડતા પણ ઉદ્વેગ નહિ પામતી,
મહાત્માઓ ની “બુદ્ધિ” કદી સુખ નો વિયોગ પામતી નથી.(તે મહાત્માઓ સદાય સુખમાં રહે છે) 
તેમને આ પુષ્કળ વૈભવોવાળી લક્ષ્મી (ધન-દોલત) એ ઝેરના જેવી અને પ્રતિકૂળ લાગે છે.સંતોષ જેવું સુખ આપે છે,તેવું સુખ અમૃત ની લહરીઓ પણ આપતી નથી.

જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈચ્છા કરતો નથી,અને પ્રાપ્ત વસ્તુઓને,અપ્રાપ્ત જેવી જ ગણે છે,
તેને,હર્ષ-શોક –વગેરે દ્વંદો - ની દશા પ્રાપ્ત થતી નથી,અને જેથી,તે “સંતુષ્ટ “ કહેવાય છે.

જ્યાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં જ સંતોષ પામતું નથી, ત્યાં સુધી,એ મન આપદાઓ (વિપત્તિઓ-મુશ્કેલીઓ) ઉત્પન્ન કર્યા કરે છે.પણ સંતોષથી શીતળ થયેલું મન,
શુદ્ધ જ્ઞાન-સંબંધી “વિચારો” થી અત્યંત પ્રફુલ્લિત (આનંદમય) થાય છે.

જેમ,મેલા અરીસામાં મુખ નુ પ્રતિબિંબ બરોબર પડતું નથી,તેમ,સંતોષ વિનાના અને “આશા” ઓથી પરવશ થયેલા,ચિત્તમાં (મનમાં) જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી.
જેના મનમાં સંતોષ રૂપી સૂર્ય ઉગે,અને જેનું મન “સંતોષ” થી સંતોષ પામે,
તે મનુષ્ય ભલે દરિદ્ર (ગરીબ) હોય,તો પણ આધિ-વ્યાધિ થી રહિત ચક્રવર્તી રાજા જેવું સુખ ભોગવે છે.

આમ,જે,અત્યંત સૌમ્ય અને સદાચારી પુરુષ,અપ્રાપ્ત વસુઓને ઈચ્છતો નથી અને પ્રાપ્ત થયેલા,
સુખ દુઃખ ને ભોગવ્યા કરે છે,-તે “સંતુષ્ટ” કહેવાય છે.
આથી, પુરુષે પ્રયત્ન થી પોતાની મેળે (પોતે),પોતાનામાં જ અત્યંત પૂર્ણતા મેળવવી,
અને સર્વ પદાર્થો ની તૃષ્ણા છોડી દેવી,
કે જેનાથી-તેનું “મન” અને  “બુદ્ધિ” શાંત થવાને લીધે,પોતાની મેળે જ અખંડ સ્થિરતા ને પામે છે.

જેમ રાજાની પાસે ચાકરો (નોકરો) પોતાની મેળે જ (સેવા-કે-નોકરી માટે) આવે છે,
તેમ,સંતોષ થી પુષ્ટ થયેલા,મનવાળા ની પાસે,મોટી-મોટી,વિવિધ સમૃદ્ધિઓ પોતાની મેળે જ આવે છે.
હે,રામ,જે ઉત્તમ પુરુષ,આ જગતમાં ગુણવાન લોકો ને પ્રિય એવી “સંતુષ્ટતા”થી વિભૂષિત હોય છે,
તે પુરુષને દેવતાઓ અને મહા-મુનિઓ પણ “બુદ્ધિ” થી પ્રણામ કરે છે.

(૧૬) સત્સંગ વર્ણન

વશિષ્ઠ કહે છે કે-હે મહાબુદ્ધિમાન,વિશેષમાં (વધારામાં) મનુષ્યોને આ સંસાર તરી જવામાં,
(બ્રહ્મ ને જાણનારા) સાધુ-મહાત્માઓનો સત્-સમાગમ (સત્સંગ) પણ બહુ ઉપકારક થાય છે.
જે મનુષ્ય મહાત્માઓ ના “સંગ-રૂપી-વૃક્ષ” થી ઉત્પન્ન થયેલા,સ્વચ્છ “વિવેક-રૂપી-ફળ”ને,
સાચવી રાખે છે,તેઓ મોક્ષ ની સંપત્તિના પાત્ર-રૂપ થાય છે.

સાધુ-મહાત્માઓ નો સત્સંગ “બુદ્ધિ” ને અત્યંત વધારનાર છે,અને આધિઓને દૂર કરનાર છે.
સત્સંગ થી “વિવેક-રૂપી” ઉત્તમ દીપક પ્રગટે છે,અને સર્વોત્તમ વિશ્રાંતિ આપે છે.

જેમ દરિદ્ર મનુષ્યને મણિ (રત્ન) દેખાય તો તે પ્રયત્ન કરીને તેને જોયા કરે છે, તેમ,
સમજુ મનુષ્યે વિશ્રાંતિ પામેલા મહાત્માઓ ને પરમ પ્રયત્ન થી જોયા કરવા જોઈએ.
અને સંશયો (અધ્યાસ) થી રહિત થયેલા ,બ્રહ્મ-પદને જાણનારા,તેવા મહાત્માઓ ને સર્વ ઉપાયથી,
સેવવા (સત્સંગ કરવો) જોઈએ,કારણ કે તેઓ સંસાર-સમુદ્રમાં તરવાના “સાધનો-રૂપ” છે.



     INDEX PAGE
      NEXT PAGE