(૫) પુરુષાર્થ ની પ્રબળતા અને દૈવ (પ્રારબ્ધ) ની
અભિન્નતા
વસિષ્ઠ બોલ્યા-જેવી રીતે પ્રકાશ,એ જુદા જુદા રંગો
(ધોળા-પીળા-વગેરે) પ્રગટ કરવામાં કારણરૂપ છે,
તેવી રીતે,શાસ્ત્ર પ્રમાણે ચાલનારા લોકોની પ્રવૃત્તિ
જ સઘળા પુરુષાર્થોની સિદ્ધિ માં કારણરૂપ છે.
જો મનુષ્ય, મનથી માત્ર ઈચ્છા જ કરે પણ શાસ્ત્ર પ્રમાણે
પુરુષાર્થ (કર્મ) કરી તેને સિદ્ધ ના કરે તો,
તે માત્ર ગાંડપણ (ઘેલા-પણું) છે,એનાથી કશું સિદ્ધ
થતું નથી,પણ ઉલ્ટા નો મોહ ઉત્પન્ન થાય છે.
જે જે રીતે કર્મ (પુરુષાર્થ) કરવામાં આવે છે,તે તે
રીતે તેનું ફળ મનુષ્ય ને મળે છે.અને,
પૂર્વ-જન્મ નાં જે જે કર્મો (પુરુષાર્થ) ફળ (ભોગ)
આપવા તૈયાર થાય છે, તેને “દૈવ” (પ્રારબ્ધ) કહે છે,
અને તે “પ્રારબ્ધ-રૂપ” કર્મો નું ખંડન (નાશ) આ જન્મ
નાં સત્કર્મો (પુરુષાર્થ) થી કરી શકાય છે.
પુરુષાર્થ બે પ્રકાર નો છે.
(૧) શાસ્ત્ર ને અનુસરી ને કરવામાં આવતા પુરુષાર્થ
નું ઉત્તમ ફળ મળે છે,
(૨) શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવતા પુરુષાર્થ થી અનર્થ
ઉત્પન્ન થાય છે.
વળી,(૧) પૂર્વ જન્મ નો પુરુષાર્થ અને (૨) આ જન્મ નો પુરુષાર્થ-
એ બંને સમાન ના હોય તો,પણ,તે ઘેટાં ની પેઠે પરસ્પર યુદ્ધ કર્યા કરે છે,અને થોડા “બળ-વાળો” હોય તે હારી જાય છે.
માટે જ,પુરુષે શાસ્ત્ર ના નિયમ પ્રમાણે આ જન્મ માં
એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી,તે પૂર્વ જન્મ ના પુરુષાર્થ નો ઝટ પરાજય કરે.
અને આમ આ જન્મ માં સારી રીતે પુરુષાર્થ કરવા છતાં
કોઈ વખતે જો અનર્થ થાય (જણાય) તો,તેનું કારણ પૂર્વ જન્મનો પુરુષાર્થ-બળવાન હશે તેમ
માની ને,વધુ ઉત્સાહ-પૂર્વક ,દાંત પીસીને અધિક બળથી પુરુષાર્થ
કરવો –કે જેથી તે પૂર્વ જન્મ નો પુરુષાર્થ હારે.
“પૂર્વ-જન્મ નો પુરુષાર્થ (કે જેને પ્રારબ્ધ કહીને)
જ મને આ સર્વ કામ માં જોડે છે”
એવી બુદ્ધિને પગ તળે કચડી દેવી,કારણકે-
આ જન્મના “પ્રત્યક્ષ” પુરુષાર્થ આગળ,એ પૂર્વ જન્મનો “અપ્રત્યક્ષ”
પુરુષાર્થ વધારે પ્રબળ થઇ શકતો નથી.એટલે જ્યાં સુધી,પૂર્વ-જન્મ નો અશુભ પુરુષાર્થ પોતાની
મેળે શાંત પડી જાય નહિ,ત્યાં સુધી,
આ જન્મમાં -અત્યંત પુરુષાર્થ કરવામાં,મનુષ્યે, પ્રયત્ન
થી મંડ્યા રહેવું જોઈએ.
જેમ,ગઈકાલે જો અજીર્ણ (અપચો) થયું હોય,તો આજે ઉપવાસ
કરવાથી તે મટી જાય છે,
તેમ,પૂર્વ-જન્મ નો દોષ,આ જન્મમાં કરેલાં શુભ કર્મો
(પુરુષાર્થ) થી નાશ પામે છે,તેમાં સંદેહ નથી.
માટે જ ઉત્સાહવાળી બુદ્ધિથી,પ્રયત્ન કરીને,પૂર્વ-જન્મ
ના દુષ્ટ પુરુષાર્થ (પ્રારબ્ધ) નો પરાજય કરી,
આ સંસારમાંથી પોતાનો ઉદ્ધાર કરવા,શ્રવણ,મનન-વગેરે
જેવાં સાધનો મેળવવા પ્રયત્ન કરવો જોઈએ,
જેવી રીતે મનુષ્યોએ બનાવેલા પાંજરામાં પુરાયેલો સિંહ,પુરુષાર્થ
કરીને તેમાંથી બહાર નીકળી જાય છે,
તેમ,જીવે પણ પુરુષાર્થ કરી સંસાર રૂપી પિંજરમાંથી
બહાર નીકળી જવું યોગ્ય છે.
“પોતાનો દેહ નાશવંત છે”આવો વિચાર નિત્ય કરવો અને પશુ
ના જેવા ના થતાં,યોગ્ય કર્મો કરવાં.
પણ,જેવી રીતે,શરીર પર પડેલા ઘા માં,પડેલ જીવડો,માંસ
અને પરું નું ભક્ષણ કરી ને,તેમાં જ આનંદ પામી ને, પોતાનું આયુષ્ય વ્યર્થ ગાળે છે,
તેમ,મનુષ્યે ઘરમાં રહીને,અનેક પ્રકારના ભોગોને ભોગવવામાં
જ આનંદ મળે છે,તેવું વિચારીને
પોતાનું આયુષ્ય વ્યર્થ રીતે ગાળવું જોઈએ નહિ.
આ જગતમાં દૈવ (પ્રારબ્ધ) નામની કોઈ વસ્તુ છે જ નહિ,
જે મનુષ્ય સારો પુરુષાર્થ કરે તેને સારું ફળ મળે અને
જે નઠારો પુરુષાર્થ કરે તેને નઠારું ફળ મળે છે.
જે પુરુષ,”પ્રત્યક્ષ-પ્રમાણ-રૂપી” પુરુષાર્થ ને (એટલે
કે જે પુરુષાર્થ પ્રત્યક્ષ હાજર છે-તેને) છોડી ને,
માત્ર “અનુમાન-રૂપે” રહેલા દૈવ (પ્રારબ્ધ) પર જ આધાર
રાખી ને બેસે છે તે મૂઢ (મૂર્ખ) છે.
એટલે- “મને મારું ભાગ્ય (પ્રારબ્ધ) પ્રેરણા કરે છે”
આમ માનનારા મનુષ્યો મૂર્ખ જ છે.
આવા મૂર્ખ મનુષ્યો,શાસ્ત્રમાં કહેલા –શ્રવણ,મનન –વગેરે
દ્વારા પરમાર્થ-રૂપી આત્મ-તત્વ નો
મન માં વિચાર સુધ્ધાં કરતા નથી,પણ માત્ર વિષય-ભોગો
જ ભોગવવાની ઈચ્છા રાખે છે,
તેમને ધિક્કાર છે.
વિષયોમાં થી સુખ મળતું નથી,માટે વિષયો નું સંપાદન
કરવાના પ્રયત્ન કરવાને બદલે,
આત્મ-તત્વ સંપાદન કરવા માટે કરવો પડતો પુરુષાર્થ (સાધનો,શાસ્ત્રો,સત્સંગ,સદાચાર-વગેરે)
જ સફળ નીવડે છે.પુરુષાર્થ નું સત્ય સ્વ-રૂપ પણ તે
જ છે.
બાળપણ રમતમાં વીતી જાય છે,પણ જુવાની આવે ત્યારથી,મનુષ્યે
સત્સંગ કરીને તથા,
શાસ્ત્રોમાં આવતા પદો તથા તેના અર્થ થી પોતાની બુદ્ધિ
ને શુદ્ધ કરીને,ગુણ અને દોષો નો
(શાથી હાનિ થાય છે અને શાથી
લાભ થાય છે?) વિચાર કરવો જોઈએ.