Mar 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૩

ભરતજી ખૂબ જ આનંદમાં આવીને નાચતા નાચતા અયોધ્યામાં આવી સહુને ખબર આપે છે કે-“રામજી આવે છે.” અને આ ખબર સાંભળતાં જ આખા નગરમાં પણ આનંદની ભરતી આવી ગઈ.સૌ તાબડતોબ રામજીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા.આજે રામજી આવે છે,ને તેમના સ્વાગત માટે રસ્તાઓ પર જળ છંટાયા ને ફૂલો વેરાણા.આખા નગરમાં ધજા –પતાકાઓ ફરફરવા લાગી,સુવર્ણના થાળમાં દહી,દુર્વા,ફુલ,તુલસી-ભરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાતી ગાતી રામનું સ્વાગત કરવા ચાલી,ને માથે સુવર્ણ-કલશો લઇ કન્યાઓ ચાલી.

બ્રાહ્મણો ને ઋષિમુનિઓ પણ ચાલ્યા,ને બાળક ને ઘરડાઓ સિવાય ઘરમાં કોઈ રહ્યું નથી.
કૌશલ્યા વગેરે માતાઓ,વશિષ્ઠ,સુમંત્ર અને ભરત-શત્રુઘ્ન પણ રામનું સ્વાગત કરવા ચાલ્યા.
વિમાનમાંથી અયોધ્યા-પુરીનાં દર્શન થતાં જ શ્રીરામે વિભીષણ-સુગ્રીવ ને એ બતાવી કહ્યું કે-
આ અયોધ્યાપુરી જેટલું મને બીજું કશું પ્રિય નથી.આ નગર પવિત્ર છે,આ સરયુ નદી પવિત્ર છે,
અને અયોધ્યાની ભૂમિ જ અતિ પવિત્ર છે.

શ્રીરામે જેવો વિમાનમાંથી ઉતરીને ભૂમિ પર પગ મુક્યો કે –“સિયાવર રામચંદ્ર કી જે” ના ઘોષથી આકાશ ગાજી રહ્યું.વસિષ્ઠ મુનિને જોઈ,શ્રીરામે ધનુષ્ય-બાણ બાજુએ મૂકીને દોડીને તેમને પગે પડ્યા. વશિષ્ઠ મુનિએ તેમને ઉઠાડીને ભેટીને તેમના કુશળ પૂછ્યા.ત્યાર પછી સર્વે ઋષિમુનિઓને મસ્તક નમાવી શ્રીરામે વંદન કર્યા,
ત્યાં ભરતજી દોડતા આવીને તેમના ચરણોમાં ઢગલો થઈને પડ્યા.શ્રીરામ એમને ઉઠાડે છે પણ તે ઉઠતા નથી,પગ પકડીને પોતાના આંસુઓથી તેમના પગને પખાળતા રહ્યા....! પરાણે શ્રીરામે એમને ઉઠાડીને છાતી-સરસા ચાંપ્યા.બંનેના રોમે રોમમાં હર્ષ વ્યાપી ગયો,ને બંનેના આંખોમાંથી અશ્રુ-પ્રવાહ વહે છે.
આ જોઈને આસપાસ ઉભેલાં સર્વ સ્ત્રી-પુરુષો નાં નેત્રોમાંથી પણ અશ્રુ-પ્રવાહ વહેવા લાગ્યો.

પરમાનંદ થયો છે.શ્રીરામે ભરતનું કુશળ પૂછ્યું,પણ ભરતજી તો એવા આનંદ-વશ હતા કે તે બોલી શક્યા જ નહિ.ભરતજીનું એ સુખ વાણી અને મનથી પર છે,એ તો જેને અનુભવ્યું હોય તે જ જાણી શકે.
બહુ વારે સ્વસ્થ થઇ ભરતજીએ શ્રીરામના ચરણોમાં તેમની પાદુકાઓ ધરી કહ્યું કે-આપે જે રાજ્ય મને થાપણ તરીકે સોંપ્યું હતું તે આજે હું તમને પાછું સોંપું છું,આજે મારો જન્મ સાર્થક થયો,ને હું પરમ ભાગ્યશાળી છું.કે,આજે હું અયોધ્યાના રાજાને અયોધ્યામાં આવેલા જોઉં છું.આપનાં તેજ અને બળના પ્રતાપે અયોધ્યાની સંપત્તિ પણ ચૌદ વર્ષમાં દશ-ગણી થઇ ગઈ છે.

શ્રીરામનાં દર્શન કરીને અયોધ્યા-વાસીઓ પણ પ્રેમ-વિભોર બની ગયા હતા,તેથી શ્રીરામે એવી લીલા કરી કે,અનેક-રૂપ ધારણ કરીને સૌને એક સાથે જ મળ્યા.જેનો જેવો ભાવ તેવા ભાવે શ્રીરામ તેમને મળ્યા.
ત્યારે કૌશલ્યા અને સર્વ માતાઓ રામને મળવા દોડી.તુલસીદાસજી કહે છે કે-નવી વિયાયેલી ગાયો વાછરડાં ને છોડીને આખો દિવસ વનમાં ચરવા ગઈ હોય,અને સાંજે વાછરડાંને મળવા-હંભા-હંભા-કરતી દોડે તેમ માતાઓ શ્રીરામ તરફ દોડી.રામજી સર્વ માતાઓને મળ્યા ને વંદન કર્યા.માતાઓ વિચાર કરી રહી કે-આવા સુકુમાર શરીરે રાવણને કેવી રીતે માર્યો હશે?સુમિત્રા-માતા લક્ષ્મણજીને છાતીએ વળગાડી રહ્યાં.પુત્રની રામચરણમાં રતિ જોઈ,માતાના હર્ષનો ને ગર્વનો પાર નહોતો.સુમિત્રાજીનું સમર્પણ અદભૂત છે.
સીતાજી પણ સર્વ સાસુઓને પગે લાગ્યાં અને સર્વના આશીર્વાદ લીધા.

પછી શ્રીરામે વિભીષણ,સુગ્રીવ,હનુમાન વગેરેની ઓળખાણ વશિષ્ઠજીને કરાવી કહ્યું કે-આ બધા મારા મિત્રો છે ને તેઓ મને ભરત અને ભાઈઓ સમાન વહાલા છે.સર્વે મિત્રોએ પણ વશિષ્ઠ અને કૌશલ્યા માને પ્રણામ કર્યા ત્યારે કૌશલ્યા માએ કહ્યું કે-તમે બધા મને રામ સમાન વહાલા છો.

શ્રીરામ નગરમાં પધાર્યા,એ વખતે નગરની શોભા જોઈ ને દેવો પણ લજાઈ ને કહેવા લાગ્યા કે-સ્વર્ગ તો આ અયોધ્યા નગરી આગળ તુચ્છ છે.આખા રસ્તા પર શ્રીરામ પર અવિરત પુષ્પની વૃષ્ટિ થતી રહી.અને આરતી ઉતરાતી રહી.રાજભવન આગળ આવી ને શ્રીરામ પહેલાં કૈકેયીના આવાસમાં ગયા ને પ્રેમથી ભેટ્યા,પછી
બીજી માતાઓના ભવનમાં જઈ ને તેમને ભેટી,પગે લાગી આશીર્વાદ લીધા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE