Nov 19, 2017

પતંજલિના યોગસૂત્રો-01-Yogsutra of Patanjali-Gujarati

(૧) સમાધિ-પાદ (એકાગ્રતા- તેનો આધ્યાત્મિક ઉપયોગ)
ટૂંક-સાર
સમાધિ-પાદ

અહીં પતંજલિ-
સહુ પ્રથમ આ તરંગો (વૃત્તિઓ) નો અર્થ સમજાવે છે.
બીજું, તેમનો નિરોધ કરવાનો ઉત્તમ માર્ગ બતાવે છે.અને
ત્રીજું,જેમ એક અગ્નિ બીજા અગ્નિને ગળી જાય તેમ,બીજા બધા તરંગોનો નિરોધ કરી શકે,
એવા "એક" તરંગ ને પ્રબળ કેમ બનાવવો તે શીખવે છે.
કારણકે જયારે એક જ તરંગ બાકી રહે ત્યારે તેનો નિરોધ કરવાનું સહેલું થઇ પડે છે.

અને જયારે તે એક તરંગ પણ સમી જાય ત્યારે તે સમાધિ ને "નિર્બીજ" કહી છે.
ત્યારે કંઈ જ બાકી રહેતું નથી,અને આત્મા તેના "સ્વ-રૂપ" તેના પોતાના "સ્વ-મહિમા" માં પ્રગટ થાય છે.અને ત્યારે જ મનુષ્ય ને ખબર પડે છે કે-"આત્મા-એ કોઈ મિશ્ર વસ્તુ નથી"

વિશ્વમાં એ (આત્મા) એક જ "અમિશ્ર" અને "શાશ્વત" છે.
અને આમ હોવાથી તેને જન્મ નથી કે તેને મૃત્યુ નથી.
તે (આત્મા) એ મૃત્યુ રહિત,અવિનાશી અને "જ્ઞાન નું સનાતન સાર-તત્વ" છે.




સ્વામી વિવેકાનંદ-પતંજલિ ના યોગસૂત્રો અને તેની સાદી સમજ આપતાં કહે છે -કે-

  • अथ योगानुशासनम्  (૧)

હવે યોગશાસ્ત્ર નું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.

  • योगश्चित्तवृत्तिनिरोधः (૨)

યોગ-એટલે-     "ચિત્ત ને જુદી જુદી વૃત્તિઓ નું સ્વરૂપ ધારણ કરતાં રોકવું (નિરોધ) " (૨)

યોગ એટલે શું? તો તેની વ્યાખ્યા માં આવતા બે શબ્દો "ચિત્ત" અને "વૃત્તિઓ" સમજવા જરૂરી બને છે.
સહુ પ્રથમ તો ચિત્ત એટલે શું ? તે સમજવાનો પ્રયત્ન કરીએ.

ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકાર-ને અંતઃકરણ કહેવામાં આવે છે.
અને આ અંતઃકરણને જો દ્રવ્ય (પ્રવાહી) તરીકે ની કલ્પના કરવામાં આવે તો-
આ અંતઃકરણ ની (અંતર-દ્રવ્યની) જુદી જુદી જે  "પ્રક્રિયાઓ" છે-તેને "ચિત્ત"  કહેવામાં આવે છે.

આ "પ્રક્રિયાઓ " ને ઉદાહરણથી નીચે મુજબ સમજાવી શકાય.

આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે-આપણે આંખો (ઇન્દ્રિય) થી જોઈએ (જોઈ શકીએ) છીએ.
પણ એ માત્ર આંખો જ જોવાનું કામ કરી શકતી નથી.કે માત્ર આંખ હોવાને લીધે જ જોઈ શકાતું નથી.
કારણકે,જો,મગજ માં આવેલા એક "દર્શન-કેન્દ્ર" ને  કાઢી નાખવામાં આવે તો,
ભલે આંખ (આંખનો ડોળો) હોય તો પણ,આંખો દેખી શકશે નહિ.

આમ,આંખો એ ગૌણ "સાધન-માત્ર" છે,જોવાની (દર્શન ની) એ (એક-માત્ર) ઇન્દ્રિય નથી.
દશ્ય જોવાની (દર્શનની)  સાચી ઇન્દ્રિય તો મગજમાં રહેલા "દર્શન-કેન્દ્ર" નામના જ્ઞાન-તંતુ માં
રહેલી છે.એટલે દૃશ્ય જોવા માટે માત્ર બે આંખો જ પૂરતી નથી. એમ કહી શકાય.

ઘણી વખત એવું પણ બને છે કે-મનુષ્ય ઊંઘતો હોય અને તેની આંખો ખુલ્લી હોય છે,
તેની આંખ આગળના દૃશ્ય પર પ્રકાશ હોય તો તે દૃશ્યનુ  ચિત્ર પણ તે આંખોની અંદર પડતું હોય,
પણ તે જોતો નથી,કારણ તે દૃશ્ય ને જોવામાં એક ત્રીજી વસ્તુ ની જરૂર પડે છે.

અને તે ત્રીજી વસ્તુ છે-મન.
મન ઇન્દ્રિય સાથે જોડાય,મન સક્રિય બને અને "દર્શન-કેન્દ્ર"ને
(દૃશ્ય ને જોવા માટે મગજના તે દર્શન-કેન્દ્ર ના જ્ઞાનતંતુ ને) દૃશ્યની માહિતી આપે છે.

એટલે આ રીતે-દૃશ્ય ને જોવા માટે-
સહુ પ્રથમ છે બાહ્ય સાધન (આંખ) ત્યાર પછી છે ઇન્દ્રિય (દર્શન-કેન્દ્ર)
અને ત્રીજું છે-એ બંને ની સાથે જોડાયેલું-મન

આ જ મન આ રીતે જ બાહ્ય-સંવેદનો ને (અહીં ઉદાહરણ પ્રમાણે-આંખ નાં દૃશ્યનાં સંવેદનોને)
"દર્શન-કેન્દ્ર" થી યે આગળ લઇ જાય છે.......ને "બુદ્ધિ" (નિશ્ચયાત્મકા વૃત્તિ) ની સામે તેને રજુ કરે છે.