Jan 24, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૨

વિભીષણ ધર્માત્મા હતો.સંત પુરુષોનું એક લક્ષણ એ પણ છે કે-તે બુરું કરનારનું પણ ભલું કરે છે.રાવણે લાત મારી છે છતાં વિભીષણે રાવણના ચરણમાં પ્રણામ કરીને કહ્યું કે-મોટાભાઈ,આપ મારા પિતા સમાન છો.આપની આજ્ઞા હું માથે ચડાવું છું,ને રઘુવીરને શરણે જાઉં છું.આપને અણગમતી સલાહ આપવા માટે આપની ક્ષમા માગું છું.આપ સર્વેનું કલ્યાણ થાઓ.

આમ કહી વિભીષણ આકાશમાર્ગે,સમુદ્રની પેલે પાર જ્યાં રામજી હતા ત્યાં જવા નીકળી ગયો.વિભીષણ લંકામાંથી ગયો,અને લંકાના લોકો આયુષ્ય-હીન થઇ ગયા.કહેવાય છે કે-દરેક ઘરમાં એક દૈવી જીવ હોય છે જ,અને તે જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી ઘરનું પુણ્ય ટકે છે.અને સૌનું રક્ષણ થાય છે.

મહાત્માઓ કહે છે કે-રાવણની જેમ બુદ્ધિ બગડે ત્યારે સમજવું કે વિપત્તિ આવવાની છે.
પ્રભુનું સ્મરણ એ ખરી સંપત્તિ છે અને પ્રભુનું વિસ્મરણ એ જ વિપત્તિ છે.
પ્રભુનું વિસ્મરણ થાય ત્યારે સમજવું કે બુદ્ધિ બગડી છે.
“બુદ્ધિ બગડી છે કે સુધરી છે?” તે જાણવાની ચાવી એક જ છે -બુદ્ધિને પૂછવું કે-
“તુ ઈશ્વરનું સ્મરણ કરે છે? જો જવાબ “હા” માં આવે તો ખુશ થવું -નહીં તો નાહી નાખવાનું.

વિભીષણ રામજીનું ચિંતન કરતો કરતો રામજીને મળવા જાય છે.એનું મન ખુશ છે કે આજે મને શ્રીરામનાં દર્શન થશે.મને શ્રીરામનું શરણ મળશે.પણ સાથે સાથે બીક પણ લાગે છે કે-રાવણના ભાઈ તરીકે મારો તિરસ્કાર તો નહિ કરે ને? મને પાછો તો નહિ કાઢેને? તો હું ક્યાં જઈશ? તો તો નક્કી હું સમુદ્રમાં જ ડૂબી મરીશ,પણ પાછો રાવણ પાસે તો નહિ જ જાઉં. અને આમ વિચાર કરતાં કરતાં જ દૂરથી રામનાં તેને દર્શન થયા ને તે ગદગદ થઇ ગયો.”બહુરિ રામ છબીધામ બિલોકી” 
પુલકિત થઇ તેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

વિભીષણને આવતો જોઈ વાનર-સેનામાં ખળભળાટ મચી ગયો.બધા અંદર અંદર પોતાનો અભિપ્રાય જાહેર
કરવા લાગ્યા કે –નક્કી એ જાસૂસ છે ને બાતમી લેવા આવ્યો છે,એ દગો રમશે.
સુગ્રીવે રામને સમાચાર આપ્યા કે-રાવણનો ભાઈ આપને મળવા આવ્યો છે.
શ્રીરામે સુગ્રીવ ને પૂછ્યું કે –આ બાબત તમારી શું સલાહ છે? 
સુગ્રીવ કહે છે કે-મને તો લાગે છે કે આપણો ભેદ જાણવા આવ્યો હોય તેમ લાગે છે,જો એ રાવણનો વિરોધી જ હોય તો રાવણ એને અહીં આવવા છુટો મૂકે નહિ,કારાગારમાં જ પુરી દે.અથવા તેને મારી નાખે.

શ્રીરામે પૂછ્યું -તે શું કહે છે? સુગ્રીવે કહ્યું-એ તો એટલું જ કહે છે કે હું સઘળું છોડીને રાઘવને શરણેઆવ્યો છું. અને “રાઘવમ્ શરણં ગતઃ” એમ જ બોલ્યા કરે છે.આ સાંભળી રામજીએ હનુમાનજી સામે જોયું-ત્યારે હનુમાનજીએ કહ્યું કે-વિભીષણના મનમાં છલ-કપટ નથી,અને આપ તો શરણે આવનાર પર પ્રેમ રાખનારા છો.”શરણાગત બચ્છલ ભગવાના”

ત્યારે રામ કહે છે કે-હનુમાનજીએ મારા દિલની જ વાત કહી,શરણે આવેલાની રક્ષા કરવી એ મારી પ્રતિજ્ઞા છે.પછી ભલે ને તે દ્રોહી હોય કે દુશ્મન હોય,પણ તે મદ,મોહ,કપટ,છલ –છોડીને આવે તો હું તેને,
સાધુ સમાન ગણું છું.વિભીષણ જો દુષ્ટ સ્વભાવનો હોત તો તેને મારી પાસે આવવાનું મન થાત જ નહિ.
એનું મોં આપણા તરફી થયું છે તે બતાવે છે કે એ નિર્મળ છે,છલ-કપટ વગરનો છે.
'જો નર હોઈ ચરાચર દ્રોહી,આવે સભય સરન તકી મોહી,
તજી મદ,મોહ,કપટ,છલ નાના,કરઊ સદ્ય તેહી સાધુ સમાના'

પછી તો રામની આજ્ઞાથી બધા ખૂબ આદર સહિત વિભીષણને રામ પાસે લઇ આવ્યા.આવતાની સાથે 
વિભીષણ રામજીનાં પગમાં ઢગલો થઇ પડી ગયો.રડતાં રડતાં કહે છે કે-
હે,નાથ હું રાવણનો ભાઈ છું,મારી પ્રકૃતિ તામસિક છે,પણ મારી રક્ષા કરો,હું શરણે આવ્યો છું.
ત્યારે રામે ઉભા થઇને તેને છાતી સરસો લગાવ્યો ને કહે છે કે-તમને અનીતિ નથી ગમતી તે મને ખબર છે,
તમે હવે અભય છો,હું તમને મારા ભાઈ લક્ષ્મણ સરીખો જ ગણું છું.

વિભીષણ કહે છે કે-આપનાં ચરણના દર્શનથી હવે મારું કુશળ થયું ને મારો ભય મટ્યો,
હે પ્રભુ મને આપની પવિત્ર ભક્તિ સિવાય બીજું કશું ના જોઈએ.
શ્રીરામે કહ્યું કે-તમારે કંઈ ના જોઈએ,પણ હું તમને ખાલી હાથે કેમ રાખું?
આમ કહી એમને સમુદ્રમાંથી જળ મંગાવ્યું અને ત્યાં જ વિભીષણને લંકાની ગાદીનો રાજા બનાવી 
તેનો રાજ્યાભિષેક કર્યો.ને એને રાજ-તિલક કર્યું.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE