Feb 21, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૪

આ બાજુ પતિનાં મસ્તકો અને ભુજાઓ જોઈને મંદોદરી વિલાપ કરે છે.
“હે,નાથ,તમારી જે ભુજાઓએ કાળ અને યમરાજને પણ જીત્યા હતા,તે આજે અનાથની જેમ અહીં પડી છે! વિધાતાની આખી સૃષ્ટિ જે તમારા મસ્તકોને મસ્તક નમાવતી હતી,તે મસ્તકો અહીં ધૂળમાં રગદોળાય છે! અહંકારમાં તમે કોઈનું યે માન્યું નહિ,અને શ્રીરામ સાથે વેર બાંધ્યું,તો આજે તમારા કુળમાં કોઈ રડનારું યે ના રહ્યું,કે ના તમને અગ્નિસંસ્કાર કરનાર પુત્ર પણ રહ્યો.શિવ અને બ્રહ્મા-આદિ દેવો જેમને ભજે છે,તે કરુણાળુ ભગવાનને તમે ભજ્યા નહિ,છતાં તેમણે તમારા પર કૃપા કરી,તમને નિજ-ધામ આપ્યું.ખરેખર,શ્રીરામ કૃપાના સાગર છે.

કુટુંબની સ્ત્રીઓને વિલાપ કરતી જોઈને વિભીષણને બહુ દુઃખ થયું.ને તેનું મન ભારે વિષાદથી ભરાયું.
ત્યારે શ્રીરામે તેને આશ્વાસન આપતાં કહ્યું,કે-તારો ભાઈ રાવણ શૂરવીરની પેઠે યુદ્ધમાં મર્યો છે,માટે 
તેનો શોક કરવો ઘટતો નથી,વળી,એ મોટો તપસ્વી,અગ્નિહોત્રી,કર્મકાંડમાં અગ્રણી અને વેદ-ઉપનિષદના જ્ઞાનવાળો હતો,વળી પ્રાણીમાત્રનું મરણ તો છે જ,માટે તુ શોક ત્યજીને જે કરવાનું છે,તે કર.

રામના આવા ઉપદેશથી વિભીષણ શાંત થયો,એટલે શ્રીરામ આગળ કહે છે કે-
હે,વિભીષણ,રાવણ ભલે અધર્મ અને અસત્યને વરેલો હોય,પણ વેર,તેના મૃત્યુ સુધી જ રહે છે.
મૃત્યુની સાથે વેરનો અંત આવે છે.હવે તો રાવણ જેવો તારો સંબંધી(સ્વજન) છે તેવો જ મારો સંબંધી છે.
જેટલો તને પ્રિય છે તેટલો જ મને પ્રિય છે.માટે તેનો વિધિ-પૂર્વક અગ્નિસંસ્કાર કરો.
શ્રીરામની આજ્ઞા પ્રમાણે,વિભીષણે રાવણનો વિધિપૂર્વક અગ્નિ-સંસ્કાર,અને બીજી વિધિઓ કરી.

રાવણ વિશે શ્રીરામે વિભીષણને કહેલા છેલ્લા શબ્દોમાં,શ્રીરામના સર્વ-પ્રત્યેના અલૌકિક પ્રેમ-ભાવનું 
દર્શન થાય છે.અગાઉ પણ રાવણને જયારે તેમણે પહેલી જ વાર જોયો,ત્યારે વિભીષણને તેમણે કહ્યું હતું કે-અહો,રાક્ષસોનો આ રાજા મહા દેદીપ્યમાન છે! અને આવું કહીને રાવણ (દુશ્મન) ના વ્યક્તિત્વની પણ કદર કરે છે.(ભલે એ ગમે તેવો હોય) રાવણ પ્રત્યે તેમના હૃદયમાં જરા પણ કટુતા નથી.અને તેઓ રાવણને પોતાનો સ્વજન કહે છે.હૃદયનો આવો ઉદારભાવ-એ જ શ્રીરામ (પરમાત્મા) નું અલૌકિક તત્વ છે.

રડાવે તે રાવણ અને રમાડે તે રામ.કામ,ક્રોધ,લોભ,મોહ-વગેરે રાવણનાં સ્વરૂપો છે,જે માનવીને રડાવે છે.
મનુષ્યના આ મહાન શત્રુઓ છે,કે જે માનવીને સમજાવે છે-લલચાવે છે કે-અમે તને સુખી કરીએ છીએ.
માનવી તેમની મધ-લાળમાં ફસાય છે,ને માને છે કે- હું સુખી થાઉં છું.તે સુખ લાંબુ ટકતું નથી અને અંતે તે રડાવે છે.ને પછી એકાએક ભાન થાય છે કે-હું જેને સુખ માનતો હતો તે સાચું સુખ નથી,હું જેને મિત્ર માનતો હતો તે મિત્ર નથી પણ શત્રુ છે.

શ્રીરામ એ પરમાત્માનું સ્વરૂપ છે,અને લીલા (માયા) કરી તે જીવને રમાડે છે.
પ્રભુની લીલા એ પ્રભુની માયા છે,અને વ્યવહારમાં માયાનો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો,એટલે કે-વિવેકથી,માયાના દાસ થયા વગર વ્યવહાર કરવામાં આવે તો,માયા સાથ આપે છે.ને ભક્તિ કરવા દે છે.
અને ભક્તિ દ્વારા જ માયાનું દાસત્વ છૂટે છે.નહિતર માયા રમાડે જ જાય છે.

જેમ,કોઈ પણ ઘરમાં,અંદર જવું હોય તો,બારણામાંથી જ જવાય,ભીંત (દિવાલ) જોડે ગમે તેટલાં માથાં કુટવામાં આવે તો માથું તૂટે પણ ઘરમાં દાખલ થઇ શકાય નહિ,તેમ,પ્રભુની કૃપા,એ ઘર છે,ભક્તિ તેનું દ્વાર છે,અને અહંકાર એ દિવાલ છે.ભક્તિ-દ્વારમાં થઈને પ્રભુની કૃપાના સન્મુખ થઇ શકાય,પણ અહંકારની દિવાલમાંથી નહિ.

માટે સંત-મહાત્માઓ કહે છે કે-અહંકાર છોડો અને ભક્તિનું દ્વાર પકડો.રામ સાથે કોઈ સંબંધ બાંધો.
પ્રભુ સાથે સંબંધ જોડવાથી પ્રભુ સાથે લાગણી થાય છે.પ્રભુ પોતાના લાગે છે.
પ્રભુ સાથે સંબંધ જોડવો-એ જ- માનવ-જન્મનો ઉદ્દેશ છે.માનવ-જન્મ આપ્યો છે જ એટલા માટે.
એકલા માનવને જ વાણી,મન,બુદ્ધિ,વિવેક -વગેરે આપ્યાં છે,પ્રભુની માનવને આ મોટી બક્ષિસ છે.
પ્રભુએ વિચાર કર્યો કે-મનુષ્ય આ બધાનો ઉપયોગ કરશે,પણ જો એ બધાંનો ઉપયોગ કરવાનો ના જ 
હોય,કે જો કરે જ નહિ- તો પ્રભુએ પશુ પંખીનો અવતાર તે માનવ માટે નક્કી જ કરી દીધો છે.!!!

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE