Sep 21, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૩૬

(૯) કર્મ નો વિચાર

શ્રીરામ પૂછે છે કે-જગતમાં ઘણી જ પ્રતિષ્ઠા પામેલું આ દૈવ શી વસ્તુ કહેવાય છે? તે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-સર્વત્ર પુરુષાર્થ જ સઘળાં કાર્યો નો કરનાર અને કાર્યો ના ફળોનો ભોગવનાર છે.
તેમાં દૈવ કંઈ કશું કરતું નથી,કે કંઈ કશું ભોગવતું પણ નથી.
તે દૈવ છે જ નહિ,કે જોવામાં આવતું નથી.વિદ્વાનો તેને માન આપતા નથી,ને તેને મિથ્યા માને છે.
કેવળ મૂર્ખાઓએ તેને અમુક કલ્પના થી ઉભું કર્યું છે.

ફળ આપનારા પુરુષાર્થ વડેથી જે ફળ સિદ્ધ થાય છે,
તે ફળ કોઈને સારું લાગે છે તો કોઈને ખરાબ લાગે છે,અને તે વાત જ દૈવ શબ્દ થી કહેવાય છે.
કર્મનું ફળ મળ્યા પછી,”મારી આવી બુદ્ધિ થઇ હતી ને આવો મારો નિશ્ચય હતો”આવું જે લોકો નું કહેવું (કહે) છે તે દૈવ કહેવાય છે.
સારું અથવા ખરાબ –ફળ મળ્યા પછી, “પૂર્વે મેં આવું કર્મ કર્યું હતું-તેનું આવું ફળ મળ્યું”આવું ધારણા આપનારું જે વચન કહેવામાં આવે છે તે દૈવ કહેવાય છે.

શ્રીરામ કહે છે કે-હે,મુનિરાજ,પૂર્વજન્મ માં સંગ્રહ કરેલાં કર્મો તે દૈવ કહેવાય છે,
તેવું તમે કહ્યું હતું અને હવે તમે “તે દૈવ તો છે જ નહિ” એમ શા માટે કહો છો?

વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમે બધું બહુ સારી રીતે જાણો છો,માટે તમને હું એવી સંપૂર્ણ રીતે કહીશ કે-
જેથી તે “દૈવ” નથી જ-એવો તમારા મનમાં દૃઢ નિશ્ચય થશે.ને બુદ્ધિ સ્થિર થશે.

સૌ પ્રથમ તો –મન ની જે ઘણી વાસનાઓ છે તે,સર્વ મનુષ્યનાં “કર્મ-રૂપે” પરિણામ પામે છે.
એટલે કે જે મનુષ્યમાં જેવી વાસના ઉઠે કે તરત જ તે પ્રમાણે તે વાસના મુજબ નું જ કર્મ કરે છે.
મનમાં જે વાસના હોય,તેનાથી જુદું કર્મ કરે તેમ બની શકતું જ નથી.
જેમ કે,જો મનુષ્ય ને ગામમાંથી શહેર જવાની વાસના થાય તો તે શહેર માં જશે,જ. બીજે ક્યાંય નહિ.એટલે જેવી વાસના ઉઠે તે પ્રમાણે જ મનુષ્ય કર્મ કરવાનો પ્રયત્ન કરે છે.

પૂર્વે (પૂર્વ-જન્મ માં) ઉત્કૃષ્ટ ફળ ની ઈચ્છાથી જે કર્મ કર્યું હોય, તે,આ જન્મમાં “દૈવ” ના નામે ઓળખાય (કહેવાય) છે.કર્મ કરનારાઓ નાં સર્વ કર્મો એ રીતે જ  થાય છે.

જે કર્મ છે,તે પોતાની વૃદ્ધિ પામેલી “વાસના” જ છે.
આ વાસના ઉભી થવાના “કારણ-રૂપ”,પોતાના “મન” થી જુદી નથી.(એટલે કે વાસના,મન-રૂપ છે)
અને પાછું તે  “મન” એ પરમાત્મા નું રૂપાંતર (વિવર્ત-રૂપ) હોવાથી,”પરમાત્મા-રૂપ” જ છે.

આ ઉપરથી,જે દૈવ છે તે કર્મ જ છે, ને જે કર્મ છે તે વાસના જ છે,
જે વાસના છે તે મન-રૂપ છે,અને ,મન, એ પરમાત્મા-રૂપ છે.
માટે “દૈવ’ નથી એવો નિશ્ચય થાય છે.

ઉપર પ્રમાણે મન-વગેરે ના રૂપ માં પરિણામ પામેલો “આત્મા” જે જે કર્મને સારું માની ને કરે છે,
તે કર્મ ના ફળને “આત્મા-રૂપ” દૈવ થી પ્રાપ્ત કરે છે.

હે રામ, મન અનિર્વચનીય છે,
અને સત્પુરુષો એ તે મન ને-મન,ચિત્ત,વાસના,કર્મ,દૈવ અને નિશ્ચય-એવાં નામો આપેલાં છે.
અને મન એ આત્માનું જ રૂપાંતર હોવાને લીધે,
અનેક નામો વાળો તે આત્મા,નિત્ય દૃઢ ભાવે જે પ્રયત્ન કરે છે,તે પ્રમાણે તે સંપૂર્ણ ફળ પામે છે.
આ પ્રમાણે સઘળું પુરુષાર્થ થી જ પ્રાપ્ત થતું હોવાથી,તમે કલ્યાણકારી પુરુષાર્થ કરો.



     INDEX PAGE
      NEXT PAGE