Aug 30, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૪

(૨૦) યૌવન નિંદા

શ્રીરામ બોલ્યા-પછી તે બાલ્યાવસ્થા-રૂપ અનર્થને છોડી,ભોગો ભોગવવાના ઉત્સાહથી-“દૂષિત થયેલા મનવાળો-પુરુષ”, છેવટે નરકમાં પડવાને વાસ્તે જ યૌવનની દશા ઉપર ચડે છે.

યૌવનમાં અનંત ચેષ્ટાઓવાળા,પોતાના ચપળ મન ની “રાગ-દ્વેષ-આદિ વૃત્તિઓ” નો –
અનુભવ કરતો,મૂર્ખ પુરુષ -એક દુઃખ માંથી બીજા દુઃખમાં પડે જ જાય છે.
અનેક પ્રકારના સંભ્રમો કરાવનાર-કામદેવ-રૂપી પિશાચ યુવાન ને પરવશ કરીને બળાત્કારે દબાવે છે.

--આ યૌવન (વીજળી ના પ્રકાશ ની પેઠે) પળવાર રહેનારું છે,ને અભિમાની વચનો બોલવાથી ભરેલું છે,
  મને તે ગમતું નથી.
--આ યૌવન (મદિરા ના વિલાસ ની પેઠે) મધુર,પ્રિય લાગે તેવું છે,ને પરિણામે દુષ્ટ છે,અને સઘળાં દોષો ના શિરોમણી-રૂપ છે, મને તે ગમતું નથી.
-- આ યૌવન (સ્વપ્ન માં થયેલા સ્ત્રીના સમાગમ પેઠે) અસત્ય છે,પણ સત્ય જેવું લાગે છે, અને થોડીવારમાં તે ઠગીને જતું રહેનારું છે,મને તે ગમતું નથી.
--આ યૌવન થોડો સમય જ સુખ દઈને પછી દુઃખમય અને નિરંતર બળતરા કરાવનાર,તથા,
  ઉપર ઉપર થી રમણીય,પણ અંદરથી સદભાવ વગરનું છે,મને તે ગમતું નથી.

આ યૌવન માં આવતો (યૌવન સંબંધી) “મોહ”, સારા (શુભ) આચારને ભુલાવનારી,અને
બુદ્ધિ ને ભ્રંશ કરનારી “મહાભ્રાંતિ” ને ઉત્પન્ન કરે છે.

યુવાનીમાં થતા સ્ત્રી-પુરુષ ના વિયોગ થી,ઉત્પન્ન થયેલા શોક-રૂપ અગ્નિ થી તે બળે છે.અને,
ભલે,તેની બુદ્ધિ નિર્મળ હોય,વિશાળ હોય કે પવિત્ર હોય –તો પણ તે મેલી થઇ જાય છે.
“પેલી સ્ત્રી,એનાં પુષ્ટ સ્તન,પેલા વિલાસો,અને પેલું સુંદર મુખ” એવી એવી ચિંતાઓ થી,
યુવાનીમાં મનુષ્ય નું મન ગંદુ ને વિચલિત થઇ જાય છે.

શરીર-રૂપી-નિર્જળ “ભૂમિ”માં, કામના-રૂપી-“તાપ” થી, યૌવન-રૂપી- “ઝાંઝવાનાં જળ” દેખાય છે, અને
તે તરફ દોડ્યા જતા “મન-રૂપી” –હરણો,”વિષય-રૂપી” ખાડામાં પડી જાય છે.
(એટલે કે-યુવાન-દેહમાં,મનમાં પેદા થતી  “કામના”ઓ ને લીધે તે “વિષયો” ભોગવવા માં લાગી જાય છે)

અનેક પ્રકારના “વિકારો”થી વ્યાપ્ત થયેલું,અને ક્ષણ-માત્ર માં નાશ પામનારું,
આ બિચારું યૌવન,”મરવા પડેલા પુત્ર” જેવું છે. તેનો તો શોક કરવો જ ઘટે છે.
જે પુરુષ આ ક્ષણ-ભંગુર,યુવાની થી “અજ્ઞાન” ને લીધે રાજી થાય છે તે,મહામૂઢ, “નર-પશુ” જ છે.

હે મુનિ,જેઓ યૌવન-રૂપી “સંકટ”માંથી સહેજે પાર ઉતરી જાય છે,
તેઓ જ આ પૃથ્વીમાં પૂજ્ય છે.તેઓ જ મહાત્માઓ છે,અને તેઓ જ સાચા પુરુષો છે.

આ મનુષ્ય-જન્મમાં- વિનયો થી શોભી રહેલું,સદગુણો ની સંપત્તિ વાળું “સુયૌવન” બહુ દુર્લભ છે.

    INDEX PAGE
     NEXT PAGE