(૨૩) કાળ-વર્ણન
રામ બોલ્યા-આ ક્ષુદ્ર સંસારમાં મનુષ્યને,અનેક
લાભો અને તુચ્છ સુખની આશા હોય છે,પણ
કાળ-રૂપી (સમય-રૂપી) ઉંદર તે આશા-રૂપી તંતુને
કાતરી નાંખી તે સુખોનું નામોનિશાન રહેવા દેતો નથી.
આ સર્વ-ભક્ષી કાળ,આ જગતમાં જન્મ પામેલી એક એક
વસ્તુને ગળી જાય છે.
અનંત બ્રહ્માંડો ને પણ ગળી જનારો અને સર્વ જગ્યાએ
વ્યાપી રહેલો –આ કાળ,વાસ્તવિક-રૂપે,
અદ્રશ્ય-રૂપે હોવા છતાં, “યુગ,કલ્પ,વગેરે” (સમય
નું માપ) વગેરે રૂપો થી પ્રગટતો એ (કાળ=સમય)
જગત અને પુરા બ્રહ્માંડને વશ કરી રહ્યો છે.
મનુષ્ય દેખાવમાં સુંદર હોય,સારાં કર્મો કરનાર હોય
કે પછી મેરુ-પર્વત સમાન (મહાન) હોય,
પણ તેમને તે કાળ ગળી જાય છે.
નિર્દય,પથ્થર સમાન કઠિન,વાઘ જેવો ક્રૂર,કરવત જેવો
કર્કશ,કંગાળ અને અધમ –એવો દેખાતો આ કાળ,
જેને ગળી જતો નથી,એવી કોઈ વસ્તુ આજ સુધી થઇ નથી.
આ કાળ પણ બ્રહ્મની સત્તા (કે જેમાં અનંત પ્રાણીઓ
ના સંસાર નો લય થાય છે) પર સ્થિર પગે ઉભો રહ્યો છે.અને તે કોઈ રીતે કોઈનાથી બીતો
નથી,તે કોઈના પર પ્રેમ કરતો નથી,તે કદી આવતો નથી કે જતો નથી,અને સેંકડો યુગો કે
મહાકલ્પો વીતતાં-પણ તે અસ્ત કે ઉદય પામતો નથી.
કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર,બેદરકારીથી,તે
જગતમાં “ફેરફાર કરવાની રમત” રમી રહ્યો છે.
આ કાળ જેનું હરણ કરતો ન હોય,એવી તુચ્છ કે અતુચ્છ
કોઈ પણ વસ્તુ નથી.
સઘળા જીવો ને “ચૂર્ણ-રૂપ” કરી મૃત્યુ ના મુખમાં
નાખવાનો,ક્રીડા-વિલાસ (પ્રલય કે વિસર્ગ) કરીને-
તે કાળને જયારે –કશું કામ બાકી રહેતું નથી (કાર્ય
પદાર્થો નો અભાવ થાય છે) ત્યારે-
“બ્રહ્મ-ચૈતન્ય” ના નિજ (પોતાના) સ્વરૂપમાં
વિશ્રાંતિ લે છે,
એટલે તે (કાળ),તેનાથી (બ્રહ્મથી) જુદો જ પ્રતીત થતો
(દેખાતો) નથી.
અને આ પ્રમાણે,”પ્રલય” (વિસર્ગ) માં વિશ્રાંતિ લઇ, “સૃષ્ટિ” ના સમયમાં (સૃષ્ટિ-સર્જન-કે-સર્ગ
ના સમયમાં) તે “કાળ” પોતે જ જગતનો કર્તા,ભોક્તા,સંહાર કરનાર-વગેરે
–સર્વ-રૂપ વાળો થાય છે.
અકળ બુદ્ધિ થી પણ તે કાળ ના રહસ્ય ને કોઈ કળી (જાણી)
શકતું નથી.
અને સારાં-નરસાં.એવાં સર્વ પ્રકારનાં શરીરો (જીવો)
ને પ્રગટ કરતો અને
તરત જ તેમને લીન (નાશ) કરી નાખતો,આ કાળ,અહીં ક્રીડા
કર્યે જ જાય છે.
સર્વ લોક માં આ કાળ નું બળ પ્રસિદ્ધ જ છે.
(એટલે આવા બળવાન કાળ નું સ્મરણ
રાખી મુમુક્ષુએ પોતાના આત્મા નો ઉદ્ધાર શીઘ્ર કરવો જોઈએ)