Dec 4, 2017

પતંજલિના યોગસૂત્રો-16-Yogsutra of Patanjali-Gujarati

मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् (૩૩)
સુખ,દુઃખ,પુણ્ય અને પાપમય વિષયો પ્રત્યે -અનુક્રમે-મૈત્રી,કરુણા,પ્રીતિ અને ઉપેક્ષા-ની,ભાવના કેળવવાથી,ચિત્તની સ્થિરતા આવે છે. (૩૩)

મૈત્રી,કરુણા,પ્રીતિ અને ઉપેક્ષા-આ ચાર પ્રકારની ભાવના જરૂરી છે અને તે આપણામાં હોવી જ જોઈએ.
આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ,ને દુઃખી પ્રત્યે કરુણા (દયા) દાખવવી જોઈએ.
સૌનું સુખ જોઈને સુખી (અને દુઃખ જોઈને દુઃખી) થવું જોઈએ અને દુષ્ટ વિષયો પ્રત્યે ઉપેક્ષા રાખવી જોઈએ.

આપણી સામે આવતા સર્વ વિષયોની બાબતમાં પણ એ પ્રમાણે વર્તવું કે-
જો તે પદાર્થ (વિચાર કે વસ્તુ) સારો હોય તો તેની સાથે મિત્રતા,
જો વિચારનો વિષય દુઃખપૂર્ણ હોય તો તે પ્રત્યે કરુણા (દયા) રાખવી,અને-
જો તે (વિષય) સારો હોય તો રાજી થવું (પ્રીતિ)  ને ખરાબ હોય તો તેની ઉપેક્ષા કરવી.

મનની સામે આવતા જુદાજુદા આવા વિષયો પ્રત્યે આ પ્રમાણેનું જુદુજુદું વલણ મનને શાંત બનાવે છે.
જો કે મનને આવી રીતે રાખી શકતું નથી અને તેને લીધે જ રોજિંદા જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ પેદા
થાય છે. દાખલા તરીકે-કોઈ મનુષ્ય આપણું ખરાબ કરે તો તરત જ તેનું બુરું કરવાનો વિચાર આવે છે,
અને જે બતાવે છે કે-આપણે આપણા ચિત્તને હજુ કાબુમાં રાખી શક્યા  નથી.

એ વિષય તરફ એ "તરંગ" ના સ્વરૂપમાં બહાર આવી જાય છે,અને આપણે "શક્તિ" ગુમાવીએ છીએ.
પણ જો તે ધિક્કાર કે ક્રોધની લાગણી ને દબાવવામાં આવે તો,તેટલી શક્તિ (સારી શક્તિ)
ગુમાવવાને બદલે સંઘરાઈ રહેવાનો આપણ ને લાભ છે,
જે શક્તિઓ નુ વધારે ઉચ્ચ શક્તિમાં રૂપાંતર થાય છે.

  • प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य  (૩૪)

અથવા (એક બીજી રીત એ છે કે)
"પ્રાણ" ના બહાર રાખવા  અને-અથવા-પ્રાણના  નિરોધથી પણ ચિત્ત સ્થિર બને છે. (૩૪)

અહીં વપરાયેલ "પ્રાણ" શબ્દ નો ખરો અર્થ "શ્વાસ" ના અર્થમાં લીધેલો નથી.પણ,
વિશ્વમાં જે "શક્તિ" રહેલી છે-તેનું નામ છે "પ્રાણ".
આ વિશ્વમાં જે કંઈ હાલે-ચાલે છે,કાર્ય કરે છે,અથવા જીવંત છે-તે બધું "પ્રાણ-શક્તિ" નો પ્રકાશ છે.
વિશ્વમાં દેખાઈ રહેલી શક્તિના એકંદર (ટોટલ) સરવાળાને "પ્રાણ" કહેવામાં આવે છે.

કલ્પ (સૃષ્ટિ-સમય) નો આરંભ થાય તે પહેલાં આ પ્રાણ-શક્તિ લગભગ ગતિરહિત અવસ્થામાં રહે છે,
પણ જયારે કલ્પ-નો આરંભ થાય ત્યારે આ પ્રાણ-શક્તિ પ્રગટ થવા માંડે છે.
મનુષ્યો કે પ્રાણીઓમાં જ્ઞાનતંતુઓની ક્રિયા-રૂપે જે ગતિ વ્યક્ત થાય છે,તે આ "પ્રાણ-શક્તિ" જ છે.
અને આ જ "પ્રાણ-શક્તિ" વિચાર-વગેરે રૂપે વ્યક્ત થાય છે.

સમગ્ર વિશ્વ એ -પ્રાણ (શક્તિ) અને આકાશનું સંયોજન (મિશ્રણ) છે.અને તે જ પ્રમાણે માનવ શરીર પણ.....
આપણે જે જોઈએ છીએ,જે અનુભવીએ છીએ,તે બધા પદાર્થો આકાશમાંથી ઉત્પન્ન  થયા છે, અને,
પ્રાણ-શક્તિમાંથી જુદા જુદા બળો (શક્તિ) ઉત્પન્ન થયા છે.
ઉપર પ્રમાણે હવા (વાયુ) માં અને આપણા શરીરમાં (પ્રાણ તરીકે રહેલી) પ્રાણ-શક્તિ (પ્રાણ) ને
"બહાર-કાઢવાની" અને તેને કાબૂમાં રાખવાની ક્રિયા ને "પ્રાણાયામ" કહેવામાં આવે છે.
  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE