Feb 24, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૭

રાવણના વધથી દેવો ભલે ખુશ થયા હોય,અને ભલે દેવોને એમ લાગતું હોય કે –અમારું કામ પતી ગયું છે.પણ રામજીને તેમ લાગતું નથી.તેમનું કાર્ય ત્યારે પૂર્ણ થાય.કે જયારે “દુષ્ટો” સાથે “દુષ્ટતાની વૃત્તિ” પણ નાશ પામે.ને રામરાજ્ય સ્થપાય.દેવતાઓની ભોગવૃત્તિ છે,અને આ ભોગ-વૃત્તિ એ સ્વાર્થ-વૃત્તિની બહેન છે.દેવોને તો તેમના રસ્તા પર આવતા કંટકોને દૂર કર્યા સિવાય,તે વિષયમાં બહુ ઊંડા ઉતારવાની ટેવ નથી,કારણકે બહુ ઊંડા ઉતરે તો તેમના ભોગો કેમ ભોગવાય?(સ્વાર્થ) એટલે તો,રાવણ નામનો કાંટો હટી ગયો, એટલે દેવો સમજે છે કે તેમનું કામ પૂર્ણ થઇ ગયું!!!

તુલસીદાસજી એટલે તો દેવોને સ્વાર્થી કહે છે
હવે જો વિચારવામાં આવે કે-રાવણનો નાશ કરવા ભગવાને અવતાર લેવાની કેમ જરૂર પડી?
રાવણ કોઈ એવો મહા-બળવાન નહોતો,કે તે કોઈથી તે હારી શકે નહિ કે મરી શકે નહિ.
વર્ણન છે કે-વાલીએ રાવણને છ મહિના સુધી બગલમાં દાબી રાખ્યો હતો,અને વળી,સહસ્ત્રાર્જુને પણ રાવણને હરાવ્યો હતો.રાવણ ને જો મારવો જ હોત તો તે કામ વાલી-કે-સહસ્ત્રાર્જુન કરી શકત.તે રાવણને મારી શકત.
પણ પછી શું? એક દુરાચારી,બીજા દુરાચારીને મારે,એટલે એક દુરાચાર પર બીજા દુરાચારનો જ વિજય થાત.
પહેલાં પણ દુરાચાર ને પછી પણ દુરાચાર.સમાજમાં દુરાચાર નો “જય” બોલાત,ને તેથી કંઈ દુરાચાર હટી શક્યો હોત નહિ.

મરતી વખતે જયારે વાલી શ્રીરામને કહે છે કે-સીતાજીને પાછી લાવવા આપ સુગ્રીવને વહારે ધાયા છો,
પણ આ કામ હું તમને ચપટીમાં અને સહેલાઈથી કરી આપત.
શ્રીરામ જાણતા હતા કે-વાલી જેવું બોલે છે તેવો પરાક્રમી જરૂર છે,પણ,વાલીનો આશ્રય લેવામાં,
દુરાચારનો આશ્રય લેવાતો હતો,એટલે તેનાથી દૂર રહ્યા છે.

આ જગતમાં આપણે જોઈએ છીએ કે-એક દુષ્ટતા ને બીજી વધારે દુષ્ટતા હરાવે છે.
પણ એક દુષ્ટતા –જો બીજી દુષ્ટતા ને જીતે –તો તેથી કંઈ જીતાતું નથી,કારણકે દુષ્ટતા તો તેની તે જ રહે છે.
એટલે તે જીત નથી. જીત તો તે છે કે-જયારે સચ્ચાઈ, તે દુષ્ટતાને જીતે.
જો જગતમાં ક્રોધ,લોભ,મોહ કે અહંકાર જીતે –તો તેથી સમાજનું કલ્યાણ થતું નથી.
સમાજનું કલ્યાણ તો જયારે સચ્ચાઈ (સત્ય) જીતે તો જ થાય છે.

રાવણને મારવા ભગવાને અવતાર લેવાની કેમ જરૂર પડી? તે વિશે હજુ જો આગળ વિચારવામાં આવે તો-
પરશુરામ પણ અવતારી પુરુષ હતા,અને તેમણે સહસ્ત્રાર્જુનને હરાવી તેની હજાર ભુજાઓ કાપી નાંખી હતી તો,રાવણ ની વીસ ભુજાઓનો તો ક્યાં હિસાબ? પરશુરામ પ્રબળ શક્તિશાળી પણ છે,અને અવતારી પણ છે, 
તો પછી રામના અવતારની ક્યાં જરૂર રહી? 

ત્યારે મહાત્માઓ કહે છે કે-પરશુરામ એ આવેશ-અવતાર છે.પરશુરામનું શસ્ત્ર છે-પરસુ (ફરશી)
શ્રીરામે રાવણની સામે લડવા જતાં જે –“ધર્મ-રથ” નું વર્ણન કર્યું છે,તેમાં પરસુ ને “દાન” નું પ્રતિક કહ્યું છે.
પરશુરામ એ “નિર્લોભ” અને “દાન” નું પ્રતિક છે.
તેમણે રાજ્યો જીતી ને પોતાની પાસે નહિ રાખતાં દાનમાં દઈ દીધાં હતાં.
પણ જીતથી અને દાનથી પરશુરામમાં “અહંકાર” ની વૃદ્ધિ થઇ હતી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE