Oct 2, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪૭

(૧૪) વિચાર ની પ્રશંસા
વશિષ્ઠ કહે છે કે-શાસ્ત્ર ના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે,અને વિદ્વાન સદગુરૂ ની
સાથે નિરંતર આત્મ-વિચાર કરવો જોઈએ.
બુદ્ધિ –જો (સત્) વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય તો જ તે પરમ-પદ ને પામી શકે છે.
કારણકે વિચાર  જ સંસાર-રૂપી-મોટા રોગ નું,મુખ્ય ઓસડ (દવા) છે.

અનંત પ્રકાર ની પ્રવૃત્તિઓ થી,પ્રફુલ્લિત થયેલા “દુઃખ-રૂપી-વનને”  જો “વિચાર-રૂપી-કરવત” થી કાપી નાખવામાં આવે તો,તે (દુઃખ-રૂપી વન) પાછું ઉગતું જ નથી.
હે,રામ,સર્વસ્વના નાશના સમયમાં, સંકટ ના સમયમાં કે પછી શાંતિ ના સમયમાં-
“મોહ” ના લીધે કર્તવ્ય (શું કરવું તે?) સુઝતું નથી,ત્યારે “વિચાર” જ –સત્પુરુષો માટે,આશ્રય-રૂપ છે.

“મોહ” ને ટાળવા સારું,”વિચાર” વિના બીજો કોઈ ઉપાય જ નથી.એવો વિદ્વાનો નો નિશ્ચય છે.
સત્પુરુષો ની બુદ્ધિ,વિચાર કરવાથી જ અશુભ માર્ગ નો ત્યાગ કરીને શુભ માર્ગ માં પ્રવર્તે છે.
“પ્રૌઢ” (પરિપક્વ) વિચાર –“યોગ્ય કે અયોગ્ય” નો પ્રકાશ કરવામાં મોટા દીવા રૂપ છે.અને
વાંછિત (ઈચ્છેલા) ફળ ને સાધનાર છે,માટે તેનો આશ્રય કરીને સંસાર-સાગર તરવો જોઈએ.

જેમ તુંબડા,પાણીમાં ડૂબતાં નથી,તેમ આ સંસારમાં,મહાત્મા પુરુષો ની,વિવેક ને પ્રફુલ્લિત કરનારી,
જે,”વિચાર-વાળી-બુદ્ધિ” છે,તે વિપત્તિમાં (દુઃખના સમયમાં) ડૂબતી નથી.

જેમ,બાળકને “પોતાની મૂર્ખતા” ને લીધે,(મનમાં) (ખોટા) ભૂત નો ઉદય (ખોટું ભૂત ઉભું) થાય છે,
તેમ,”વિચાર-વગરની-બુદ્ધિવાળા” મૂર્ખ પુરુષના મનમાંથી વજ્ર-જેવા ખોટા સંસારનો ઉદય થાય છે.
જેમ,ભૂત-પિશાચો –એ અંધારામાંથી ઉત્પન્ન થાય છે,તેમ જે કોઈ દુષ્ટ આરંભો-આચારો-ચિંતાઓ છે,
તે “અવિચાર” થી જ ઉત્પન્ન થાય છે.
હે,રઘુનંદન,અવિચારી પુરુષ સર્વ-સારા-કાર્યો કરવામાં અસમર્થ છે,માટે તેમને સઘળી રીતે દૂર રાખજો.

“વિચાર” થી જ જીવનમુક્ત થયેલા જીવો,સૂર્ય ની પેઠે પ્રકાશી ને દશે દિશાઓમાં પ્રકાશ કરે છે.
અને ઘણાં પ્રાણીઓના સંસાર ના ભય-રૂપી-અંધકાર ને મટાડે છે.
જગતના જે કોઈ પદાર્થો છે,તેઓ,સઘળા ”અવિચાર”થી જ સારા લાગનારા છે,
પણ-તે પદાર્થો-સત્યમાં  અસ્તિત્વ વિનાના છે,અને વિચારથી વીંખાઈ (દૂર થઇ) જનારા છે.

“બ્રહ્માકાર ની સ્થિતિ” (વિચાર થી થનારી) એ જગતની વિષમતા થી રહિત છે સુખ-રૂપ છે,
બાધા રહિત છે,અનંત છે,અને સ્વાભાવિક છે.તે “વિવેક-રૂપી” વૃક્ષ નુ ફળ છે એમ સમજો.

“વિચાર-રૂપ” મોટી “ઔષધિ” (દવા) થી સિદ્ધ થયેલ સાધુ પુરુષ નિષ્કામ બને છે અને
કોઈ પણ અપ્રાપ્ત (તેની પાસે ના હોય તેવા) સુખ ને ઇચ્છતો નથી.
તેવી જ રીતે પ્રાપ્ત સુખ ને છોડી પણ દેતો નથી.
એવા “જીવન-મુક્ત” વિવેકી નું “ચિત્ત”  પરમ-પદનું અવલંબન (આધાર) કરીને,
“આભાસ-રૂપે” (છાયા-રૂપે) રહેલું હોય છે,તેથી તે વિનાશ પામતું નથી.


આવા ચિત્ત (પરમ-પદ ના આધારવાળા) ની સઘળી વિક્ષેપ કરનારી “વાસનાઓ” બ્રહ્મ-રૂપ થયેલી હોવાથી,તેમાં રાગ-દ્વેષ –વગેરે દ્વંદ ની વૃત્તિઓ ઉઠતી નથી.તેથી કોઈ વિક્ષેપ આવવાનો સંભવ નથી.


     INDEX PAGE
      NEXT PAGE