Aug 22, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૬

(૮) દશરથ રાજા ને થયેલો ખેદ
વાલ્મીકિ બોલ્યા-વિશ્વામિત્ર નું બોલવું સાંભળીને,દશરથરાજા ઘડીભર તો જડ જેવા થઇ ગયા,
અને રાંકપણે કહેવા લાગ્યા કે-અરે,એ કમળલોચન રામને હજુ સોળ વર્ષ પણ થયા નથી,રાક્ષસો સામે યુદ્ધ કરવાની,હું એનામાં યોગ્યતા જ દેખતો નથી. હે,પ્રભુ,તેને બદલે હું પોતે મારી અક્ષોહીણી સેના લઈને તમારી સાથે આવું,રામ તો બાળક છે,સાચી રણભૂમિ પણ તેણે જોઈ નથી,તેની પાસે ઉત્તમ શસ્ત્રાસ્ત્રો નથી,ને યુદ્ધમાં કુશળ નથી.


વળી હમણાંથી તે પીળો ને દુબળો પડી ગયો છે,નથી અન્ન ખાઈ શકતો કે નથી ઘરની ભૂમિ પર સારી રીતે ચાલી શકતો.એનું મન ઊંડા ખેદ થી ભરાઈ ગયું છે.ને સાવ સુનમુન ની જેમ પડી રહે છે.
આમ મારો એ બાળ-કુમાર પીડાથી પરવશ થઇ ગયો હોય તો હું તેને કેમ કરીને,ભયંકર માયાવી રાક્ષસો સામે યુદ્ધ કરવા તમને સોંપું?

રામની આવી સ્થિતિમાં એણે ક્રૂર રાક્ષસો સામે યુદ્ધ કરાવવું એ યોજના જ અતિ અસહ્ય છે.
અનેક યજ્ઞો કર્યા પછી,મારે ત્યાં ચાર પુત્રો થયા છે,તેમાં રામ તો મારો પ્રાણ છે,તેના વગર હું પળ પણ જીવી શકીશ નહી,તમારી સાથે હું આવવા તૈયાર છું,પણ મારો પુત્ર હું આપને આપીશ નહી.
છતાં પણ જો આપ રામને લઇ જશો તો આપે મને જ મારી નાખ્યો છે એમ સમજજો.

(૯) વિશ્વામિત્ર ના તપોબળ નું વશિષ્ઠ દ્વારા વર્ણન
વાલ્મીકિ બોલ્યા-દશરથ રાજાનાં વચન સાંભળી,વિશ્વામિત્ર રોષ પામ્યા,ને રાજાને કહેવા લાગ્યા કે-
તમે એકવાર કહ્યું કે-હું તમારું કામ કરીશ,ને હવે તમે તે પ્રતિજ્ઞાને ફોક કરવા ઈચ્છો છો?
આમ બોલેલા વચન ખોટું કરવાનું રઘુવીરોના આ કુળને શોભતું નથી.તમે તમારું વચન પાળવા સમર્થ ના હો તો,હું આવ્યો છું તેમ જ પાછો જઈશ,તમે તમારા બંધુ ઓ સાથે સુખી થાઓ.

જગતના મિત્ર (વિશ્વામિત્ર=વિશ્વના મિત્ર) એવા એ મુનિ ને આમ ક્રોધે ભરાયેલા જાણીને,
ધીરજવાળા ને બુદ્ધિમાન વશિષ્ઠે રાજાને કહ્યું કે-
તમે ઇક્ષ્વાકુ ના કુળમાં જાણે સાક્ષાત બીજા ધર્મ જ અવતર્યા છો,તમારે તમારે સ્વ-ધર્મ છોડી દેવો ન જોઈએ.તમે પ્રથમ “કામ કરીશ” એવી પ્રતિજ્ઞા કરી ચુક્યા છો,અને હવે તમે જ જો તે વચન નહિ પાળો,તો
બીજો કોણ તે વચન પાળશે?

રામે ભલે અસ્ત્ર-વિદ્યાનો અભ્યાસ ના કર્યો હોય,પણ પુરુષ-શ્રેષ્ઠ વિશ્વામિત્ર થી રક્ષાયેલા એ રામનો કોઈ પણ રાક્ષસ પરાભવ કરવા શક્તિમાન નથી.
વિશ્વમિત્ર મૂર્તિમાન ધર્મ છે,સૌ પરાક્રમીઓમાં શ્રેષ્ઠ છે, અને સર્વલોકમાં અધિક બુદ્ધિમાન છે.
એ વિશ્વામિત્ર,જેટલા વિવિધ અસ્ત્રોને જાણે છે,તેટલાં ત્રણે લોકમાં બીજો કોઈ પુરુષ જાણતો નથી.
એથી,વિશ્વામિત્ર ની તોલે આવે તેવો ત્રણે લોકમાં કોઈ નથી.
માટે તેમની સાથે રામને મોકલવામાં તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી.
જો કોઈ મનુષ્ય,આ અપાર શક્તિશાળી મુનિરાજ ની સમીપમાં હોય અને તેનું મૃત્યુ આવી ચૂકેલું હોય તો પણ તે અમરતાને પામે છે.માટે હે,રાજા,મૂઢ મનુષ્ય ની પેઠે દીનતા પામશો નહિ.

(૧૦) રામની સ્થિતિ
વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠે કહેલા વચનો થી દશરથ રાજા મનમાં હર્ષ પામ્યા,
ને રામને બોલાવી લાવવા માટે દૂતને આજ્ઞા કરી.
થોડીવારમાં તો દૂત રામના અનુચરો સાથે પાછો આવ્યો,ને કહેવા લાગ્યો કે-
રામ તો તેમના આવાસમાં ઉદાસ થઈને બેઠા છે,એક તરફ તે કહે છે કે-‘હું આવું છું’ પણ બીજી તરફ તો
તરત તે કોઈ વિચારમાં ડૂબી જાય છે.અને મનમાં મૂંઝાઈ ને કોઈની પાસે ઉભા રહેવાને જાણે ઇચ્છતા નથી.

દશરથરાજાએ રામના અનુચરોને પૂછ્યું કે-રામ શું કરે છે? અને તે કેવી સ્થિતિમાં છે?
ત્યારે રામના અનુચરે ખેદ-પૂર્વક રાજાને કહ્યું કે-રામનું શરીર ખેદને લીધે કરમાઈ ગયું છે.
તીર્થયાત્રા થી પાછા આવ્યા પછી થોડા દિવસ પછીથી આજ સુધી તે મનમાં કચવાયા કરે છે.
અમે ઘણા યત્નથી પ્રાર્થના કરીએ ત્યારે રામ,કરમાયેલા મોઢે દિવસ-સંબંધી કાર્યો કરે છે,કદી નથી પણ કરતા.અમે અત્યંત વીનવીએ છીએ પણ તો પણ તે પુરું ભોજન જમતા નથી.
    INDEX PAGE
     NEXT PAGE